Wednesday 31 October 2018

મણિપાલ યુનિવર્સિટીની મુલાકાત



સામાન્ય રીતે આપણે એવી આદર્શ વાતો કરતા હોઈએ છીએ કે સ્કુલ કે કોલેજથી શું ફરક પડે ? જેને ભણવાનું હોય તે તો મ્યુનિસિપલ કોપોર્રેશનની સ્કુલમાં ભણીને પણ આગળ વધે. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે આ બઘી જ વાતો અપવાદરૂપ કિસ્સામાં જ સાચી હોય છે. તેથી જ જાણીતી સ્કુલ કે કોલેજમાં આપણા સંતોનોને પ્રવેશ મળે એ માટે એડીચોટીનું જોર લગાવીએ છીએ. હું પોતે પણ ગ્રામપંચાયતની સ્કુલમાં જ ભણ્યો હતો. બપોરે તીખી લાપસી બનાવવા માટે અમે સુકા બાવળ વીણવા માટે જતાં હતા તે હજૂ પણ યાદ છે.

હૈદરાબાદમાં એક ગુજરાતી ચેનલમાં કામ કરતો હતો ત્યારે ઘણાં બધા સહ-કમર્ચારી અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી ઇલેક્ટ્રોનીક મિડીયાનો કોર્સ કરીને આવ્યા હતા. તેથી અમદાવાદ ગયો ત્યારે વિદ્યાપીઠમાં જઈને આવ્યો હતો. આવું જ કંઈક આશ્ચર્ય મુંબઈમાં ઇંગ્લિશ ન્યુઝ ચેનલમાં કામ કરતો હતો ત્યારે ત્યાં ઘણાં સહકર્મચારીઓ તેમજ ઇન્ટર્ન મણિપાલ યુનિવિર્સિટીમાંથી આવ્યાં હતા. કરીઅર પ્રત્યેના તેમના અલગ અભિગમને જોઈને ઘણી વખત આશ્ચર્ય થતું. લાગતું જ નહોતું કે તેઓની આ પહેલી નોકરી હોય. કેમેરા ઓપરેટીંગ, એડીટીંગ, પ્રોડકશન કે કોપી એડીટીંગ બધું જ ઘણું ઝડપથી શીખી ગયા હતા. તેથી આ મણિપાલ યુનિવર્સિટી વિશે પણ જાણવાની ઇચ્છા થતી હતી. તાજેતરમાં જ ભારત સરકારે જે પાંચ શૈક્ષણિક સંસ્થાઓને દેશની શ્રેષ્ઠ સંસ્થાઓ ગણાવી હતી એવી મણિપાલ યુનિવર્સિટીમાં જવાની મને તક મળી હતી.

મુંબઈની આશરે 1100 કિલોમીટર દૂર કર્ણાટક રાજ્યાના ઉડુપી ડ્રિસ્ટીક્ટમાં આવેલી આ સંસ્થામાં મારા એક રિલેટીવે પોતાના દિકરાને જૂલાઇ મહિનામાં ભણવા માટે મુક્યો હતો. ત્યાં એ કઈ રીતે રહે છે તે જોવાઈ પણ જશે. તેમજ મારી દિકરી ત્યાં પોતાના ભાઇને રાખડી પણ બાંધશે. એવો આ પ્રયાસનો આશય હતો. મુંબઈમાં ઉડુપી રેસ્ટોરન્ટમાં ગયો છું. તે એક વિસ્તારનું નામ પણ છે. તે ખબર પણ હતી. પરંતુ ખરેખર તે જોવાનો આનંદ પણ અનેરો હોય છે. ઉડુપી રેલ્વે સ્ટેશને ઉતર્યા અને ત્યાંથી રિક્ષામાં મણિપાલ યુનિવર્સિટીની પાછળના ભાગમાં આવેલા હોટેલમાં અમે રોકાયા.એક નાનકડું રેલવે સ્ટેશન હોવા છતાં તમામ મુસાફરો લાઇનસર પ્રી-પેઇડ રિક્ષામાં બેસીને જતા જોઇને સારુ લાગ્યું હતું. બાકી મુંબઈમાં સ્ટેશન નજીક રિક્ષા પકડવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. મુંબઈથી રાત્રે 10 વાગે ટ્રેનમાં બેઠા હતા. તે બીજા દિવસે બપોરે બે વાગે ઉડુપી પહોંચ્યા હતા. તેથી બપોરે હોટેલમાં આરામ કરી સાંજે યુનિવર્સિટી જોવા નિકળ્યાં.

સૌથી પહેલા તો મારા રિલેટીવનો દિકરો જ્યાં ભણતો હતો. ત્યાં ગયા. સામાન્ય રીતે પેરેન્ટ્સ સ્કુલમાં આવે તો કોઈને ગમે નહીં. એવો જ ઘાટ અમારા પેલા વિદ્યાર્થીનો હતો. વળી વધારામાં મારા જેવો બધું જ ખણખોદ કરનાર વ્યક્તિ આવી હોય તો પછી પૂછવું જ શું . મને પાછો અહીં લાવવો નહીં એવી સૂચના પણ એણે પોતાના પેરેનટ્ને આપી દિધી હતી. જો કે એની હોસ્ટેલનો રૂમમુટ એક મલ્લુ હતું. કેરળનો આ યુવક ઘણો જ ઉત્સાહી હતો. તેણે મને આ કેમ્પસ વિશે જાણવા જેવા તમામ સવાલોનો જવાબ આપવા ઉપરાંત અમને ન ખબર હોય એવી જગ્યાએ પણ લઈ ગયો. એના જણાવ્યાપ્રમાણે આ મણિપાલ કેમ્પસમાં 57 દેશોના આશરે 28,000 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. યુનિવર્સિટીના હેડક્વાર્ટસની બાજુમાં જ એક પાંચ માળની વિશાળ લાયબ્રેરી હતી. જ્યાં રાતના 11 વાગ્યા સુધી અભ્યાસ કરી શકાય. અમારી પાસે એમાં જવાની પરમીશન ન હોવાથી બહારથી જોઈને પાછા વળ્યાં.મલેશિયા સરકાર જોડે કરાર કરીને બનાવવામાં આવેલી મેડીકલ કોલેજની બિલ્ડિંગ પણ જોઈ.એની બાજુમાં બે વિશાળ ટાવર જેવા બિલ્ડિંગ હતા. જે અહીં આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટેની હોટેલ હતી. કોલેજ કેમ્પસમાં એક પાંચ માળનું જિમ પણ હતું. જેમાં સ્કવોશ, બેડમિન્ટન, ટેનિસ અને બાસ્કેટ બોલના સ્ટેડિયમ પણ હતા. જિમમાં વિદ્યાથીઓનો ભારે ધસારો હતો. દરમ્યાન અંધારુ થઈ જતા અમે હોટેલમાં પાછા ફર્યા.
ગોવાની જેમ અહીં પણ ભાડેથી બાઇક મળતી હતી. તેથી બાઇક લઇને હું મારા પરિવાર સાથે ઉડુપી અને આસપાસના વિસ્તાર જોવા માટે નીકળ્યો. બધાએ ઉડુપીમાં આવેલા શ્રી કૃષ્ણ મઠ મંદિરમાં જવા માટે કહ્યું હતું. ત્યાં ગયાં તો ખરા. પરંતુ પોંગલના તેહવારને કારણે મંદિરમાં ભારે ભીડ હતી. અમે લાંબી લાઇનમાંથી અધવચ્ચે જ બહાર નીકળ્યાં અને ભગવાનને દૂરથી જ નમસ્કાર કરી ત્યાં આવેલા માલપે બીચ જોવા માટે આગળ વધ્યાં. દરિયો પણ ભારે તોફાની હોવાથી ભાગ્યે જ કોઈ અંદર જતુ હતું. અમે પણ બીચ પર જ બેસી રહ્યાં. દરમ્યાન અમારી હોટેલના રીસેપ્નિસ્ટે આપેલી યાદી મુજબ મણિપાલનું હસ્ત શિલ્પ હેરિટેજ વિલેજ મ્યુઝીયમ અને એનોટોમી મ્યુઝિયમ જોવાનો નિર્ણય કર્યો.

હેરિટેજ વિલેજ મ્યુઝીયમ એટલું તો અદભુત હતું કે મને એના પર અલગથી બીજો બ્લોગ લખવો પડે. અહીં લગભગ 100થી 700 વર્ષ જૂની વિવિધ ભારતીય પરંપરાના ઘરોને વિવિધ સ્થળેથી સાવચેતીપૂર્વક ખસેડીને અહીં ફરી સ્થાપિત કરવામાં આવ્યાં છે. તમે દક્ષિણ ભારતના વિવિધ ગલીઓમાં ફરતા હોય એવું લાગે છે. મણિપાલ જનારા અન્ય તમામને મારી આ હેરિટેજ વિલેજની મુલાકાત લેવાની વિનંતી છે. જે જોતા આપણા વડવાઓમાં પણ ગૃહ નિર્માણને લઇને કેટલી સારી સમજ હતી એ ખબર પડે. જૂનું ગ્રામ્યજીવન, સરપંચનું ઘર, નાની સાંકડી ગલીઓ, બળદગાડા, ભગવાનનો રથ, કેરળના મંદિરો અને નવાબની હવેલી તમામ આ હેરિટેજ વિલેજ મ્યુઝીયમની શાન છે. વિવિધ દેશોના દુતાવાસ તેમજ કોપોર્રેટ કંપનીઓની સહાયની મદદથી ચાલે છે.

હેરિટેજ વિલેજ મ્યુ ઝીયમ બાદ નજીક આવેલા મણિપાલ લેકનું ચક્કર મારી હોટેલ પાછા ફર્યા.ત્રીજા દિવસે નજીક આવેલા મેન્ગલોર શહેરમાં ફરવાનો કાર્યક્રમ હતો. શહેર બધા જ સરખા. એ જ ટ્રાફિક એ જ મોલ. કોઈ જ યાદગાર અનુભવ નહીં. રાત્રે મણિપાલની એક રેસ્ટોરાંમાં જમવા ગયા. ત્યાં એક વેઇટર વિવિધ પ્રકારની ફિશ એક ટ્રોલીમાં લઈને આવ્યો હતો. એમાથી તમારે ફિશ પસંદ કરવાની હતી. હું ફિશ ખાઉં છું પણ મને કંઈ ખબર ન પડે. જો કે આ કંઈક અલગ હતું. એ અમારો છેલ્લો દિવસ હતો. 

ચોથા દિવસે સવારે વહેલો ઉઠીને ફરી પાછો મણિપાલ યુનિવર્સિટી કેમ્પસમાં ગયો. ત્યાં બ્લોગ માટે જરૂરી થોડા ફોટાઓ પાડ્યાં. એશિયાના સૌથી મોટા એન્ટોની મ્યુઝીયમની પણ મુલાકાત લીધી.જ્યાં માણસ સહિત લગભગ તમામ પ્રાણી-પક્ષીઓના અવશેષો સાચવીને રાખવામાં આવ્યાં છે. મ્યુઝીયમની સામે જ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટિન આવેલી છે. ગ્રાઉન્ડ ફલોરમાં કેમ્પસની કેન્ટિન તો ફસ્ટ ફલોરમાં મેકડોનલ્ડ, સબ-વેથી માંડીને દેશની તમામ ફાસ્ટફુડ ચેઇન હતી. અન્ય તમામ ગુજરાતીઓની જેમ મારા સબંધીના દિકરાએ પણ કેન્ટિનના ભોજન વિશે ફરિયાદ કરી અને સબ-વેમાથી પોતાની મનગમતી કોઈ વાનગી લીધી. પરંતુ અમે ત્યાં સાઉથ ઇન્ડિયન થાળી મંગાવી હતી. સાચુ કહું તો બે દિવસ જ આ બધી વસ્તુ ભાવે. કારણ કે હૈદરાબાદમાં હું રેહતો હતો ત્યારે ત્યાં કોટીના ગુજરાતી સમાજની ફુલકા રોટલી ખાવા માટે 30-30 કિલોમીટર દૂર જતો હતો. મુંબઈ જતી અમારી મત્સયગંધા એક્સપ્રેસનો સમય થતો હતો. તેથી અમે ફરી પાછા ઉડુપી સ્ટેશનની દિશામાં પ્રયાણ કર્યુ. ટ્રેનમાં બેઠો ત્યારે મનમાં વિચાર આવ્યો કે દેશની સૌથી શ્રેષ્ઠ પાંચ શૈક્ષણિક સંસ્થા પૈકી એકમાં મારી દિકરીને એડમીશન અપાવવું હશે તો ઘણાં રૂપિયા ભેગા કરવા પડશે.