Friday 11 September 2015

In Search of My Village

Top of Form
Bottom of Form
Top of Form
Bottom of Form


મારુ પણ એક ગામ
     નાનો હતો ત્યારે આસપાસના બધા લોકો ગામમાં જતા. પરંતુ મારુ કોઈ ગામ નહોતું. હું મારી દાદીના ઘેર અમદાવાદ જતો. મારા દાદા વર્ષો પહેલા મહારાષ્ટ્રથી અમદાવાદની કપડાની મિલમાં કામ કરવા માટે આવ્યા હતા. ત્યારથી અમે અમદાવાદી થઈ ગયા હતા. બધા સગાંવહાલાઓ શહેરમાં રહેતા હતા. 27 વર્ષ પહેલા મારા પપ્પા મને મહારાષ્ટ્રના કરાડ નજીક આવેલા એમની ફોઈ ના ગામમાં લઈ ગયા હતા.ત્યારે પુણેથી કરાડ જતી બસ માંથી એક ગામ તરફ આંગળી ચીંધી હતી કે આ આપણું ગામ હતું. બસ આવી કંઈક આછી-પાતળી યાદો સાથે મારી પત્ની અને દીકરી સાથે લઇને હું મારી પપ્પાની ફોઇના ગામમાં જવા નીકળ્યો. ઇચ્છા કંઈક એવી હતી કે પપ્પાની ફોઇના ગામની આસપાસ મારુ ગામ પણ જોવા મળશે.
મુસાફરીનો પ્રારંભ
My Self At Karad Railway Station
     15 મી ઓગસ્ટ અને પતેતીની રજાને કારણે ચાર દિવસના મળેલા મિનિ-વેકેશન દરમ્યાન ગામડામાં શું કરીશું એવો રાબેતા મુજબનો વિરોધ પણ પત્નીએ નોંધાવ્યો. પિયરના લોકો અન્યત્ર જવાના હોવાથી વિકલ્પના અભાવે પણ એણે ગામડે આવવાની હા પાડી હતી. જો કે મને પણ ડર હતો કે ફોઈ ના પૌત્રો કેવો આવકાર આપશે કારણ કે ઘણાં વર્ષોથી એમની સાથે કોઈ પણ પ્રકારના સંપર્કમાં નહોતો. પરંતુ વડોદરામાં રેહતા મારા કાકાનો છોકરો ત્યાં ઘણી વાર જતો હતો તેથી મે પણ હિંમત કરી. કરાડ ટ્રેન સાંજે વાગે પહોંચવાની હતી. મે ફોન પર ગામનું સરનામું માંગ્યું તો મને કહ્યું કે સાંજે ગામમાં આવવા કોઈ સાધન નહિ મળે હું જાતે લેવા આવીશ. ટ્રેનમાં બેઠો ત્યારે મારા વડોદરામાં રહેતા કાકાના છોકરાને પૂછ્યું કે ત્યાં કોઈ આસપાસ ધાર્મિક સ્થળોને બાદ કરતા કોઈ ફરવાના સ્થળો છે ખરા તો તેણે કહ્યું ના માત્ર ધાર્મિક સ્થળો છે. મારી પાસે ધાર્મિક સ્થળની કોઈ માહિતી નહોતી તેથી તેને વાટ્સઅપ પર તેના નામ મોકલવા કહ્યું જે મને ઘણાં કામ લાગ્યા. કારણ કે અમારા પરિવારના ઘણાં લોકો ત્યાં જતા હતા. અને આ લોકો આસપાસના ધાર્મિક સ્થળની મુલાકાતે લઈ જતા હતા. જેમાં અમારા કુળ દેવી-દેવતાના મંદિરોનો સમાવેશ થતો હતો.

ગામમાં પ્રવેશ

    મારી ટ્રેન સાંજે વાગે કરાડ પહોંચી. સ્ટેશન સાવ નાનકડા ગામડા જેવું લાગતું હતું. ગામ તરફ જતા હતા ત્યારે ખરું કરાડ શહેર શરૂ થયું. રેલવે સ્ટેશનની હાલત જોઈને શહેર વિશેની માન્યતા કેટલી ખોટી હોય તે તો મારા સુરત સ્ટેશન જોઇને ઘણાં લોકોને થતું હશે. મને લેવા આવનાર મારી કરતા ઉંમરમાં નાના મારી ફોઇના પૌત્રએ મારા કાકા થાય. એવુ મારા વડોદરામાં રહેતા કાકાએ મને કહ્યું હતું આમ કેમ એવો કોયડો ઉકેલવાની મે કોઈ તસ્દી ન લીધી. મારા કરતા ઉંમરમાં નાના પણ મારા કાકા અમને લેવા માટે એમની વેન લઇને આવ્યા હતા. એમને ક્યારેય જોયાનું મને યાદ ન આવ્યું. પણ તે મારા લગ્ન પ્રસંગે આવેલા એમ તેમણે મને કહ્યું. કરાડ સ્ટેશનથી ગામ 20 કિલોમીટર દૂર હતું. ગામ આવ્યું ત્યારે વર્ષો જૂની યાદને તાજી કરવા માટે પ્રયત્ન કર્યો પણ કંઈ યાદ ન આવ્યું.ઘેર પહોંચયા ત્યારે ખબર પડી કે આ એક મોટું સંયુક્ત કુટુંબ હતું. મારા કાકાનો એક નાનો ભાઈ હતો.અધૂરી માહિતી લેવા બદલ મારી પત્ની મારા પર ચિડાઈ ગઈ. કારણ કે તેણે બે નાની છોકરી છે એવી માહિતી ના આધારે ગીફટ પેક કરાવી હતી. એમની ગામઠી મરાઠી હું સરખી રીતે સમજી ન શક્યો એવો લૂલો બચાવ મે કર્યો.

ખેતર દર્શનનો કાર્યક્રમ
My daughter Navya with Bachha Party

   બીજા દિવસે સવારે 9 વાગે ઉઠ્યા ત્યારે એમના ઘરનાં તમામ સભ્યો નાહી ધોઇને તૈયાર થઈ ગયા હતા.ન્હાયા વગર અમે અમારી આદત મુજબ નાસ્તો કર્યો.વરસાદ લંબાઈ ગયો હોવાથી ઘરનાં સભ્યોનું કામ ઘણું વધી ગયું હતું. ન્હાઈ ધોઇને અમને ખેતરે આવવા માટે કહેવામાં આવ્યું હતું. બચ્ચાં પાર્ટી અમને ખેતર જોવા માટે હોશેં-હોશેં લઈ ગઈ. કહેવા માટે ગામડું હતું બાકી તમામ આધુનિક સુવિધાઓ હતી. ખેતરમાં દવાનો છંટકાવ કરનારા મજૂરોને મારા કાકા સૂચના આપતા હતા. બાદમાં અમને ખેતરના વિવિધ પાકની જાણકારી આપી. ખેતર દર્શનના કાર્યક્રમમાં થોડો આરામ કરવા માટે અમને ખેતરમાં આવેલા કૂવા પાસે લઈ ગયા. જ્યાં ઝાડ પરથી ભુસ્કાઓ મારવાનું કામ બચ્ચાં પાર્ટીએ શરૂ કર્યુ. મારી દીકરીને ઝાડ પર ચડવાની આદત નહોતી. તેથી તેને ઊંચકીને બેસાડી. પરંતુ તેને બહુ ફાવટ ન આવતા તેને આ રમત ન ગમી. નદીમાંથી પાણી ઉલેચી ખેતરમાં આપવામાં આવતું હતું. તેથી પાળની આજૂબાજૂ ઘણો કીચડ હતો. અમને બીજુ ખેતર જોવા માટે લઈ જવા બહાર રસ્તા પર આવ્યા. ત્યારે મારી દીકરીએ એના સેન્ડલ પર લાગેલો કીચડ સાફ કરાવ્યો. ત્યાર બાદ આગળ વધી.
My two cousin brothers busy with new Juice Machine
   બીજુ ખેતર નદીના કિનારે આવેલું હતું. જ્યાં શેરડી વાવવાનું કામ થતું હતું. પહેલી વખત મે તે જોયું. નદી કિનારે ઠેર-ઠેર રેતીના મોટા ઢગલાઓ કરવામાં આવ્યાં હતા. જેના કારણે નદીનો પટ પણ સાંકડો થઈ ગયો હતો. મારા નાના કાકા તે વખતે મારી સાથે હતા. તેમણે કહ્યું કે થોડા સમય પહેલા અહિં સરકારે નદીમાંથી રેતી કાઢવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. કૉન્ટ્રૅક્ટરોએ રેતી ચાળી લઇ વધેલા કાંકરાઓ કિનારા પર નાંખીને ચાલ્યા ગયા હતા. આ કાંકરા પર માટી નાંખીને હું અહિ ખેતી શરૂ કરીશ.એવું કાકાએ જણાવતા રેતી માફિયાઓની સ્ટોરી મને યાદ આવી.રેતી કાઢવા માટે નદીનાં પટમાં બોમ્બ પણ ફોડ્યા હતા. જેને કારણે ગામમાંથી વહેતી ક્રિષ્ણા નદીની ઊંડાઈ 350 ફુટ થઈ ગઈ હતી. પરિણામે નદીમાં ન્હાવાની મારી ઇચ્છાને મે તાત્પુરતી રોકી લીધી.નાનો હતો ત્યારે પહેલી વખત આ નદીના પાણીમાં નહાવાની મજા મે અહિં લીધી હતી. તે વાત મને યાદ હતી. તેથી આ ગામમાં ફરી આવ્યો હતો. જો કે રેતીના એક મોટા ઢગલા પરથી થોડા નીચે ઉતરી અમે બધાએ પાણીમાં છબછબીયા કરવાનો આનંદ માણ્યો.

ધાર્મિક યાત્રા

    રાત્રે મારા કાકાએ મને ક્યાં કયાં જવા માંગો છો તે પૂછ્યું. મારા વડોદરાના કાકાના છોકરાએ આપેલી માહિતી મુજબ મે ચાર સ્થળના નામ કહ્યાં. મને તેણે કહ્યું કે આ બધા અલગ-અલગ દિશામાં આવેલા છે, બે દિવસ થશે. તેથી એમની સલાહ મુજબ અમે પહેલા કોલ્હાપુરમાં આવેલા મહાલક્ષ્મીના મંદિરે ગયો. ત્યાંથી થોડે દૂર આવેલા એક કાન્હેરી મઠ નામના સ્થળે પણ ગયો. જ્યાં એક મ્યુઝિયમમાં પ્રાચીન સમયના ભારતની વિવિધ જાણીતી હસ્તીઓ અને તે સમયના ગ્રામજીવનને વિવિધ પુતળાઓની મદદથી નિરૂપણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે અમારા કુળ દેવી-દેવતાના દર્શનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. અમારી ઇચ્છા તો ગામડામાં આરામ કરવાની હતી.પરંતુ અમારા કુટુંબપરિવારના બધા લોકો એમના ઘરે આ કામ માટે આવતા હતા. તેથી અમે ના ન પાડી શક્યા વળી મારા કાકાના વાલી પણ અમારી સાથે કુળદેવી દેવતાના દર્શન માટે આવવાના હતા. તેથી અમારી પાસે ના પાડવાનો વિકલ્પ નહોતો.
My Daughter at Yamai Devi Temple
    અમારા ગામથી આશરે 60 કિલોમીટર દૂર ઓંધમાં અમારી કુળદેવી યમઇ માતાનું મંદિરે જવા વહેલી સવારે વેનમાં બેસી રવાના થયા.દર્શન બાદ ત્યાંથી નજદીક એક ભવાની મ્યુઝિયમની મુલાકાત લીધી.ત્યાં ભારતીય અને પાશ્ચાત્ય શૈલીના પ્રાચીન 19 મી સદીથી માંડીને અત્યાર સુધીના વિવિધ અદ્દભુત ચિત્રો હતા.બ્રિટિશકાળના ઔંધના રાજા પોતે પણ એક સારા ચિત્રકાર હતા તેથી આટલું અદ્દભુત કલેક્શન હતું.આ ઉપરાંત આ મ્યુઝિયમમાં હાથી દાંતના શિલ્પ અને ભરતકામના પણ સારા નમુનાઓ હતા. આ મ્યુઝિયમની મુલાકાત બાદ મે મનોમન અમારી કુળદેવીનો આભાર માન્યો કે તારા ત્યાં આવ્યો તો આટલું સુંદર કલેકશન જોવા મળ્યું. ત્યાંથી અમે પાલીમાં આવેલા અમારા કુળ દેવતાના દર્શને જવા નિકળ્યા.
    પ્રથમ દિવસે જ્યારે ગામમાં પહોચયો ત્યારે ઘરના બધા લોકો `જય મલ્હાર` નામની મરાઠી સીરિયલ જોતા હતા. દાદીએ મને કહ્યું કે આ આપણા કુળ દેવતાની સીરિયલ છે. મે દાદીને કહ્યું કે મારી મમ્મી પણ જૂએ છે આ સીરિયલ. જો કે મે ક્યારેય આ સીરિયલ જોઈ નહોતી. આમ જોવા જાઉં તો છેલ્લા ચાર વર્ષથી અમારા ઘરમાં માત્ર છોટા ભીમની સીરિયલ ચાલે છે.ક્યારેય હાથમાં રિમોટ આવતુ નથી. પાલીના ખંડોબાના મંદિરે વર્ષો પહેલા આવ્યો હતો તો બધી જગ્યાએ હળદર ને કારણે પીળું પીળું
હોય એવુ યાદ હતું.
My daughter with Big Sword at Pali Khandoba temple
આ વખતે કોઈ
તહેવાર નહોતો પરિણામે થોડી શાંતિ હતી. કુળ દેવીના મંદિરમાં મારી સાથે આવેલા દાદાએ અમારી પાસે કેટલીક વિધિઓ કરાવી હતી. તેથી આ મંદિરમાં માત્ર નારિયેળ ચઢાવવું એવી સૂચના આપી. જો કે દાદીએ સૂચના ન માની. તેથી અહિં પણ તમામ વિધી માટેનો સામાન ખરીદ્યો.મુખ્ય મંદિરની આસપાસ ઘણાં લોકો બેઠા હતા. તેઓ અહિં આવનારા લોકાના માથે હળદર લગાડતા. જેને તેઓ ભંડારો કેહતા. મે પણ એક બેન પાસે હળદર લગાડાવી તો તેણે તરત બાદમાં દક્ષિણા માંગી. મારી પાછળ આવતા દાદાએ મને સૂચના આપી કે કોઈની પણ પાસે જવું નહિ. બાદમાં એમણે 10 રૂપિયા પેલી બહેનને આપ્યા હતા.

શા માટે કુળ દેવી-દેવતાનું પૂજન

   સુરતની સત્ય શોધક પ્રવૃત્તી સાથે સંકળાવાને કારણે હું નાસ્તીક થઈ ગયો છું. પણ ખોટા વિવાદમાં પડવાનો મારો સ્વભાવ નથી. તેથી કોઈની સામે આ અંગે વાત નથી કરતો. મારા કુટુંબપરિવારના તમામ સભ્યો પોતાના લગ્ન બાદ તુરંત અહિ આવ્યા હતા. હું અહિ લગ્નના 9 વર્ષ બાદ આવ્યો હતો. કુળ દેવીનાં મંદિરે ગયા ત્યારે ઓટી ભરવાની ધાર્મિક વિધી મારી પત્નીને નહોતી આવડતી. મારી સાથે આવેલી દાદીએ મારી પત્નીને તે હોંશભેર શીખવાડી.મારી પત્નીની પાછળ લાઇનમાં ઊભેલી એક મહિલાએ મારી પત્નીને આ વિધી કઈ રીતે કરવાની તે પૂછતા તેને હાંશ થઈ કે અન્યોને પણ આ વિધી નથી આવડતી.
At Pali temple

   આ સમયે મને ગુજરાતના એક ધાર્મિક સંપ્રદાયની વાત યાદ આવી. જે કોઈ એની કંઠી પહેરે તો તેના ઘેર આ સંપ્રદાયના સ્વામી આવે અને એના પૂજાઘરમાંથી કુળ દેવી-દેવતાના ફોટા અને મૂર્તિઓ હટાવી પોતાના સંપ્રદાયના ભગવાનના ફોટા કે મૂર્તિ મુકે. ઘણાં લોકોને આ ન પણ ગમે. મારા મનમાં પણ આ કુળ દેવી-દેવતાઓના પૂજન અંગે સવાલ ઉભા થતા હતા. ત્યારબાદ મે એક ઠેકાણે વાંચ્યું કે ભગવાન તો ઘણાં પરંતુ તમારા કુળ દેવી-દેવતા તમારા નજદીકના. જેમ તમારો જાણીતો ડોક્ટર તમારી પ્રકૃત્તીને જાણે અને તુરંત ઇલાજ કરે તે પ્રમાણે તમારા કુળ દેવી-દેવતાઓ તમારી સમસ્યાને ઝડપથી ઉકેલે.
   મે પણ મારી સમસ્યા ગણવા માંડી હોમ લોનની સમસ્યા, મુંબઈની લોકલ ટ્રેનમાં જગ્યા, મારી લેખન, નાટક, , ડોક્યુમેન્ટરી ફિલ્મ, ફિલ્મ, સીરિયલ જેવી મનગમતી પ્રવૃત્તીઓ માટે સમય અને રૂપિયા ફાળવી ન શકવાની સમસ્યાઓના ઉકેલ આવે એવી માગણી કરી. કુળ દેવીના મંદિરમાં દાન આપ્યું ત્યારે મારુ સરનામું અને ગોત્ર પૂછવામાં આવ્યું. સરનામું તો લખાવેલું પરંતુ ગોત્ર મને ખબર નહોતી. પરંતુ દાદાને ખબર હતી તેથી એમણે લખાવેલું. એક મહિના બાદ મંદિરમાંથી મારા ઘેર દેવીનું કંકુ પણ આવ્યું હતું.

ફરી પાછા મુંબઈ
Grand Father and Grand Mother at Pali temple

   મારી સાથે આવેલા દાદા વર્ષો પહેલા મારા દાદાને પણ કુળ દેવીના મંદિરે લઈને આવ્યા હતા. તે વાત યાદ કરી હતી. રસ્તામાં અમારી સાથે આવેલા દાદાને મે મારા દાદા વિશે પૂછ્યું તો એમણે કહ્યું કે તમારા પપ્પાની ફોઇ એટલે કે મારી મમ્મી સૌથી મોટા, ત્યારબાદ તારા દાદા અને એનાથી નાના ત્રણ ભાઈ.આપણા ગામથી થોડે દૂર મેંઢા ગામમાં બધા રહેતા હતા. ત્યાં તમારું ઘર અને ખેતી પણ હતી. પરંતુ કોઈ ભાઈ એ ખેતી ન કરી. બધા વિવિધ શહેરોમાં જતા રહ્યાં. તેથી ગામમાં હવે કંઈ નથી. મારા ઉત્સાહ પર પાણી ફરી વળ્યાં હતું. હા માત્ર મારા ગામનું નામ ખબર પડી હતી.
  જો મંદિરોમાં ભીડને કારણે મોડું થઈ જાય તો સીધા કરાડ રેલવે સ્ટેશન જતા રહેવાનું નક્કી થયું હતું પરંતુ અમે સાંજે 5 વાગે ગામમાં પરત ફર્યા. ગામડાની મારી મુલાકતની યાદગીરી રૂપે મે મારી દીકરીના કેટલાંક ફોટોગ્રાફ્સ પણ લીધા.કરાડ શહેરથી રાત્રે ઊપડી વહેલી સવારે મુંબઈ આવતી ટ્રેનમાં અમને મૂકવા મારા નાના કાકા આવ્યા હતા. ગામડામાંથી મુંબઈના વાતાવરણમાં ફરી ગોઠવાતાં મને ત્રણ-ચાર દિવસ લાગ્યા. તેથી સારુ લાગ્યું. મારી જેમ મારી દીકરીને પણ થયું કે એનું પણ એક વિલેજ છે. પપ્પા આપણે સમર વેકેશનમાં વિલેજમાં પાછા જઈશું એવી તેણે હઠ પણ એણે પકડી મે પણ હા પાડી.
My daughter Navya with Bhakti and Utkarsha

At Cow Shade with Bhakti and Utkarsha