Saturday 31 August 2013

રિલાયન્સને આખરે મેં કર્યુ ટાટા


છ મહિના પહેલા ચાર આંકડામાં ઇલેક્ટ્રીક બીલ આવ્યું ત્યારે તેનો 440 વોલ્ટ જેવો ઝાટકો લાગ્યો. પત્નીએ ઘણીવાર એસી લાવવાનું કિધું હતું. છતાંય પંખાથી કામ ચલાવ એવું સમજાવતો હતો. તેમ છતાંય બીલને જોઈને પરસેવો છૂટી ગયો. સમગ્ર દેશમાં મુંબઈમાં જ એક વિજ કંપની ન ગમે તો બીજી વિજળી કંપનીનું કનેકશન લઈ શકાય તેવી સુવિધા છે એવું મને લાગે છે. મુંબઈમાં રિલાયન્સને બદલે ટાટા પાવરની વિજળી સસ્તી છે તેવું પેપરમાં વાંચતો. જો કે કોઈ સસ્તું ન આપે તેવી મારી માન્યતા હતી તેથી હું કંઈ તેના કાગળીયા કરતો ન હતો.
મારા સદનસિબે અમારી હાઉસીંગ સોસાયટીના એક આગેવાને રિલાયન્સને બદલે ટાટા પાવર લેવાની ઝુંબેશ ઉપાડી હતી. મને એમ કે ટાટા વાળાઓએ રૂપિયા ખવડાવ્યા હોવા જોઈએ. કારણ કે એ આગેવાન ભાઈ કશું કરતા ન હતા. કેટલાંક લોકોના મતે આખો દિવસ શેરબજારમાં રૂપિયા રોકવાનું તથા ઉપાડવાનું એમનું કામ હતું તેથી મોટે ભાગે ઘરે જ રહેતા. થોડા વર્ષો પહેલા મારા એક નજીકના મિત્રએ રિલાયન્સ પાવરના શેર ખરીદવામાં લાખના બાર કર્યા હતા. મને એવી શંકા છે કે અમારા આ આગેવાન ભાઈ સાથે પણ કંઇક એવી ઘટના બની હોવી જોઈએ. જેની દાઝ તે રિલાયન્સને બદલે ટાટા પાવરનું કનેકશન લો એવી રીતે કાઢતા હોવા જોઈએ. એ જે હોય તે પણ એમની આગેવાની હેઠળ મારુ ફોર્મ ભરાઈ ગયું તથા થોડા દિવસોમાં મારા ઘરે રિલાયન્સને બદલે ટાટાનું મીટર લાગી પણ ગયું.
           પહેલા મહિને જ બિલ 70 રૂપિયા આવ્યું. જોઈને હું ગભરાયો. મને એમ કે કોઈ લોચો માર્યો હશે આવતા મહિને ડબલ આપશે. તેથી મે કંપનીમાં ફોન જોડ્યો કહે કે માત્ર એક અઠવાડીયાનું બિલ છે આવતા મહિનાથી બરાબર 1 મહિનાનું આવશે.જો કે મારી શંકા યથાવત હતી. ગ્રાહકને ફસાવવા માટે પહેલા મહિને આવી રીતે બિલ આપતા હશે. જો કે આ સમગ્ર કિસ્સો મને 12 થી 14 વર્ષ પહેલાના સુરતના મારા જીઈબીનાં ધાંધિયાની યાદ અપાવી ગયા. હાલ આ કંપનીનું નામ દક્ષિણ ગુજરાત વિજ કંપની એવું છે. મમ્મીની ઇચ્છા ફલેટને બદલે જમીનવાળા ઘરમાં રહેવાની હતી. તેથી અમારા ઘરેથી થોડેક દુર રહેવા ગયો ત્યારે વિજળીના પણ કેવાં ધાંધિયા હોય તેનો પહેલી વખત અનુભવ થયો હતો.
ચોમાસામાં વરસાદ પડે, પવન ફુંકાય બે વાયરો ભેગા થાય લાઇટ જાય, શિયાળામાં ઠંડીને કારણે લાઇટ જાય અને ઉનાળામાં હોય વિજળી કાપ. જીઈબીને બદલે સુરત ઈલેક્ટ્રીસીટી (હાલ ટોરેન્ટ)નો પાવર મળતો હોય તો કેટલું સારુ એવું મને હંમેશા લાગતું. આ વિસ્તારમાં રહેતા જીઈબીનાં કર્મચારી મનુ વાયરમેનના ચહેરાને હું કદી ભૂલી શકું તેમ નથી. નવા ઘરમાં પિતાએ જાણી જોઈને કે પછી અજાણતા તેની પ્રાઇવેટ દુકાનને બદલે અન્ય ઇલેક્ટ્રીશ્યન પાસેથી ઘરનું વાયરીંગ કરાવ્યું હતું. તેની દાઝ રાખીને એણે રૂપિયા લીધા છતાં પણ ઇલેક્ટ્રીક મીટર માટે ઘણાં ધક્કા ખવડાવેલા. બાદમાં જાણે ઉપકાર કરતો હોય એમ છેવટે મીટર લગાવેલું. ત્યાં સુધી બાજુના ઘરમાંથી વાયર લંબાવીને કામ ચલાવવું પડ્યું હતું.
લગભગ દરેક ગામમાં આવો કોઈ મનુ વાયરમેન હોય જ. જેનો વટ ગામના સરપંચ કરતા પણ વધારે હોય. કોઈ સાઉથ ઇન્ડીયન માણસ નારીયેળના ઝાડ પર ચઢી જાય તેવી સ્ફુર્તીથી તે વિજળીનાં થાંભલા પર ચઢી જતો. ઘણી વખત સતત બે ત્રણ દિવસ લાઇટ ન રહે તો દૂરનાં ગામડાઓમાં રહેતા લોકો તેના ઘરે મોરચો લઈ જતાં. નવાઈની વાત એ હતી કે બાદમાં એમને ત્યાં લાઇટ આવી પણ જતી હતી.
રાતના જો કોઈ સ્થળે લાઈટ ન હોય તો ક્યાં અને કેટલા નંબરનો થાંભલો પડ્યો હશે તેવું એ અચૂક કહેતો. પરંતુ તેમ છતાંય વિજળીના ધાંધિયા તો હતાં જ. રાત્રે અમારી સોસાયટીમાં લાઇટ ન હોય ત્યારે 1 કિલોમીટર દૂર આવેલા સુરત ઇલેક્ટ્રીસીટીની લાઈટ ક્યારેય જતી ન હતી. ત્યારે જીઈબીને બદલે સુરત ઇલેક્ટ્રીસીટીનું કનેકશન લઈ શકાય તેવી સુવિધા હોય તો કેટલું સારુ એવો વિચાર કરતો પરંતુ તે માત્ર વિચાર જ રહ્યો હતો.
છેલ્લાં છ મહિનાથી મારા ઘરે રિલાયન્સને બદલે ટાટા પાવર છે હજૂ સુધી બિલ ચાર આંકડામાં નથી આવ્યો એટલો સંતોષ છે. મારા ગામના એ મનું વાયરમેનનું તો બહુ દારુ પીવાને કારણે લિવર ખરાબ થઈ જવાથી મરણ નિપજયું છે. જ્યારે નરેન્દ્ર મોદીના રાજમાં જીઈબી પણ ઘણું સુધરી ગઈ છે એમ મારા મમ્મી-પપ્પાનું કહેવું છે.