Thursday 24 May 2012

આપણને ચાલશે !




છેલ્લા ઘણાં દિવસોથી ચાલતા ટેલિફોનિક તથા પર્સનલ ઇન્ટરવ્યુ  બાદ મારા એક મિત્રએ એક નવી ગુજરાતી ચૅનલના હેડ તરીકેની ૬ આંકડાના પગારની નોકરી માટે ના પાડી દીધી. તેના એ નિર્ણય પાછળ હું પણ કંઈક અંશે જવાબદાર ખરો. કારણકે ગુજરાતી ચૅનલમાં કામ કરવાની મારી ઈચ્છાએ મારી ટીવી ચૅનલની કારર્કિર્દીના બાર વગાડી દીધાં હતા. નવાઈની વાત તો એ હતી કે દેશની એક જાણીતી મિડિયા કંપનીના સંચાલકોની ઇચ્છા એક ગુજરાતી જાણતા માણસને જ હેડ તરીકે લેવાની હતી, બાકી બીજા ઘણા લોકોને એ જગ્યા પર જવા માટે ઉત્સાહ બતાવ્યો હતો.

આ વાત લખવાની ઇચ્છા કદાચ એટલા માટે થઈ કે આપણી ગુજરાતી ચૅનલો જ એવી છે કે જેમાં ગુજરાતી ન જાણતાં હોય, હિન્દી કે અંગ્રેજીમાં જ સૂચનો આપતો હોય તેવા બૉસ કેમ જોવા મળે છે તેવી ફરિયાદ મને હંમેશા રહેતી. હૈદરાબાદસ્થિત એક ગુજરાતી ચૅનલમાં હું કામ કરતો ત્યારે અમારો બૉસ તેલગું હતો. ઘણી વાર કારણ વગર આંધ્ર પ્રદેશનાં મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુનાં ન્યુઝ લેવડાવતા. અમે ઘણી વાર કહેતા કે સાહેબ, આ દાઢીવાળાને અમારે ત્યાં કોઈ ઓળખતું નથી. તેઓ અમારી વાત સમજતા છતાં કોઈક કારણસર તેનો અમલ નહોતો કરી શકતાં.
ગુજરાતી સિરિયલનાં પાઇલોટ એપિસીડની ચર્ચા કરવાની હોય તો પણ હિન્દીમાં જ કરવાની. કોઈ ગુજરાતી કહેવત ભૂલથી બોલાઈ ગઈ તો બધા મારી સામે જોતા કે આ ભાઈ શું બોલે છે. પછી તો થોડાંક વર્ષો સુધી મારો પણ ગુજરાતી ચૅનલ સાથેનો સંબંધ તૂટી ગયો. એક દિવસ અચાનક એક ગુજરાતી ચેનલના હેડનો મારા પર ફોન આવ્યો, મારી પોતાની ભાષાની ચૅનલમાં જવાનો મોકો મળ્યો છે, તો ગુમાવવો જેવો નથી. એમ સમજી ગયો. ત્યાં પણ એ જ વાત ‘આજ તક’ કે ‘ઇન્ડિયા ટીવી’ જેવી ભાષા વાપરો. જેણે કદી ગુજરાતી વાંચ્યું જ નથી તેવા લોકો અમને કહે, તમારી ગુજરાતી ભાષા સારી નથી. ઘણી વાર મીટિંગ દરમ્યાન મને મારા એક હિતેચ્છુ એવા સહકર્મચારી કહેતા એ જે કહે એમાં આપણે બળદની જેમ માથું ધુણાવી દેવાનું. જો કે મને એ ન ફાવ્યું, જેની સજા પણ મને મળી. હું બીજી તમામ વાતો બૉસની માનતો પણ ગુજરાતીમાં મારી ભૂલો કાઢે એ મને સમજાતું નહી. હું તેમને મારી વાત સમજાવવાનો પ્રયત્ન કરવાની મોટી ભૂલ કરી બેસતો. જેનું ભારે પરિણામ પણ મે ભોગવ્યું.

ગુજરાતી સિરિયલોનું પ્રોડકશન મુંબઈમાં બંધ થવાથી હિન્દી ચૅનલોમાં નાના મોટા કામ કરી લેતા મારા એક મિત્ર એક દિવસ મને મળ્યા ત્યારે ફરિયાદ કરતાં તેમણે મને કહ્યું ક,ે ગુજરાતી ન જાણતા મરાઠી કલાકારો ગુજરાતી સિરિયલમાં કામ કરે તો ચાલે તેમનું ભાંગેલુંતુંટેલું ગુજરાતી પણ ચલાવી લેવાય, પણ અમને આ મરાઠી સિરિયલવાળા ભા પણ નથી રાખતા. મારા વડોદરાનાં મરાઠી ભાષા મિત્રોને પણ મુંબઈમાં મરાઠી સિરિયલોમાં કામ માંગવા જાવ તો કંઈક આવો જ અનુભવ થાય કહે કે તમારા ડાયલેક્ટનાં પ્રશ્નો છે. હા કેટલીક મહિલા કલાકારોને અપવાદ રૂપ કામ મળી પણ જાય. ત્યારે આપણાં ગુજરાતી નાટકો, ફિલ્મો, ટીવી ચેનલો બધી જગ્યાએ ગુજરાતી ન જાણતા લોકોને આરામથી ચલાવી લેવાય કારણ આપણને ચાલશે.

ત્યારે મને ઘણાં વર્ષો પહેલાં સુરતથી પ્રસિદ્ધ થયેલા એક મરાઠી ન્યુઝપેપરમાં કામ કર્યાના દિવસો યાદ આવી ગયા. અમારી અટક પરથી અમને મરાઠી આવડતું હશે એવું સમજીને મારા જેવા ત્રણેક પત્રકારોને એ ન્યુઝપેપરે હંગામી ધોરણે નોકરી પર રાખ્યા. થોડાક દિવસોમાં જ તંત્રીને ખબર પડી ગઈ કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. પછી તો અમે સાંજે ઑફિસે આવીએ રિપોર્ટ ફાઇલ કરીએ તે પહેલાં જ તે જાતે જ આવીને અમને પૂછે ભાઈ શું થયું? અમારી ભાંગીતૂટેલી મરાઠીમાં અમે તેમને સમજાવીએ, પરંતુ પોતાનાં પત્રકારત્વનાં બહોળા અનુભવને કારણે તંત્રી સમજી જાય અને જાતે જ રિપોર્ટ લખીને મોકલી આપતા. એક દિવસ કોઈક કારણોસર તે ઓફિસ નહોતા આવ્યાં. પરિણામે તેમના એક સહાયકે મારા સિવાય તમામને પૂછીને રિપોર્ટ મોકલી આપ્યા. તેને મારા પર કંઈક વધારે પડતો જ વિશ્વાસ હતો. પછી તો બીજા દિવસે મેઇન ઑફિસમાંથી ફોન આવ્યો. મારા તંત્રીને તેનાં ઉપરીએ બરાબર ખખડાવ્યો હશે. હું સાંજે જેવો ઑફિસે પહોંચ્યો કે મને પેપર આપીને કહે, વાંચ આ શું લખ્યું છે. મેં વાંચયું ‘ પ્રાઇમસ ફાટલ્યામુળે પરિણીતાચી મૃત્યું ’  મને પાછું વાંચવા કહ્યું. મેં પાછું વાંચ્યું મને પૂછે કંઈક ખોટુ નથી લાગતું. મેં ના કહેતા મને પૂછયું આ પ્રાઈમસ એટલે શું ? મે કિંધુ ઘાસલેટ નાખીને સળગાવીએ તે. પછી મને અચાનક યાદ આવ્યું ઘાસલેટમાં તેમને કદાચ ખબર નહિ પડી હોય એટલે મેં કેરોસીન કહ્યું. પછી તેમણે મને ફોડ પાડતા કહ્યું કે પ્રાઈમસ આ એક કંપનીનું નામ છે જે સ્ટવ બનાવે છે. મેં કીધું ગુજરાતીમાં પ્રાઇમસ જ કહેવાય છે. પછી મને કહે આ પરિણીતા એટલે શું ? મેં કીઘું પરણેલી સ્ત્રી, તો મને કહે મરાઠીમાં આવો કોઈ શબ્દ જ નથી. મારા તંત્રીની વાત તદ્દન સાચી હતી. અમારી પાસે મરાઠી ભાષાના શબ્દો હતા જ નહી. અમે તો ગુજરાતી લખીને માથે લીટી કરી દેતા હતા. પછી તો કોઈક કારણસર એ ન્યુઝપેપરે પોતાની સુરત આવૃત્તિ બંધ કરી દીધાનાં સમાચાર મને મળ્યાં હતા. એમાં અમારો પણ થોડો ઘણો ફાળો ખરો એવું ઘણી વાર મને લાગ્યા કરતું.

પરંતુ આજદિન સુધી પેલા તંત્રીને અમારા લીધે થતી મુશ્કેલીઓ હું ભૂલી શક્યો નથી. આજે કદાચ એ વાત મને એટલા માટે યાદ આવી કે મારા મિત્રએ પેલી ગુજરાતી ચૅનલમાં હેડ તરીકે જોડાવાની ના પાડી દીધી. એની જગ્યાએ કોઈ બિહારી કે ગુજરાતી ન જાણતો વ્યક્તિ હોંશેહોંશે ચેનલનો હેડ બની જશે. હું જ્યારે કૉલેજમાં ઇંગ્લિશ લિટરેચરનો અભ્યાસ કરતો ત્યારે અમને અંગ્રેજી ભાષાની ખાસિયતો જણાવતા અમારા પ્રોફેસર કહેતા કે અંગ્રેજી ભાષા બીજી ભાષાનાં શબ્દો જેમનાં તેમ ઉઠાવી લે છે. આવી જ કંઇક ખાસિયત ગુજરાતી ભાષાની પણ છે. એવું પણ અમને કહેવામાં આવતું. પરંતુ એક ગુજરાતી તરીકે આપણામાં ચાલશે જેવી ખાસિયત પણ છે. ગુજરાતી નહિ જાણનારો, નહિ સમજનારો આપણો બોસ બની જાય. બોસ તો બની શકે એમાં તો કંઈ ન કરી શકાય પરંતુ એવાએવા સૂચનો પણ કરે જેનો આપણી ભાષા સાથે કોઇ તર્કસંગત મેળ પણ ન હોય. પરંતુ આપણને તો ચાલશે. આપણી ભાષા પ્રત્યે આપણને પ્રેમ નથી એવું ઘણી વાર લાગે. એનું અભિમાન ન હોવું જોઇએ પરંતુ કોઇક અપમાન કરે તો સામે બોલવાની ક્ષમતા પણ નથી કે પછી કંઈ પડી જ નથી. એમાં શું છે તેવો ભાવ રાખનારા આપણે છીએ.

umeshdes@yahoo.co.in

Bundlr - Organize your web