Monday 9 March 2020

જીતુભાઈ ચાલ્યા દુબઈ

જીતુભાઈ ચાલ્યા દુબઈ
(Farewell To Jitubhai)
મિડ-ડે ગુજરાતીમાં અમારે ત્યાં હાલ ફેરવેલની મોસમ ચાલે છે, 15 દિવસ પહેલા અમારા તંત્રીને ફેરવેલ આપી તો ગઈ કાલે અમારા બુલેટ ટ્રેન કરતા પણ સુપરફાસ્ટ પેજ ડિઝાઇનર જીતેન્દ્ર શેવાળે 7 વર્ષની નોકરી બાદ દુબઈ જઈ રહ્યાં છે. ત્યાં કોઈ ગુજરાતી ન્યુઝ પેપર તો છે જ નહીં તેથી કંઈ લોજીસ્ટીકનું કામ કરવાના છે. એવું કહે છે. છેલ્લાં ઘણાં મહિનાઓથી ઓફિસમાં તેઓ દુબઈ જઈ રહ્યાંની ચર્ચાઓ હતી. બીજા બે ત્રણ જણાં પણ એમનો પગારનો આંકડો સાંભળીને દુબઈ જવા માટે લલચાઈ રહ્યાં છે. કોણ હિંમત કરશે એ તો આવનારો સમય જ કેહશે.

જોકે મને તો દુબઈ જવાની ઓફર ઘણાં વર્ષો પહેલા આવી હતી. હું જેવો આઇટીઆઇમાં પાસ થયો કે મુંબઈમાં આવીને દુબઈમાં એક શિપમાં કામ કરવાના ઇન્ટરવ્યુંમા પાસ થયો હતો. સાચી વાત કહું તો આઇટીઆઇ ઇલેક્ટ્રીશ્યન થયેલો હોવા છતાં મારાથી એક બગડેલી ટ્યુબલાઇટ પણ ચાલુ થતી નહોતી. હથોડી ખીલી પર નહીં પણ મારા હાથ પર વધુ વાગતી. મારા કાકાને છોકરાએ મને નોકીમાં હા પાડવા માટે ખૂબ સમજાવ્યો. પણ મે ના પાડી દીધી. પપ્પાએ આર્ટસમાં એડમીશન અપાવી દેતા ગ્રેજ્યુઅેટ થઈ ગયો. જો કે તેમ છતાં નોકરી ન મળતા મારા જૂના આઇટીઆઇના મિત્રોએ સુરતના હજીરામાં આવેલા એનટીપીસીમાં નોકરી અપાવી હતી. ત્યાં પણ ફરી ટ્યુબલાઇટ જ નડી. આખરે મને સમજાઈ ગયું. મારાથી થોડી ઘણી પેન જ ચાલશે.

દુબઈ જનારા જીતુભાઈ સાથેના મારા સ્મરણો યાદ કરું તો પાંચ વર્ષ પહેલા મિડ-ડેમાં મે મારુ સૌથી પહેલું સ્પોર્ટસ પેજ જીતુભાઈ સાથે જ બનાવ્યું. બીજા જ દિવસે એડીટરે અમને કેબિનમાં બોલાવી ખખડાવી નાંખ્યાં. કારણ કે કોઈ ટેનિસના ખેલાડીનો મોટો ફોટો લઇને અમે હેડલાઇન બનાવી હતી. વળી આખા પેજમાં ક્રિકેટના કોઈ સમાચાર જ નહીં. મને કેહવામાં આવ્યું આ કોઈ અંગ્રેજી છાપુ નથી. આપણે ત્યાં સ્પોર્ટસ એટલે માત્ર ક્રિકેટ અને ક્રિકેટ.આવા ધક્કા સાથે ચાલુ થયેલો મારા સ્પોર્ટ્સના પેજ બનાવવાના પ્રયોગો હજી ચાલું જ છે. પરંતુ જીતુભાઈ જઈ રહ્યાં છે.
મે જીતુભાઇને જેના કારણે હું એનટીપીસીમાં થોડા મહિના ટકી શકેલા એવા હાલ મસ્કતમાં જીન્દાલ પાવર પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રીશ્યન તરીકે કામ કરનારા મારા મિત્ર રાજુ સોનાવાલા અને મને શિપમાં નોકરી લઇ લેવા માટે સમજાવનારા મારા કાકાના છોકરા મિલિંદ દેશપાંડે દુબઈવાલાનો નંબર આપ્યો છે. તેમજ ત્યાં સેટલ થઈ જાય તો અમારા નાટક 'અમી કોની'નો શો દુબઈમાં યોજાય એવું ઘટતું કરવા પણ જણાવ્યું છે.

ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાનું 13મું વર્ષ

ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાનું 13મું વર્ષ
દર વર્ષે હું નવી ડાયરી ખરીદુ. પછી એમાં આ વર્ષે આવું કરીશ, તેવું કરીશ એવું બધુ લખું. અમુક વસ્તુઓ થાય અમુક ન થાય. આ વર્ષે પણ થોડા દિવસો પહેલા બે ડાયરી લીધી. જે પૈકી એક મારા સહકર્મચારીને આપી. જે મે લખેલા નાટકમાં કામ કરે છે. પરંતું હંમેલા લેટ આવે. તેથી એ સમયસર આવે એવો મારો સ્વાર્થ. ડાયરી આપી પછી થોડી ચર્ચાઓ થઈ કે નવા વર્ષે શું સંકલ્પો લઈએ. 2018નું વર્ષ કેવું ગયું. તો સમીક્ષા કરતા ખબર પડી કે ગયા વર્ષે લખેલું કે એક નાટકમાં કામ કરીશ. જો કે આવું તો મુંબઈ આવ્યો હતો. ત્યારથી લખતો પરંતું કંઈ થતુ નહોતું. હા નાટકનો દર્શક જરૂર બનતો.




આજે આ બ્લોગ લખવા બેઠો ત્યારે મુંબઈમાં ચોપાટી ભવન્સમાં આયોજીત ચિત્રલેખા નાટ્યસ્પર્ધાનું બીજું નાટક મનુ દામજી જોઈને આવ્યો છું. આમ તો આ સ્પર્ધા જ્યારથી શરૂ થઈ ત્યારથી જ જોઉ છું. પહેલા અંધેરી ભવન્સમાં યોજાતી ત્યારે નજીક ડી.એન નગરમાં જ રેહતો હોવાથી જતો હતો. આ શિરસ્તો અચૂક જાળવી રાખ્યો છે. નાટકનો શોખ તેમજ સુરતની હું ઓળખતો હોઉ એવા એક-બે મિત્રો મળી જાય એવા આશયથી જાઉ છું. ગયા વર્ષે કાચિન્ડો નામનું નાટક જોયું હતું. તો આ વખતે મનું દાંમજી જોવા મળ્યું. મનું દામજી નાટકમાં પારસી વકીલ બનેલા કલાકારે સારો અભિનય કર્યો હતો.
અત્યાર સુધી એકલો જ નાટક જોવા જતો. પરંતુ આ વખતે સુરેશ રાજડા સરના નાટ્ય દિગદર્શન વર્કશોપમાં ભાગ લીધો હોવાથી અમારા નાટ્યરસિકોની એક નાનકડી મંડળી પણ થઈ છે. તેથી નાટક જોવાનો આનંદ બેવડાયો. સાંજે 7.30 વાગે શરૂ થયેલું નાટક રાત્રે 10.30 વાગે પુરુ થયું. નાટક પત્યા પછી રાત્રે 12.30 વાગ્યા સુધી ગિરગાવ ચોપાટીમાં ગામગપાટા કર્યા.

Friday 6 March 2020

ચલતે-ચલતે-1 ((નિમેશ દવે સાથે)

ચલતે-ચલતે-1
મારા ફેસબુક પર આવતા બ્લોગને કારણે મારો એક નાનકડો વાચકવર્ગ ઉભો થયો છે. મારી ઓફિસના ફોટોગ્રાફર નિમેષ દવે પણ મારા બ્લોગના વખાણ કરે. પણ હાલમાં તો એમણે હદ જ કરી નાંખી. મને કહે તમે અમી કોની? નાટક લખ્યું કારણ કે તમને અમી નહોતી મળી. મારી ગર્લફ્રેન્ડનું નામ પણ અમી જ છે. મને પણ અમી નહોતી મળી. હાલ તે અમેરિકામાં રહે છે. તમારુ નાટક જોયું તો મે મારી અમીને ફોન કરીને કહ્યું ‘જો મે મારા ઓફિસના એક લેખક મિત્રને કહીને આપણી સ્ટોરી પર એક નાટક લખાવ્યું છે. મારી અમીને વાત સાચી નહોતી લાગી. તેથી મે તમારા નાટકના પોસ્ટર્સ અને વિડિયો પણ એને મોકલાવ્યા. એને ડરાવાની બહુ મજા આવી ગઈ. એને તમારા નાટકનું પેલું અમી કોની? અમી કોની? ટાઇટલ સોન્ગ બહુ જ ગમ્યું હતું.’

અમારી ઓફિસમાં ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવતા નિમેશભાઇની વાત હંમેશા આવી જ હોય. પછી મને કહે. દોસ્ત હું ફિલ્ડમાં હોઉં તો દરરોજ મને મજેદાર અનુભવો થતા હોય. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું અંગ્રેજી તો ખરાબ છે જ પરંતુ ગુજરાતી તો એના કરતા પણ ખરાબ છે. મને થયું કે હું તમને મારા અનુભવો કહીશ. તમે લખજો. મે થોડો વિચાર કર્યો અને હા પાડી. કારણ કે ઘણાં વખતથી ડેસ્ક જોબને કારણે બહાર જવાનું બંધ જ થઈ ગયું છે. તો એક નવી સિરીઝ ચાલું કરી રહ્યો છું. ચલતે-ચલતે-Part-1
દરરોજની જેમ હું બોરીવલીથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી મારી બાઇક પર ઓફિસ આવવા માટે નીકળ્યો હતો.. ફોટોગ્રાફર હોવાથી મારી આંખ તો તેજ છે પરંતુ કાન એના કરતાં પણ વધુ તેજ છે. બધુ જ સંભળાય. મારી થોડી આગળ એક સિનિયર સિટિઝન પોતાની કરતા બમણાંથીય વધુ વજનવાળી પત્નીને લઇને સ્કુટી પર જતો હતો. પત્ની એટલા બધા જાડા હતા તેથી બહુ જ ભદ્દા લાગતા હતા. તો સુકલકડી કાકાએ પોલીસ દંડ ન કરે એ માટે ટોપી જેવી હેલમેટ માથા પર લટકાવી હતી. ‘તમે મારા માટે અત્યાર સુધી શું કર્યુ છે?.’ પત્નીએ રસ્તામાં જ રોદડાં રડવાના શરૂ કર્યા હતા. પહેલો જ ડાયલાગ્સ સાંભળીને મને મજા આવી ગઈ. તેથી મે મારી બાઇકની સ્પીડ ધીમી કરી અને એમની સમાંતર ચલાવવા લાગ્યો.
‘ચૂપ મર, મારા જીવનના 50 વર્ષ તે બરબાદ કરી નાંખ્યાં.’ પતિએ પણ સામો જવાબ આપ્યો. ‘મને બધુ ‘ખબર છે તમે બધું જ તમારી બહેનોને જ આપ્યું છે. રક્ષાબંધન હોય કે ભાઇબીજ. મને કંઈ આપ્યું જ નથી.’ પત્નીએ બીજો બોમ્બ નાંખ્યો. પણ પતિ પણ આજે સાંભળી લેવાના મુડમાં જરાય નહોતો. ‘મે તને અત્યાર સુધી કંઈ અપાવ્યું જ નથી. તો તારી બેન્કના બે લોકરમાં શું પથરા ભરેલાં છે ? એટલામાં રેડ સિગ્નલ આવતા વાહનો રોકાયા. પણ કાકા રોકાય એમ નહોતા. અન્ય લોકોનું પણ ધ્યાન આ કાકા-કાકીની લડાઈ પર ગયું. પણ એમને મારા જેટલી ખબર નહોતી. કાકા બોલ્યા. ‘જો મારા ખિસ્સામાં નોટોનું બંડલ છે. સામે જ તનિષ્કની દુકાન છે તારે જે લેવું હોય તે લે. પણ કિટકિટ બંધ કર. જાડી તે મારા જીવનના 50 વર્ષ બરબાદ કરી નાંખ્યા.”
કાકા-કાકીની આ લડાઈએ મારો દિવસ સુધારી નાંખ્યો હતો. મેટ્રોના નિર્માણકાર્યને કારણે રોડ પર ઘણો સમય બરબાદ થવાનો હતો. તેથી મે આ લડાઇને અહીં જ પૂર્ણવિરામ આપીને મારી બાઇક આગળ હંકારી મુકી.

અમારા તંત્રીની ફેરવેલ (રાજેશ થાવાણી

અમારા તંત્રીની ફેરવેલ
એક જ સંસ્થામાં 24 વર્ષની નોકરી. જેમાં 16 વર્ષ તો તંત્રી પદ. એવા મુંબઈના ગુજરાતી ન્યુઝ પેપર મિડ-ડે ગુજરાતીના તંત્રી રાજેશ થાવાણી એટલે કે અમારા સાહેબનો આજે નોકરીમાં છેલ્લો દિવસ હતો. સ્વાભાવિક રીતે લાગણીઓના ઘોડાપુર તો ઉતરવાના જ હતા. અમે બધાં જ કર્મચારીઓએ અમારી એમના વિશેની લાગણીઓને કાગળમાં લખીને જણાવી હતી. જે એમણે જાતે જ વાંચી.







સાહેબો થોડાક ધૂની હોય જ. તેથી જ તે સાહેબ હોય. મે 7 વર્ષ દરમ્યાન ભાગ્યે જ એકાદ અઠવાડીયા પુરતું એવું જોયું હતું જેમાં એમણે કોઈ સૂચના ન આપી હોય. બાકી ગમે ત્યાં ગયા હોય. રોજ અમારા ટેબ્લોઇડમાં ફસ્ટ પેજની હેડલાઇન પણ એ જ નક્કી કરે. પેપરમાં એક પણ લાઇન એમના નજરમાંથી છટકે નહી.
અન્ય તમામ કર્મચારીની જેમ મને પણ નવા સાહેબ કોણ હશે? એ પેપરને કઈ રીતે આગળ લઇ જશે. એની ચિતાં છે. બાકી અમારા ફોટોગ્રાફર નિમેશ દવેના ફોટાઓએ સમગ્ર અવસરને યાદગાર બનાવી દિધો.

--





સાહેબના યાદગાર ક્વોટ્સ (ભલે ત્યારે થોડા આકરા લાગતા)
- એમાં કયાં રોકેટ સાયન્સ છે.
- મને બધું આવડે છે એ માનવા લાગ્યો તે ગયો.

અમી કોનીનો બીજો -શો

અમી કોની? મારા નાટકની વાત
સુરતની એમટીબી કોલેજના અમારા પ્રોફેસર અને લેખક ડો. વિજય શાસ્ત્રી કેહતા કે લાગણીઓ કપુર જેવી હોય ઝડપથી ઉડી જાય. તેથી લખવાની આદત રાખવી. રોજ કંઇને કંઈ લખવું , કંઈ ન સુઝે તો કોઇને પોસ્ટકાર્ડ પણ લખવો. તેથી જ આજે જ આ લખવા બેઠો. આજની ભાષામાં કહ્યું તો ફોનના મેમરી કાર્ડની જગ્યા પણ મર્યાદીત હોય. તેથી જો અમુક ફોટાઓનું આલ્બમ ન બનાવું તો ડિિલટ થઈ જાય. આવું જ કંઈક અમદાવાદમાં મે પહેલી વખત ભજવેલા નાટક વખતે થયું. એ ભુલ પરથી બોધપાઠ લઇને થોડા-ઘણાં ફોટાઓ ભેગા કરીને એક આલ્બમ બનાવ્યું. જેમાં મુંબઈના અમી કોની નાટકમાં ભાગ લેનારા તમામનો સમાવેશ કર્યો. તેમજ આ બધી વાતોને વાગોળવા બેસી ગયો.




આ વખતે પણ નાટકના મંચન દરમ્યાન ભુલો કરી .પરંતુ દર્શકોને હસું આવ્યું હતું. એ વાતનો સંતોષ હતો. નાટક પુરુ થયા બાદ જજે મને પૂછ્યું હતું કે આ નાટક તમારા જીવનમાં થયેલા બનાવોને આધારે લખ્યું હતું. જજની સેન્સ પર માન થયું, મે હા પાડી હતી. વળી એમણે સલાહ પણ આપી કે ફલેશબેકમાં જાવ ત્યારે માત્ર શર્ટ બદલવા માટે જે તમે 30-30 સેકન્ડનો બ્રેક લીધો. તે ખોટું હતું. તેમજ એને કારણે રસભંગ થતો હતો. વળી બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ બંધ થતું હતું. આ બધી બાબતોનો ખ્યાલ રાખજો. દિગદર્શક સાથે આ બાબતે ચર્ચા કરી. તેમજ ભવિષ્યમાં આવી ભુલ ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કર્યુ.





બાકી અમદાવાદમાં કરેલી ભજવણી કરતા આ વખતે ઘણાં નવા મસાલા દિગદર્શકે નાટકમાં નાખ્યાં હતા. ખાસ કરીને અમી સ્પર્શ કરે એટલે તરત જ એની પાછળ લટ્ટુ ત્રણેય મિત્રોની દશાનું દ્રશ્ય, પત્રકાર રમેશ પટેલનું ડ્રિમ-સિકવન્સ, પોલીસ સ્ટેશનમાં હવાલદારની ધમાલ અને સાસુના નખરાઓ જેવા દ્રશ્યોએ જમાવટ કરી હતી. મારી દિકરીએ પણ અમદાવાદમાં જેણે અમીનું પાત્ર ભજવ્યું હતું. એની દિકરીનો નાનકડો રોલ કર્યો હતો.આ સાથે જ મારી રજાઓ પુરી થઈ ગઈ હતી. તેથી ફરી પાછું ન્યુઝ પેપરની ઓફિસમાં હાજર થઈ ગયો . તેથી જ ઘરે પરત ફર્યા બાદ મોડી રાત્રે આ બધુ લખવા બેઠો. કારણ કે એ જ ડર હતો કે આ બધુ ભુલાઇ ન જવાય. તેમજ ફોટાઓ પણ ડિલિટ ન થઈ જાય. કારણ કે આ બધા ફોટાઓના આલ્બમ જ ઘણી વખત યાદ અપાવે કે મનને ગમતું હોય એવું ઘણાં સમયથી કંઈ કર્યુ નથી.





હજૂ તો માંડ બીજી વખત આ નાટક ભજવ્યું. એમાં ચોથી અમી આવી ગઈ હતી. નાટકની આ જ વાસ્તવિકતા હશે. એ વાત પણ સમજાઈ ગઈ હતી. 11 દિવસની રજા દરમ્યાન સાવ અલગ જ દુનિયમાં હતો. પત્નીના કેહવા મુજબ સવારે એલાર્મ વગર જ 8 વાગે ઉઠી જતો હતો. કિધા વગર દરરોજ નાહતો પણ હતો. બાકી તો........
000000000000000000000000000000

રંગદેવતાને પ્રણામ
શનિવારે  1 ડિસેમ્અબર 2018, મારુ નાટક અમી કોની? ભવન્સ ઓડીટોરિયમમાં બપોરે 12 વાગે ભજવાશે. સાત મહિના પહેલા વિચાર્યુ પણ નહોતું કે મે લખેલું નાટક આ રીતે મુંબઈના સ્ટેજ પર ભજવાશે. મે મહિનામાં સુરેશ રાજડાના નાટ્ય દિગ્દર્શન શિબિરમાં ભાગ લીધો અને મારે જેવા પંચાવન લોકો મળ્યાં જેને નાટકમાં રસ હતો. બસ જૂન મહિનાથી જ તૈયારી શરૂ કરવામાં આવી હતી. મુંબઈમાં કોઈ મફતમાં પોતાનો ફ્લેટ પણ રિહર્સલ માટે આપી શકે. એવું પહેલી વખત જોવા મળ્યું.બે મહિના ત્યાં રિહર્સલ થયું. ત્યાર બાદ ફલેટ ભાડા પર જતા અમે બોરીવલી (વેસ્ટ) માં આવેલા વીર સાવરકર ગાર્ડનમાં પ્રેક્ટિસ કરતા હતા. ભેગા મળ્યાં ત્યારથી જ મુંબઈના અદી મર્ઝબાન એકાંકી સ્પર્ધામાં ભાગ લઇશું એવી જ યોજના હતી. દરમ્યાન સપ્ટેમ્બર મહિનામાં અમદાવામાં કનૈયાલાલ મુનશી એકાંકી નાટ્યસ્પર્ધાની ખબર પડતા એમાં ભાગ લીધો.

શિબિરમાં ભાગ લેનાર તમામ માટે આ પ્રથમ અનુભવ હતો. જેમાંથી ઘણું શીખ્યાં. ક્યાં કચાશ રહી ગઈ હતી. તેની થોડી ઘણી સમજ આવી. હવે એમાંથી શિખીને આગળ વધી રહ્યાં છીએ. કોઈ એક પ્રોજેક્ટ હાથમાં લો છો અને પુરુ કરવાનો પ્રયત્ન કરો છો. ત્યારે એવું લાગે છે કે તમે ઘણું બધુ કરી શકો છો. રંગદેવતાને પ્રણામ કરીને વિરમુ છું. સાથે જ એક પોસ્ટર પણ એટેચ કર્યુ છે. રસધરાવનારાઓ ભવન્સ ઓડીટોરીયમમાં શનિવારે સવારે 10 વાગ્યાથી 100 રૂપિયાની ટીકીટ લઇને 11 જેટલા નાટકોનો રસાસ્વાદ માણી શકે છે.
Special Thanks To Pinky Deshpande for making this lovely poster.


Show Time
આખરે એ ક્ષણ આવી જ ગઈ. જેના માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે અહીં અમારા અમી કોની? નાટકની રજૂઆત છે. મનમા ઘણો આનંદ, થોડો ડર , થોડીક ઉત્સુકતાની લાગણીઓ હિલોડા લઈ રહી છે. સહકાર બદલ તમામનો ખુબ ખુબ આભાર


તમાચાનું હાસ્ય
અમી કોની ? આ નાટકમાં મારા ડિરેકટરે મને એક ડાન્સ કરવાનું કહ્યું . મને ડાન્સ કરતા આવડતો નહોતો અને આવડવાનો પણ નથી જ. તેમ છતાં ડિરેક્ટરની ઇચ્છા પ્રમાણે મે કર્યું. નાટકમાં મારી અમી મને અેહવાલ લખાવતી હોય પરંતુ મારુ ધ્યાન અેહવાલમાં નહીં પણ અમીમા જ હતું. તેથી હું સપનામાં સરી પડ્યો. આ ડ્રીમ સિકવન્સ દરમ્યાન કોલેજનો એક પટાવાળો મારી સાથે અથડાય અને હું એની સાથે ડાન્સ કરુ અને તે મને લાફો મારે એવું દ્રશ્ય હતું. ભવન્સમાં નાટક દરમ્યાન મને એક ટેડી બેર મળવાનું હતું. પરંતુ એ ન મળ્યું. મે માઇમ કરીને એ વાતની જાણ દર્શકોને ન થવા દિધી. મારા નાટકના રાઇટરે પટાવાળાનું પાત્ર ભજવ્યું. મારી સાથે ડાન્સ કર્યો. લોકોને ઘણી મજા આવી ગઈ. જતાં-જતાં મને લાફો મારતા ગયા. ઓડીયન્સને ઘણી મજા આવી ગઈ.

Ami Koni 1

મેં લખેલું નાટક પહેલીવાર 25 સપ્ટેમબર 2018ના રોજ  સ્ટેજ પર ભજવવામાં આવશે. અમદાવાદના ભવન્સ ઓડીટોરીયમ બપોરે 3 વાગ્યે શો છે. ઘણાં વર્ષો પછી બેક સ્ટેજમાં જવાનો લ્હાવો મળ્યો છે.
My first Gujarati one act play. Will perform @ Bhavan's auditorium Ahmedabad at 25 th September-3 pm.






પત્ની પિયર જાય ત્યારે -પાર્ટ-2



મુંબઈમાં દિવાળી વકેશન પુરૂ થવા માટે હજુ એક અઠવાડીયું બાકી છે. ગુજરાતમાં તો સ્કુલો શરૂ થઈ ગઈ હશે. મારી પત્નીનો પણ સુરતથી મુંબઈ આવવાની ટિકીટ બુક કરાવી દેજો એવો ફોન આવી ગયો છે. દસ દિવસની આઝાદી હવે પૂર્ણ થવાને આરે છે.મેરી બીવી માયકે ચલી ગઈ એ ગીતમાં પેલો હીરો જેવો ખુશ હોય છે એવો મારો ઘાટ છે.શરૂઆતમાં હું આ બ્લોગ (પત્ની પિયર જાય ત્યારે -પાર્ટ-1 વાંચવા વિનંતી) લખવા નહોતો માંગતો. કારણ કે ગયા વર્ષ કરતા કંઈ અલગ બન્યું જ નહોતું. ગઈ દિવાળીમાં મને ગિફ્ટ કરવામાં આવેલા વ્યવિસ્થત સીટી વાગે એવા પ્રેશર કુકરને માળીએથી ફરી નીચે લાવવામાં આવ્યો હતો. હા અા વખતે ક્યા દિવસે ક્યું શાક બનાવવું એની યાદી પત્નીએ થોડી લાંબી બનાવી હતી. કારણ કે હવે હું ટ્રેઇની નહોતો રહ્યો. જો કે એક દિવસ મગનું શાક બનાવતો હતો ત્યારે પાનું ફરી જતા મગને કડાઇને બદલે કુકરમાં નાંખી દિધા હતા. તેથી થોડું લોંદા જેવું થઈ ગયું હતું. બાકી બધું બરાબર હતું. મારી ઓફિસમાં પણ ઘણાં બધા સહ-કમર્ચારીઓના મારા જેવા જ હાલ હતા. પરંતુ મારી સ્થીતી પ્રમાણમાં સારી હતી કારણ કે એમાના મોટા ભાગના રાષ્ટ્રીય ડિશ ખિચડી જ લઈને આવતા હતા. જ્યારે હું જ એક એવો હતો જે દરરોજ નવા-નવા શાક લઇને આવતો હતો. હવે એ લોકોને પણ મારુ શાક ખાવામાં કોઈ ખચકાટ નહોતો. તેથી અન્યોને પણ આવી યાદી માત્ર એમની જ પત્ની પાસેથી બનાવી લેવી એવી મારી ભલામણ છે.

અહીં એક સ્પષ્ટતા કરી લઉ કે રોટલો બનાવવાનું કામ આઉટસોર્સ એટલે કે કામવાળીબાઇને સોંપવામાં આવ્યું હતું. ગયા વર્ષે રોટલો કે રોટલી હોટેલમાંથી ન મળતા મારે ઘણી વખત ખિચડીનો જ આશરો લેવો પડ્યો હતો. આ વર્ષે એવું ન થાય એ માટે જ પત્નીએ આ વ્યવસ્થા કરી હતી. અત્યાર સુધી મે ઘણાં બધા બ્લોગ લખ્યાં છે પરંતુ સૌથી વધુ ચર્ચા પત્ની પિયર જાય એની જ રહી છે. કદાચ મારી આ વાત જાણી ઘણાં કુવારાઓને હસુ આવ્યું હશે તો પરણેલાઓને મારા પ્રત્યે હમદર્દી હતી. મહિલાઓ પણ વાંચીને ખુશ થઈ હતી. મને અભિનંદન પણ આપ્યા હતા. કદાચ એમના પતિઓનો ટોણો મારવા માંગતી હોય કે જૂઓ ઉમેશ ભાઈ કેવું કામ કરે છે તમે પણ શિખો. ઘણાંના ઘરોમાં કુકરની સમસ્યા મારા ઘરના જૂના કુકરો જેવી જ હશે. જે માત્ર એમની પત્નીઓ રાંધવાનું બનાવતી હોય ત્યારે જ સીટી મારતો હશે.

પત્નીઓને ખબર ન પડે તેમજ એમનાથી ડરીને પાર્ટી કરતા મારા એક મિત્રએ ધીમેકથી મને પૂછ્યું પણ ખરુ, તું આ રીતે બ્લોગમાં ખુલ્લખુલ્લાં પાર્ટીની વાત કરે છે. ડર નથી લાગતો. તો એ બધાને કેહવાનું કે મને આ વાતની શાંતી છે. એવું નથી કે મને પાર્ટીની છૂટ છે. એવી છૂટ તો દુનિયાની કોઈ પત્ની ન આપે. મારો કેહવાનો અર્થ એવો જ છે કે મારી પત્ની મારો બ્લોગ વાંચતી નથી.. હા એવું જરાય નથી કે એનું ફેસબુક કે વોટ્સઅપની ખબર નથી પડતી. મારા કરતા પણ વધુ ખબર પડે છે. પરંતુ એને આ બધુ પસંદ નથી. એ માત્ર ટ્વીટર પર દેશની ગંભીર સમસ્યાઓની ચર્ચામાં ભાગ લે છે. જેમાં મને કંઈ મજા નથી આવતી. ટ્વીટરમાં મને વધુ સમજ પણ નથી પડતી. જો કે એણે જ મને ટવીટર પર એક અકાઉન્ટ ખોલી આપ્યું છે.

ફરી મુખ્ય વિષય પર આવું તો ગયા વર્ષે મને બરોબર સીટી વાગે એવો પ્રેશર કુકર ગિફટ આપનાર મારી પત્ની આ વખતે રોટલો કે રોટલી ગરમ જ રહે એવો મોટો ડબ્બો ગીફ્ટમાં આપી ગઈ હતી. એક વખત તો મને મારા નાટકની પ્રેક્ટિસમાં મોડુ થતું હોવાથી એ ડબ્બો જ બેગમાં ઉંચકીને લઈ ગયો હતો. પછી બહુ મોટી ભુલ થઈ ગઈ છે એવું ભાન થતા ઓફિસમાં કોઈને ખબર ન પડે એ રીતે એમાંથી રોટલાઓ કાઢી લઇને બધાની સાથે જમવા બેઠો હતો.રાત્રે જમવાનો સમય થતા જ બધા જેમની પત્નીઓ પિયર ગઈ છે તે મને પૂછતા ઉમેશ આજે કયું શાક છે ઘણી મહિલા કર્મચારીઓને થોડીક નવાઈ પણ લાગે છે કે આ લોકો આ બધી શી વાત કરે છે. પરંતુ અમે અમારા આ પ્રયોગો બહુ જાહેર ન થાય એની ઘણી કાળજી પણ રાખીએ છીએ.મારું ઘર ખાલી જ હોવાથી અમારા નાટકમાં કામ કરનાર એક કલાકાર મારા ઘરે જ રોકાતો હતો. એ કુંવારો છે તેથી એને મારી સ્થતી પર ઘણું હસું આવતું હતું. એણે તો નક્કી કરી લીધું છે કે ક્યારેય લગ્ન નહીં કરુ. વળી હું શાક સમારતો હોઉં કે કાંદા કાપતો હોઉ એવા મારા ઘણાં ફોટાઓ પણ પાડ્યાં. પણ મને એ શેર કરવાનું ઠીક ન લાગ્યું. છેવટે બિચારા પતીઓની આવી હાલત આખા ગામમાં ખબર પડે તો કેવું ખરાબ લાગે નહીં