Monday 12 November 2018

ચલા ચલા લઉકર સંપવા


Diwali Celebration At Marine Drive

મુંબઈમાં અંગત મિત્રોની બાબતમાં ઘણો ગરીબ છું એવું રજાઓના દિવસોમાં ઘણું પ્રતીત થાય છે. તેથી લાંબી રજા હોય તો શું કરવું ? એનો એકમાત્ર જવાબ છે સુરત જવું. જો કે મારી નાટકની પ્રવૃત્તીને કારણે આ સ્થિતીમાં ઘણું નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે. ઘણાં વર્ષો બાદ દિવાળી મુંબઈના મારા ઘરમાં (જોકે હજુ હોમ લોનના હપ્તાઓ બાકી જ છે) ઉજવી. દિવાળીના દિવસે પણ છાપામાં કામ કરતો હતો. રાતના 12 વાગવાને બદલે 8 વાગે જ કામ પુરુ કરી દેવાનું બોસનું ફરમાન હતું. વધુમાં પત્નીનો ફોનરૂપી ફતવો પણ આવી ગયો કે ઓફિસથી સીધા ચર્ચગેટ આવી જજો. હું બાદરાથી રજાને કારણે પ્રમાણમાં ઘણી ઓછી ભીડ-ભાડવાળી લોકલ ટ્રેનમાં બેસી અંદાજે 9.30 વાગ્યે મરીન ડ્રાઇવ પર પહોંચ્યો. ત્યાં જોઉં તો પોલીસનો સારો એવો બંદોબસ્ત હતો. પરંતુ મારે ક્યાં મુંબઈથી સુરત, મારા કોઈ સગા કે મિત્ર માટે દારુની બાટલી સંતાડીને લઈ જવાની હતી. તેથી બહું વિચાર ન કરતા ડર્યા વગર મારી દિકરી અને પત્ની જ્યાં બેઠા હતા એ દિશામાં આગળ વધ્ય.સાચી વાત કહું તો મે અત્યાર સુધી ત્રણથી ચાર વખત દારુની બાટલીઓ સુરત લઈ જવાનો પ્રયાસ કર્યો છું. પરંતુ મને જોઈને જ પોલીસને ખબર પડી જાય કે આ ભાઈ કંઈક લઈ જાય છે. તેથી રેલવે સ્ટેશન પર જ પકડી લે. જો કે મુંબઈ પોલીસ ઘણી સારી છે અને ગુજરાતીઓની હાલત સમજે તેથી તોડપાણી કરીને લઈ જવા દે.


છેલ્લાં એક વર્ષથી મારી પતની દિકરીની સ્કુલમાં સાથે અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ સાથે મિત્રતા જમાવવાનો પ્રયાસ કરી રહી છે. મારી પાસે પણ એને સાથ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે મરીન ડ્રાઇવ પર દિવાળીના ફટાકડા ફોડવાની એમની યોજના ઘણી સારી હતી. એમનું અન્ય મિત્ર મંડળ પણ ત્યાં હાજર હતું. ઘણાં બધા લોકો અહીં ફટાડડા ફો઼ડવા માટે અહીં ભેગા થયા હતા. મુંબઈના આ દરિયાકિનારે આકાશમાં રંગબેરંગી ફટાકડાઓને કારણે નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. હવામાં આ રીતે ઉડાવી શકું એટલો દારુગોળા રૂપી રૂપિયા તો છે નહીં તેથી મફતમાં આતિશબાજી જોવાનો લ્હાવો માણ્યો. મે પણ તારામંડળ, કોઠી અને ભોંયચકરી સળગાવી તેમજ દિકરીનો ફટાકડા ફોડવાના ડરને થોડો ઘણો ભાંગવાનો પ્રયાસ કર્યો. મારી દિકરી આ ત્રણેણ ફટાકડાઓ માટે અંગ્રેજીમાં કંઈક અલગ શબ્દનો ઉપયોગ કરતી હતી. તેથી તે દિવસે સવારે જ્યારે આ બધા ફટાકડા લેવા માટે એક દુકાનમાં ગયો અને દુકાનદારને કહ્યું, કોઠી બતાવો. તો એ મારી સામે વિચિત્ર રીતે જોવા લાગ્યો. તેથી ફટાકડા પર લગાવેલા ચિત્રને બતાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો. પત્નીએ પણ મને દેશી શબ્દોને બદલે અંગ્રેજી શબ્દનો જ ઉપયોગ કરવાની સૂચના આપી હતી. જો કે હજૂ પણ એ અંગ્રેજી શબ્દો મને યાદ નથી.
બાળકોને 10 વાગ્યા પહેલા તમામ ફટાકડાઓને ફોડી નાંખવાની સૂચના આપવામાં આવી. એમણે પણ એના પર અમલ કરતા તમામ ફટાકડાઓ ફોડી નાંખ્યાં.જો કે ઘણાં લોકો હજૂ ફટાકડા લઇને મરીન ડ્રાઇવ પર આવી રહ્યાં હતા. એમને કદાચ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફટાકડા ફોડવા માટે નક્કી કરવામાં આવેલા સમયની ખબર નહોતી. તેથી મારી બાજુમાં આવીને બેસેલા એક પરિવારે માંડ એક કોઠી સળગાવી ત્યાં તો હાથમાં લાઉડ સ્પીકર લઇને મુંબઈ પોલીસનો એક હવાલદાર કહી રહ્યો હતો' ચલા ચલા લઉકર સંપવા. 10 વાજલે આહે' હવાલદારની આ ચેતવણીની અવગણના કરવામાં આવી રહી હતી. ત્યાર બાદ બે ચાર હવાલદાર સાથે એક પોલીસ અધિકારી હાથમાં લાકડી લઇને આવ્યાં. તેમજ ફટાકડાઓને સળગાવવા માટે મુકેલા દિવાઓને ઓળવી નાંખ્યાં. મારી બાજુમાં બેસેલા દાદાને આ ન ગમ્યું. એમણે પોલીસ સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો.'દિવાળી હે ફટાકે તો ફોડેગી હૈ' હવાલદાર કંઈ જવાબ ન આપતા આગળ વધી જતા ફરીથી દિવો સળગાવ્યો. પણ પોલીસ તુંરત જ પાછી ફરતા એમના દિકરાએ દિવાને ઓળવી નાંખ્યો.
મરીન ડ્રાઇવ પર થોડા સમય માટે ફટાકડા ફોડવા માટે ભેગા થયેલા લોકો અને પોલીસ વચ્ચે ચાલેલી આ રમતને જોવાની મજા પડી ગઈ.ત્યાં તો પોલીસ-વેનમાંથી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી 'ફટાકે ફોડલ્યાસ કડક કાર્યવાહી કરનાત યેઇલ.. ફટાકે ફોડુ નકા..' પોલીસે ત્યારબાદ લોકો પોતાના ઘરેથી લાવેલા ફટાકડાઓના બોક્સ જપ્ત કરવા માંડ્યા. લોકો પણ ઉસ્તાદ હતા. નાના-નાના બાળકોના હાથમાં ફુલઝરી તેમજ અન્ય ફટાકડાઓ આપ્યા હતા. પોલીસ પણ થોડી લાચાર હતી. જો કે પોલીસની કાર્યવાહીની અસર દેખાઈ હતી. ફટાકડાઓની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો હતો. મરીન ડ્રાઇવ
ધીમે-ધીમે ફરી દારુગોળાના ધુમાડાને બદલે હવા ખાવાના સ્થળ તરીકેની ઓળખ પાછી મેળવી રહ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રમાં જાહેર સ્થળોએ માત્ર રાતના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી હતી. પોલીસ તો માત્ર કોર્ટના આદેશનું પાલન કરી રહી હતી. ફટાકડાના ધુમાડાને કારણે થતા વાયુ પ્રદુષણને લીધે લોકોના આરોગ્યને થતા નુકશાનને ઓછુ કરવા માટે જ આ આદેશ કોર્ટે આપ્યો હોવાનું લોકોને સમજતા વાર લાગશે. બીજા દિવસે સવારે મે પેપરમાં સમાચાર વાંચ્યા કે પોલીસે ફટાકડા ફોડવા બદલ બે વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ કરી હતી. તો બીજા દિવસે સવારે ચાર વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી માટે અમારા ગુજરાતી વિસ્તારમાં ફુટનારાઓ ફટાકડાઓની સંખ્યા પણ સાવ નહીંવત હતી એવું મારી પત્નીએ કહ્યું હતું કારણ કે મે તો મારી એક દિવસની રજાની ઉજવણી મોડે સુધી ઉંધીને જ કરી હતી.