Monday 12 November 2018

ચલા ચલા લઉકર સંપવા


Diwali Celebration At Marine Drive

મુંબઈમાં અંગત મિત્રોની બાબતમાં ઘણો ગરીબ છું એવું રજાઓના દિવસોમાં ઘણું પ્રતીત થાય છે. તેથી લાંબી રજા હોય તો શું કરવું ? એનો એકમાત્ર જવાબ છે સુરત જવું. જો કે મારી નાટકની પ્રવૃત્તીને કારણે આ સ્થિતીમાં ઘણું નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે. ઘણાં વર્ષો બાદ દિવાળી મુંબઈના મારા ઘરમાં (જોકે હજુ હોમ લોનના હપ્તાઓ બાકી જ છે) ઉજવી. દિવાળીના દિવસે પણ છાપામાં કામ કરતો હતો. રાતના 12 વાગવાને બદલે 8 વાગે જ કામ પુરુ કરી દેવાનું બોસનું ફરમાન હતું. વધુમાં પત્નીનો ફોનરૂપી ફતવો પણ આવી ગયો કે ઓફિસથી સીધા ચર્ચગેટ આવી જજો. હું બાદરાથી રજાને કારણે પ્રમાણમાં ઘણી ઓછી ભીડ-ભાડવાળી લોકલ ટ્રેનમાં બેસી અંદાજે 9.30 વાગ્યે મરીન ડ્રાઇવ પર પહોંચ્યો. ત્યાં જોઉં તો પોલીસનો સારો એવો બંદોબસ્ત હતો. પરંતુ મારે ક્યાં મુંબઈથી સુરત, મારા કોઈ સગા કે મિત્ર માટે દારુની બાટલી સંતાડીને લઈ જવાની હતી. તેથી બહું વિચાર ન કરતા ડર્યા વગર મારી દિકરી અને પત્ની જ્યાં બેઠા હતા એ દિશામાં આગળ વધ્ય.સાચી વાત કહું તો મે અત્યાર સુધી ત્રણથી ચાર વખત દારુની બાટલીઓ સુરત લઈ જવાનો પ્રયાસ કર્યો છું. પરંતુ મને જોઈને જ પોલીસને ખબર પડી જાય કે આ ભાઈ કંઈક લઈ જાય છે. તેથી રેલવે સ્ટેશન પર જ પકડી લે. જો કે મુંબઈ પોલીસ ઘણી સારી છે અને ગુજરાતીઓની હાલત સમજે તેથી તોડપાણી કરીને લઈ જવા દે.


છેલ્લાં એક વર્ષથી મારી પતની દિકરીની સ્કુલમાં સાથે અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ સાથે મિત્રતા જમાવવાનો પ્રયાસ કરી રહી છે. મારી પાસે પણ એને સાથ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે મરીન ડ્રાઇવ પર દિવાળીના ફટાકડા ફોડવાની એમની યોજના ઘણી સારી હતી. એમનું અન્ય મિત્ર મંડળ પણ ત્યાં હાજર હતું. ઘણાં બધા લોકો અહીં ફટાડડા ફો઼ડવા માટે અહીં ભેગા થયા હતા. મુંબઈના આ દરિયાકિનારે આકાશમાં રંગબેરંગી ફટાકડાઓને કારણે નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. હવામાં આ રીતે ઉડાવી શકું એટલો દારુગોળા રૂપી રૂપિયા તો છે નહીં તેથી મફતમાં આતિશબાજી જોવાનો લ્હાવો માણ્યો. મે પણ તારામંડળ, કોઠી અને ભોંયચકરી સળગાવી તેમજ દિકરીનો ફટાકડા ફોડવાના ડરને થોડો ઘણો ભાંગવાનો પ્રયાસ કર્યો. મારી દિકરી આ ત્રણેણ ફટાકડાઓ માટે અંગ્રેજીમાં કંઈક અલગ શબ્દનો ઉપયોગ કરતી હતી. તેથી તે દિવસે સવારે જ્યારે આ બધા ફટાકડા લેવા માટે એક દુકાનમાં ગયો અને દુકાનદારને કહ્યું, કોઠી બતાવો. તો એ મારી સામે વિચિત્ર રીતે જોવા લાગ્યો. તેથી ફટાકડા પર લગાવેલા ચિત્રને બતાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો. પત્નીએ પણ મને દેશી શબ્દોને બદલે અંગ્રેજી શબ્દનો જ ઉપયોગ કરવાની સૂચના આપી હતી. જો કે હજૂ પણ એ અંગ્રેજી શબ્દો મને યાદ નથી.
બાળકોને 10 વાગ્યા પહેલા તમામ ફટાકડાઓને ફોડી નાંખવાની સૂચના આપવામાં આવી. એમણે પણ એના પર અમલ કરતા તમામ ફટાકડાઓ ફોડી નાંખ્યાં.જો કે ઘણાં લોકો હજૂ ફટાકડા લઇને મરીન ડ્રાઇવ પર આવી રહ્યાં હતા. એમને કદાચ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફટાકડા ફોડવા માટે નક્કી કરવામાં આવેલા સમયની ખબર નહોતી. તેથી મારી બાજુમાં આવીને બેસેલા એક પરિવારે માંડ એક કોઠી સળગાવી ત્યાં તો હાથમાં લાઉડ સ્પીકર લઇને મુંબઈ પોલીસનો એક હવાલદાર કહી રહ્યો હતો' ચલા ચલા લઉકર સંપવા. 10 વાજલે આહે' હવાલદારની આ ચેતવણીની અવગણના કરવામાં આવી રહી હતી. ત્યાર બાદ બે ચાર હવાલદાર સાથે એક પોલીસ અધિકારી હાથમાં લાકડી લઇને આવ્યાં. તેમજ ફટાકડાઓને સળગાવવા માટે મુકેલા દિવાઓને ઓળવી નાંખ્યાં. મારી બાજુમાં બેસેલા દાદાને આ ન ગમ્યું. એમણે પોલીસ સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો.'દિવાળી હે ફટાકે તો ફોડેગી હૈ' હવાલદાર કંઈ જવાબ ન આપતા આગળ વધી જતા ફરીથી દિવો સળગાવ્યો. પણ પોલીસ તુંરત જ પાછી ફરતા એમના દિકરાએ દિવાને ઓળવી નાંખ્યો.
મરીન ડ્રાઇવ પર થોડા સમય માટે ફટાકડા ફોડવા માટે ભેગા થયેલા લોકો અને પોલીસ વચ્ચે ચાલેલી આ રમતને જોવાની મજા પડી ગઈ.ત્યાં તો પોલીસ-વેનમાંથી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી 'ફટાકે ફોડલ્યાસ કડક કાર્યવાહી કરનાત યેઇલ.. ફટાકે ફોડુ નકા..' પોલીસે ત્યારબાદ લોકો પોતાના ઘરેથી લાવેલા ફટાકડાઓના બોક્સ જપ્ત કરવા માંડ્યા. લોકો પણ ઉસ્તાદ હતા. નાના-નાના બાળકોના હાથમાં ફુલઝરી તેમજ અન્ય ફટાકડાઓ આપ્યા હતા. પોલીસ પણ થોડી લાચાર હતી. જો કે પોલીસની કાર્યવાહીની અસર દેખાઈ હતી. ફટાકડાઓની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો હતો. મરીન ડ્રાઇવ
ધીમે-ધીમે ફરી દારુગોળાના ધુમાડાને બદલે હવા ખાવાના સ્થળ તરીકેની ઓળખ પાછી મેળવી રહ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રમાં જાહેર સ્થળોએ માત્ર રાતના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી હતી. પોલીસ તો માત્ર કોર્ટના આદેશનું પાલન કરી રહી હતી. ફટાકડાના ધુમાડાને કારણે થતા વાયુ પ્રદુષણને લીધે લોકોના આરોગ્યને થતા નુકશાનને ઓછુ કરવા માટે જ આ આદેશ કોર્ટે આપ્યો હોવાનું લોકોને સમજતા વાર લાગશે. બીજા દિવસે સવારે મે પેપરમાં સમાચાર વાંચ્યા કે પોલીસે ફટાકડા ફોડવા બદલ બે વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ કરી હતી. તો બીજા દિવસે સવારે ચાર વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી માટે અમારા ગુજરાતી વિસ્તારમાં ફુટનારાઓ ફટાકડાઓની સંખ્યા પણ સાવ નહીંવત હતી એવું મારી પત્નીએ કહ્યું હતું કારણ કે મે તો મારી એક દિવસની રજાની ઉજવણી મોડે સુધી ઉંધીને જ કરી હતી.

Wednesday 31 October 2018

મણિપાલ યુનિવર્સિટીની મુલાકાત



સામાન્ય રીતે આપણે એવી આદર્શ વાતો કરતા હોઈએ છીએ કે સ્કુલ કે કોલેજથી શું ફરક પડે ? જેને ભણવાનું હોય તે તો મ્યુનિસિપલ કોપોર્રેશનની સ્કુલમાં ભણીને પણ આગળ વધે. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે આ બઘી જ વાતો અપવાદરૂપ કિસ્સામાં જ સાચી હોય છે. તેથી જ જાણીતી સ્કુલ કે કોલેજમાં આપણા સંતોનોને પ્રવેશ મળે એ માટે એડીચોટીનું જોર લગાવીએ છીએ. હું પોતે પણ ગ્રામપંચાયતની સ્કુલમાં જ ભણ્યો હતો. બપોરે તીખી લાપસી બનાવવા માટે અમે સુકા બાવળ વીણવા માટે જતાં હતા તે હજૂ પણ યાદ છે.

હૈદરાબાદમાં એક ગુજરાતી ચેનલમાં કામ કરતો હતો ત્યારે ઘણાં બધા સહ-કમર્ચારી અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી ઇલેક્ટ્રોનીક મિડીયાનો કોર્સ કરીને આવ્યા હતા. તેથી અમદાવાદ ગયો ત્યારે વિદ્યાપીઠમાં જઈને આવ્યો હતો. આવું જ કંઈક આશ્ચર્ય મુંબઈમાં ઇંગ્લિશ ન્યુઝ ચેનલમાં કામ કરતો હતો ત્યારે ત્યાં ઘણાં સહકર્મચારીઓ તેમજ ઇન્ટર્ન મણિપાલ યુનિવિર્સિટીમાંથી આવ્યાં હતા. કરીઅર પ્રત્યેના તેમના અલગ અભિગમને જોઈને ઘણી વખત આશ્ચર્ય થતું. લાગતું જ નહોતું કે તેઓની આ પહેલી નોકરી હોય. કેમેરા ઓપરેટીંગ, એડીટીંગ, પ્રોડકશન કે કોપી એડીટીંગ બધું જ ઘણું ઝડપથી શીખી ગયા હતા. તેથી આ મણિપાલ યુનિવર્સિટી વિશે પણ જાણવાની ઇચ્છા થતી હતી. તાજેતરમાં જ ભારત સરકારે જે પાંચ શૈક્ષણિક સંસ્થાઓને દેશની શ્રેષ્ઠ સંસ્થાઓ ગણાવી હતી એવી મણિપાલ યુનિવર્સિટીમાં જવાની મને તક મળી હતી.

મુંબઈની આશરે 1100 કિલોમીટર દૂર કર્ણાટક રાજ્યાના ઉડુપી ડ્રિસ્ટીક્ટમાં આવેલી આ સંસ્થામાં મારા એક રિલેટીવે પોતાના દિકરાને જૂલાઇ મહિનામાં ભણવા માટે મુક્યો હતો. ત્યાં એ કઈ રીતે રહે છે તે જોવાઈ પણ જશે. તેમજ મારી દિકરી ત્યાં પોતાના ભાઇને રાખડી પણ બાંધશે. એવો આ પ્રયાસનો આશય હતો. મુંબઈમાં ઉડુપી રેસ્ટોરન્ટમાં ગયો છું. તે એક વિસ્તારનું નામ પણ છે. તે ખબર પણ હતી. પરંતુ ખરેખર તે જોવાનો આનંદ પણ અનેરો હોય છે. ઉડુપી રેલ્વે સ્ટેશને ઉતર્યા અને ત્યાંથી રિક્ષામાં મણિપાલ યુનિવર્સિટીની પાછળના ભાગમાં આવેલા હોટેલમાં અમે રોકાયા.એક નાનકડું રેલવે સ્ટેશન હોવા છતાં તમામ મુસાફરો લાઇનસર પ્રી-પેઇડ રિક્ષામાં બેસીને જતા જોઇને સારુ લાગ્યું હતું. બાકી મુંબઈમાં સ્ટેશન નજીક રિક્ષા પકડવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. મુંબઈથી રાત્રે 10 વાગે ટ્રેનમાં બેઠા હતા. તે બીજા દિવસે બપોરે બે વાગે ઉડુપી પહોંચ્યા હતા. તેથી બપોરે હોટેલમાં આરામ કરી સાંજે યુનિવર્સિટી જોવા નિકળ્યાં.

સૌથી પહેલા તો મારા રિલેટીવનો દિકરો જ્યાં ભણતો હતો. ત્યાં ગયા. સામાન્ય રીતે પેરેન્ટ્સ સ્કુલમાં આવે તો કોઈને ગમે નહીં. એવો જ ઘાટ અમારા પેલા વિદ્યાર્થીનો હતો. વળી વધારામાં મારા જેવો બધું જ ખણખોદ કરનાર વ્યક્તિ આવી હોય તો પછી પૂછવું જ શું . મને પાછો અહીં લાવવો નહીં એવી સૂચના પણ એણે પોતાના પેરેનટ્ને આપી દિધી હતી. જો કે એની હોસ્ટેલનો રૂમમુટ એક મલ્લુ હતું. કેરળનો આ યુવક ઘણો જ ઉત્સાહી હતો. તેણે મને આ કેમ્પસ વિશે જાણવા જેવા તમામ સવાલોનો જવાબ આપવા ઉપરાંત અમને ન ખબર હોય એવી જગ્યાએ પણ લઈ ગયો. એના જણાવ્યાપ્રમાણે આ મણિપાલ કેમ્પસમાં 57 દેશોના આશરે 28,000 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. યુનિવર્સિટીના હેડક્વાર્ટસની બાજુમાં જ એક પાંચ માળની વિશાળ લાયબ્રેરી હતી. જ્યાં રાતના 11 વાગ્યા સુધી અભ્યાસ કરી શકાય. અમારી પાસે એમાં જવાની પરમીશન ન હોવાથી બહારથી જોઈને પાછા વળ્યાં.મલેશિયા સરકાર જોડે કરાર કરીને બનાવવામાં આવેલી મેડીકલ કોલેજની બિલ્ડિંગ પણ જોઈ.એની બાજુમાં બે વિશાળ ટાવર જેવા બિલ્ડિંગ હતા. જે અહીં આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટેની હોટેલ હતી. કોલેજ કેમ્પસમાં એક પાંચ માળનું જિમ પણ હતું. જેમાં સ્કવોશ, બેડમિન્ટન, ટેનિસ અને બાસ્કેટ બોલના સ્ટેડિયમ પણ હતા. જિમમાં વિદ્યાથીઓનો ભારે ધસારો હતો. દરમ્યાન અંધારુ થઈ જતા અમે હોટેલમાં પાછા ફર્યા.
ગોવાની જેમ અહીં પણ ભાડેથી બાઇક મળતી હતી. તેથી બાઇક લઇને હું મારા પરિવાર સાથે ઉડુપી અને આસપાસના વિસ્તાર જોવા માટે નીકળ્યો. બધાએ ઉડુપીમાં આવેલા શ્રી કૃષ્ણ મઠ મંદિરમાં જવા માટે કહ્યું હતું. ત્યાં ગયાં તો ખરા. પરંતુ પોંગલના તેહવારને કારણે મંદિરમાં ભારે ભીડ હતી. અમે લાંબી લાઇનમાંથી અધવચ્ચે જ બહાર નીકળ્યાં અને ભગવાનને દૂરથી જ નમસ્કાર કરી ત્યાં આવેલા માલપે બીચ જોવા માટે આગળ વધ્યાં. દરિયો પણ ભારે તોફાની હોવાથી ભાગ્યે જ કોઈ અંદર જતુ હતું. અમે પણ બીચ પર જ બેસી રહ્યાં. દરમ્યાન અમારી હોટેલના રીસેપ્નિસ્ટે આપેલી યાદી મુજબ મણિપાલનું હસ્ત શિલ્પ હેરિટેજ વિલેજ મ્યુઝીયમ અને એનોટોમી મ્યુઝિયમ જોવાનો નિર્ણય કર્યો.

હેરિટેજ વિલેજ મ્યુઝીયમ એટલું તો અદભુત હતું કે મને એના પર અલગથી બીજો બ્લોગ લખવો પડે. અહીં લગભગ 100થી 700 વર્ષ જૂની વિવિધ ભારતીય પરંપરાના ઘરોને વિવિધ સ્થળેથી સાવચેતીપૂર્વક ખસેડીને અહીં ફરી સ્થાપિત કરવામાં આવ્યાં છે. તમે દક્ષિણ ભારતના વિવિધ ગલીઓમાં ફરતા હોય એવું લાગે છે. મણિપાલ જનારા અન્ય તમામને મારી આ હેરિટેજ વિલેજની મુલાકાત લેવાની વિનંતી છે. જે જોતા આપણા વડવાઓમાં પણ ગૃહ નિર્માણને લઇને કેટલી સારી સમજ હતી એ ખબર પડે. જૂનું ગ્રામ્યજીવન, સરપંચનું ઘર, નાની સાંકડી ગલીઓ, બળદગાડા, ભગવાનનો રથ, કેરળના મંદિરો અને નવાબની હવેલી તમામ આ હેરિટેજ વિલેજ મ્યુઝીયમની શાન છે. વિવિધ દેશોના દુતાવાસ તેમજ કોપોર્રેટ કંપનીઓની સહાયની મદદથી ચાલે છે.

હેરિટેજ વિલેજ મ્યુ ઝીયમ બાદ નજીક આવેલા મણિપાલ લેકનું ચક્કર મારી હોટેલ પાછા ફર્યા.ત્રીજા દિવસે નજીક આવેલા મેન્ગલોર શહેરમાં ફરવાનો કાર્યક્રમ હતો. શહેર બધા જ સરખા. એ જ ટ્રાફિક એ જ મોલ. કોઈ જ યાદગાર અનુભવ નહીં. રાત્રે મણિપાલની એક રેસ્ટોરાંમાં જમવા ગયા. ત્યાં એક વેઇટર વિવિધ પ્રકારની ફિશ એક ટ્રોલીમાં લઈને આવ્યો હતો. એમાથી તમારે ફિશ પસંદ કરવાની હતી. હું ફિશ ખાઉં છું પણ મને કંઈ ખબર ન પડે. જો કે આ કંઈક અલગ હતું. એ અમારો છેલ્લો દિવસ હતો. 

ચોથા દિવસે સવારે વહેલો ઉઠીને ફરી પાછો મણિપાલ યુનિવર્સિટી કેમ્પસમાં ગયો. ત્યાં બ્લોગ માટે જરૂરી થોડા ફોટાઓ પાડ્યાં. એશિયાના સૌથી મોટા એન્ટોની મ્યુઝીયમની પણ મુલાકાત લીધી.જ્યાં માણસ સહિત લગભગ તમામ પ્રાણી-પક્ષીઓના અવશેષો સાચવીને રાખવામાં આવ્યાં છે. મ્યુઝીયમની સામે જ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટિન આવેલી છે. ગ્રાઉન્ડ ફલોરમાં કેમ્પસની કેન્ટિન તો ફસ્ટ ફલોરમાં મેકડોનલ્ડ, સબ-વેથી માંડીને દેશની તમામ ફાસ્ટફુડ ચેઇન હતી. અન્ય તમામ ગુજરાતીઓની જેમ મારા સબંધીના દિકરાએ પણ કેન્ટિનના ભોજન વિશે ફરિયાદ કરી અને સબ-વેમાથી પોતાની મનગમતી કોઈ વાનગી લીધી. પરંતુ અમે ત્યાં સાઉથ ઇન્ડિયન થાળી મંગાવી હતી. સાચુ કહું તો બે દિવસ જ આ બધી વસ્તુ ભાવે. કારણ કે હૈદરાબાદમાં હું રેહતો હતો ત્યારે ત્યાં કોટીના ગુજરાતી સમાજની ફુલકા રોટલી ખાવા માટે 30-30 કિલોમીટર દૂર જતો હતો. મુંબઈ જતી અમારી મત્સયગંધા એક્સપ્રેસનો સમય થતો હતો. તેથી અમે ફરી પાછા ઉડુપી સ્ટેશનની દિશામાં પ્રયાણ કર્યુ. ટ્રેનમાં બેઠો ત્યારે મનમાં વિચાર આવ્યો કે દેશની સૌથી શ્રેષ્ઠ પાંચ શૈક્ષણિક સંસ્થા પૈકી એકમાં મારી દિકરીને એડમીશન અપાવવું હશે તો ઘણાં રૂપિયા ભેગા કરવા પડશે.

Friday 27 July 2018

જાહેરાત માટે ગુજરાતીમાં લખાણ


જેમની સાથે મળીને મે ગુજરાતી ગરબા આલ્બમ ધુમ્યો રે કાનુડો ()બહાર પાડવાનું દુસાહસ કરેલું એ સ્ટુડીયોના માલિકના નાના-મોટા ટ્રાન્સલેશનના કામ હું કરી આપી છું. બદલામાં વળતર કંઈ મળ્યું નથી. પરંતુ ત્યાં ચાલતા સિરિયલ કે ફિલ્મની એડીટીંગના કામો, નવા હિન્દી, મરાઠી અને ભોજપુરી ગીતોના નવા આલ્બમના રેર્કોડીંગ કે પછી તેની ચર્ચાઓ સાંભળવાનું મને ગમે છે. મને પણ આવું કંઈક કરવાનો શોખ છે. પરંતુ વિટામીન એમ ના અભાવે હાલ તો શાંત બેસેલો છુંમુંબઈના અંધેરીમાં આવેલા ધ ફિલ્મ રાઇટર્સ અસોસિએશનનો હું સભ્ય પણ છું. ઘણાં વર્ષો પહેલા મે બનાવેલી બે ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એક નાટકની સ્ક્રિપ્ટનું રજીસ્ટ્રેશન અહીં કરાવ્યું છે. બન્યું એવું કે બે મહિના પહેલા મને અસોસિએશનના એક રાઇટર મળ્યાં. એમની સાથે વાતચિતમાં મે એમને મને મળતી સાવ ઓછી રકમની વાત કરી તો એમણે કહ્યું કે આ પરિસ્થિતી માટે આપણે જ જવાબદાર છીએ.કોઈ પણ નાનું સરખું કામ કેમ ન હોય 5000 કરતા ઓછી રકમ લેવાની જ નહીં

સાચુ કહ્યું તો હજુ મારા મગજમાં આટલી રકમ કેવી રીતે માંગી શકાય એવી વાત મગજમાં બેઠી જ નહોતી કે પેલા સ્ટુડીયો માલિકનો મને ફોન કરીને કહ્યું એક હિન્દી સ્ક્રિપ્ટ કા ગુજરાતી કરના હૈએક પાંચ મિનિટની હિન્દી ક્લીપ સાંભળીને એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું કામ હતું. મે ડરતા-ડરતા માત્ર 1500 રૂપિયા માંગ્યા. તો મને કહે પાર્ટી ઇતના નહી દેગી. 1000 તક બાત કરતા હુંએમ કહીને ફોન મૂકી દિધો તે પાછો કર્યો જ નહીં. થોડા દિવસ બાદ હું ઓફિસ જતો હતો ત્યારે ફરી પાછો ફોન આવ્યો અને મને કહ્યું કે એક તીન મિનિટ કે વોઇસ ઓવર કે લિએ ગુજરાતી સ્ક્રિપ્ટ લિખના હૈ, એક બિલ્ડર કો એક્ઝિબિશન કે લિયે ગુજરાતીમાં વિડીયો બનાના હૈ, મે ને સબ ડિટેઇલ વોટ્સએપ કર દી હૈ,  ફટાફટ લીખ દે. પાર્ટી પૈસા બી દેગી.

ઓફિસમાં હતો ત્યારે પણ મે સ્ક્રિપ્ટ લખી કે નહીં એવો ફોલોઅપ લેતો ફોન પણ કર્યો.રાત્રે ઘરે જઈને બે કલાક સુધી જાગીને મે સ્ક્રિપ્ટ મોકલી આપી. ત્યાં તો વહેલી સવારે 10 વાગે ફરી ફોન આવ્યો કે બિલ્ડરકો થોડા ચેન્જ કરના હૈ, તું જલ્દીસે સ્ટુડીયો મે આ જા મારો વિકલી ઓફ હોવાથી હું સ્ટુડીયોમાં પહોંચી ગયો. થોડાક સમય બાદ બિલ્ડર પણ પોતાના એક આસિસ્ટન્ટ સાથે ત્યાં આવ્યાં. પોતાની બેગમાંથી એક બે ફુલસ્કેપ પાનું ભરીને એક સ્ક્રિપ્ટ એમણે પોતે લખી હતી તે મને વાંચી સંભળાવી. વ્યવસાય ભલે બિલ્ડર હોય પરંતુ સ્ક્રિપ્ટ સારી લખી શકનાર બિલ્ડર પર માન ઉપજ્યું. વોઇસ ઓવરમાં તમે જે પ્રકારની સ્ક્રિપ્ટ લખી છે તે નહીં ચાલે. રાત્રે મે ઘણાં બધા બિલ્ડિંગના પ્રોજેક્ટના વિડીયો જોયા છે. બધામાં માત્ર ઇંગ્લિશમાં ટેક્સ જ આવે છે. તમારે શા માટે ગુજરાતીમાં આવું પેકેજ લખાવવાનું છે. મે સ્પષ્ટ પણે પૂછ્યું. તો અન્ય ગ્રાહકોની જેમ જ મને ઇમ્પ્રેસ કરતા હોય એમણે કહ્યું કે મારો 70 પ્રોજેક્ટ તો સોલ્ડઆઉટ છે. મારી ઇચ્છા છે કે અમારા આ પ્રોજેક્ટનો વધુ પ્રચાર થાય અને ગામમાં અમારી ગુડવિલ ઉભી થાય તેથી આ ખર્ચો કરાવું છે. વળી મારા મોટા ભાગના ગ્રાહકો ગુજરાતી જ છે. તેથી જ ગુજરાતીમાં જ બનાવું છે. ત્યાર બાદ મે લખેલી સ્ક્રીપ્ટમાં એમણે આપેલી વિગતોને ઉમેરીને અંદાજે અઢી મિનિટની સ્ક્રિપ્ટ લખી નાંખી.

બિલ્ડરને સાંજ સુધીમાં કોઈ પણ હિસાબે આ નાનકડી વિડીયો ફિલ્મ જોઈતી હતી. તેથી એક તરફ મારી સાથે વોઇસ ઓવરની સ્ક્રિપ્ટની મથામણ ચાલતી હતી તો બીજી તરફ સારા વોઇસ ઓવર (વિડીયો ચાલે ત્યારે પાછળ આવતો અવાજ) આર્ટીસ્ટની શોધખોળ પણ ચાલતી હતી. બિલ્ડર સ્ટુડીયોમાં આવે તે પહેલાં મે લખેલી સ્ક્રિપ્ટને મારી પાસે જ વોઇસ ઓવર કરાવી બિલ્ડરને મોકલવામાં આવી હતી. પરંતુ બિલ્ડર આવ્યા એટલે તુરંત એમણે મને તો અમિતાબ બચ્ચન જેવો કોઈ ભારે અવાજ જોઈએ છે એવી માંગણી કરી.તેથી મુંબઈના રેડીયો મિર્ચીના એક બહુ જ જાણીતા આરજે (રેડીયો જોકી) ને ફોન જોડવામાં આવ્યો. એનો ચાર્જ 10,000 રૂપિયા હતો. એનો કોઈ વાંધો બિલ્ડરને નહોતો. પરંતુ તે તરત આવી શકે એવી સ્થિતીમાં નહોતો. તેથી અન્ય વિકલ્પોની શોધ પણ ચાલતી હતી.

એક વર્ષ અગાઉ આ સ્ટુડીયો માલિકને મે એક સિગારેટ બનાવતી કંપનીના એક વિડીયોનું ટ્રાન્સલેશન કરીને એમાં ડમી વોઇસ ઓવર પણ આપ્યો હતો. ત્યારે કંપનીને અન્ય રેડીયો જોકીની સરખામણીમાં મારો જ વોઇસ ઓવર ફાઇનલ રાખ્યો હતો. જેનો 1000 રૂપિયા ચાર્જ આપવાનો મને વાયદો કર્યો હતો. પરંતુ હજુ સુધી આપ્યા નહોતા. આ વખતે પણ મારો જ વોઇસ ઓવર પસંદ થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ દાવ નિષ્ફળ જતા તમને માત્ર એક ડમી વોઇસ ઓવર મોકલવામાં આવ્યો હતો એમ કહીને બિલ્ડરને સમજાવવામાં આવ્યા હતા. છેવટે એક હિન્દી ભાષી પરંતુ થોડુ ઘણું ગુજરાતી બોલી શકતા હોય એવા આર્ટીસ્ટ પાસે વોઇસ ઓવર કરાવવામા આવ્યો હતો. એણે કામ કરતા પહેલા જ 3500 રૂપિયા ચાર્જ લઇ લીધો હતો.

મને આવા બધા કામો આપનારા આ સ્ટુડીયો માલિકને હું છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. માલિકોનું સપનું તો પ્રીતમ જેવા મોટા સંગીતકાર બનવાનું છે. બે પાર્ટનર પૈકી એક તો એમના આસિસ્ટન્ટ તરીકે ઘણાં વર્ષોથી કામ પણ કરે છે. પરંતુ સપનાઓને સાકાર કરવાનો સંઘર્ષ હજુ ચાલું જ છે. મને ઘણી વખત કહે પણ છે કે યાર વો ચાર-ચાર બંગડી જેસા યા ફિર સોનું તુલા માઝા પર ભરોસા નાઇ કાઐસા કોઈ ગાના બનાના હૈ ત્રણ વર્ષ પહેલા અમે પ્રોડ્યુસ કરેલા ધુમ્યો રે કાનુડો ગુજરાતી ગરબા આલ્બમ નિષ્ફળ જવા છતાંય આ વર્ષે પણ નવું આલ્બમ બનાવવાનો વિચાર કરેલો. પરંતુ પહેલા આલ્બમ બનાવવાનું શરૂ કર્યુ ત્યારે હું એક ઇંગ્લિશ ન્યુઝ ચેનલમાં કામ કરતો હતો અને હવે એક ગુજરાતી છાપામાં કામ કરતો હોવાથી મે બહુ રસ નથી દેખાડ્યો. તેથી આ યોજના બહુ આગળ વધી નથી.


બિલ્ડરના આ પ્રોજેક્ટ વિશે આ બ્લોગ લખવાનો વિચાર પણ એટલા માટે જ આવ્યો કે પહેલી વખત કોઈએ સૌથી પહેલા ગુજરાતીમાં મારી પાસે આ રીતે લખાવ્યું હતું. અગાઉ તો તમામ કામો માત્ર અંગ્રેજી, હિન્દી કે પછી મરાઠીભાષામાંથી કરેલા માત્ર ટ્રાન્સલેશન જ હતા. બિલ્ડરનો વિડીયો રિલિઝ થયો એના બીજા દિવસે ફરીથી મને સ્ટુડીયો માલિકનો ફોન આવ્યો કે ફટાફટ ગુજરાતી સ્ક્રીપ્ટ કા હિન્દી કર દેમે પણ તુરંત ગુગલ ટ્રાન્સલેશનની મદદ લઇને એ કામ કરી આપ્યું. જો કે આ બ્લોગ લખું છું ત્યાં સુધી બે વખત યાદ કરાવ્યા છતાં મને પેમેન્ટ મળ્યું નથી. 

https://www.youtube.com/playlist?list=PL98pNnHHoW_xahpD7-mLRTofpi5UbcFEK
· https://www.youtube.com/watch?v=VYN9V5gguqc


http://www.youtube.com/watch?v=lVj_BPY7C00

http://www.youtube.com/watch?v=2oKAVtsjtFs

Sunday 22 July 2018

પપ્પા, હું લીડર થઈ ગઈ


એક દિવસ સવારે ઉઠતાની સાથે જ મારી 10 વર્ષની દિકરીએ મને સુખદ આંચકો આપતા કહ્યું કે પપ્પા હું ‘હાઉસ લીડર’ તરીકે સિલેક્ટ થઈ.મેં દરવખતની જેમ વેલ ડન બેટા એવું જવાબ આપ્યો. જોકે દિકરી બહુ જ ખુશ હતી. ‘પપ્પા અમારી સ્કુલમાં વોટિંગ થયું હતું. હું લીડર તરીકે ઉભી રહી હતી તેથી મને વોટિંગ કરવા ન મળ્યું. બધાએ કોમ્પયુટરમાં ઓનલાઇન વોટ આપ્યો હતો.આવતા વર્ષે તો હું ઉભી જ નથી રેહવાની. કારણ કે જે લીડર હોય એને ટીચર કોમ્પયુટરમાં વોટ આપવા જ નથી દેતા.’ દિકરીની ફરિયાદ પર હસું આવતું હતું. વળી એને પોતે જીતી એના કરતા એની હરીફ હારી ગઈ એનું પણ દુખ હતું. મને પૂછતી પણ હતી કે એને કેમ કોઈએ વોટ ન આપ્યો. મારી પાસે એના સવાલનો કોઈ જવાબ નહોતો.

ભારે શરમાળ એવી મારી દિકરી કંઈક બોલતી થાય એવા આશયથી અન્ય તમામ પેરેન્ટ્સની જેમ અમે એને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવીએ છીએ. બે-ત્રણ વર્ષથી તે સ્ટેજ પર જઈ ડર્યા વગર સારુ બોલતી પણ થઈ છે. જો કે સ્ટેજ પર ઉતરતાની સાથે જ પોતાનો મૂળ સ્વભાવ ધારણ કરી લે છે. પરંતુ પોતાની સ્કૂલ કે ક્લાસ જીતે એવા આશયથી હવે ટીચર જ તેને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવે છે. જેની સામે એને કોઈ વાંધો નથી. અન્ય સ્ટુડન્ટ્સની સરખામણીમાં થોડી ઓછી ઉંચાઈ ધરાવતી મારી દિકરીને ટીચરો ‘છોટા રિચાર્જ બડા ધમાકા’ એવા નામથી પણ ઓળખે છે.
સ્કુલ આ હાઉસ લીડર તરીકે ચૂંટાયેલા બાળકોને પહેરવા માટે કોટ પણ સિવડાવ્યા હતા. દિકરીએ કહ્યું ‘પપ્પા હવે મારે સ્કુલમાં આ કોટ પહેરીને જવું પડશે. મારે લીડર તરીકે બધા સ્ટુડન્ટ્સ ડીસીપ્લીન સાથે લાઇનમાં ઉતરે એનું ધ્યાન રાખવું પડશે. વળી મારે સ્કુલ બસમાં છેલ્લે ચઢવાનું.’ પાંચમા ધોરણમાં ભણતી મારી દિકરીને કોટ પહેરવાની ખુશી હતી પરંતુ સ્કુલ બસમાં છેલ્લે જવું પડશે. એને લઇને થોડી ચિંતાતુર પણ હતી. તો મને એવી ચિંતા હતી કે આટલી ગરમીમાં આ ઇંગ્લિશ મીડિયમ સ્કુલવાળા છોકરાઓ દરરોજ કોટ પહેરીને કઈ રીતે જશે. એવું પણ વિચારતા નથી. જો કે પછી ખબર પડી કે કોટ માત્ર એક જ દિવસ પહેરવાનો હતો.તેથી થોડીક રાહત અનુભવી.
પ્રાઇમરી સ્કુલની હાઉસલીડર બનાવીને સ્કુલે કંઈક ગડબડ કરી નાંખી હતી. એવું લાગતું હતું. કારણ કે આ કોટ પેહરાવવાની સેરેમની પહેલા કોઈ ક કારણસર હું સ્કુલે ગયો હતો. ત્યારે મને એક ટીચરે કહ્યું કે’એને અમે જોરથી બુમો પાડવાનું કહીએ છીએ પરંતુ તે એવું કરતી નથી. સ્ટેજ પર તો બોલે છે. પરંતુ સામાન્ય વાતચિતમાં એનો અવાજ જ નથી આવતો.ચાર પાંચ લોકો ઉભા હોય ત્યારે પણ જોરથી બોલવું પડશે’ હવે ટીચરને શું જવાબ આપું. મનમાં બોલ્યો. ‘તમે જ એને લીડર તરીકે ઉભી રાખી તો તમે જ પ્રયાસ કરી જૂઓ.’ દરમ્યાન અમારા ઘરે આવેલા એના મોટાભાઈઓ મારી પાસેથી આ બઘી વાતો જોણી એને ચીડવતા હતા કે ‘જો લીડર તરીકે બીજા છોકરાઓ તારી વાત ન માને તો તું જે રીતે અમારી સામે રડે છે એ રીતે તારે જોર-જોરથી રડવાનું. તેથી એ લોકો પણ ગભરાઈને તારી વાત માનશે.’
લીડર તરીકે સિલેક્ટ થયા બાદના લગભગ એક અઠવાડીયા સુધી તે પોતાને લીડર તરીકેનો નવો કોટ ક્યારે મળશે એની કાગડોળે રાહ જોતી હતી. સ્કુલમાં પણ દરરોજ તૈયારીઓ ચાલતી હોવાનો રિપોર્ટ મને આપતી હતી. સેરેમનીના એક દિવસ પહેલા જ ક્લાસટીચરે એક નોટ મોકલી. જેમાં Investiture Ceremonyમાં હાજર રેહવા માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બોલવામાં બહુ ભારે એવો આ અંગ્રેજી શબ્દ હતો. આ બ્લોગ લખ્યો ત્યારે જ દિકરી પાસેથી જ તેનો ઉચ્ચાર શીખ્યો. બાકી તો સ્કુલમાં જતા પહેલા ગુગલમાં આ શબ્દ લખીને થોડું ઘણું સમજીને સ્કુલમાં પહોંચી ગયો હતો. સ્કુલે પાંચેક હાઉસલીડર સિલેક્ટ કર્યા હતા.સામાન્ય રીતે દૂરદર્શનમાં રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સારી કામગિરી બજાવનારા લોકોનું જે રીતે સમ્માન કરતા હોય એ રીતે આ બાળકોને કોટ અને કેપ પેહરાવવામાં આવી. સ્કુલના અન્ય છોકરાઓનું મ્યુઝીક બેન્ડ સાથે તાલમાં માર્ચ કરતા-કરતા હાથમાં ઝંડાઓ લઇને આવતા નાના-નાના કિશોરોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દિધા હતા. બધા હાઉલીડરોએ છેલ્લે I see the Leader In me એવું ગીત પણ ગાયું હતું.પ્રાથમિક શાળાઓમાં પણ સ્ટુડન્ટ્સ કાઉન્સીલ જેવું હોય છે એવું મે પહેલી વખત જ જોયું હતું.
અને છેલ્લે...
મારી દિકરીએ શીધ્ર કવિતા લેખનમાં મમ્મી પર લખેલી કૃત્તી
My Mother
My mother is very beautiful
And she is very helpful
She cooks delicious food
And is Always in happy mood
She takes me to playground
Where there is a big marry-go-round
She helps me to study
I think she is my best buddies
In my birthday she gave me a doll
And a shiny red ball
She never gives me a slap
And tells me a story on her lap
I love my sister and brother
But not like my loving mother

Friday 20 July 2018

મણિભવન, ગાંધીજી અને હું

Mani Bhawan, Gandhi and I


ગયા ગુરૂવારે મારી દિકરીને મુંબઈમાં આવેલા નેશનલ મ્યુઝિયમ ફોર ગાંધી, મણિભવનમાં આયોજીત એક સ્પર્ધામાં ભાગ લેવા માટે જવાનું હતું. પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ મુજબ મારી પત્ની જ દિકરીને લઇ જવાની હતી. તેથી હું નિશ્ચિંત હતો. પરંતુ સવારે અચાનક કાર્યક્રમ બદલાયો. કારણ કે દિકરીને આ સ્પર્ધામાં ભાગ લીધા બાદ ફરી પાછુ સ્કુલમાં એક પરિક્ષા માટે આવવું જ પડશે. એવું પ્રિન્સિપાલે ફરમાવ્યું તેથી દિકરીને મણીભવનમાં લઈ જવાની જવાબદારી મારા માથે આવી પડી. બે સપ્તાહ પહેલાં જ મારી દિકરી આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ લઇને આવી હતી. ત્યારે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આટલા વરસાદમાં કઈ રીતે જઈશું એવું કહીને એની એક ફ્રેન્ડની મમ્મીએ ના પાડી હતી. પરંતુ મારી પત્નીનું માનવું હતું કે ગાંધીજીએ દેશ માટે આટલું બધું કર્યુ આપણે વરસાદને કારણે ના ન પાડી શકીએ. (વાહ.. વાહ) આ સ્પર્ધામાં ગાંધીજીએ લખ્યું હોય એનો એક ત્રણ મિનિટનો પેરેગ્રાફ બોલવાનો હતો. મારા સત્યના પ્રયોગો (My Experience With Truth) એ આત્મકથામાંથી ગાંધીજી નાના હતા ત્યારે બીડી પીતા હતા, માંસ ખાતા હતા કે પછી અંધારાથી ડરતા હતા એવા કોઇક બનાવમાંથી એક મજેદાર પ્રસંગ મારી દસ વર્ષની દિકરીને ગોખાવી દઈશું એવું વિચારીને અમે નિશ્ચિંત હતા. એવામાં સ્કુલમાંથી ફરમાન આવ્યું કે મારા સત્યના પ્રયોગો આ પુસ્તક સિવાય કંઈક બોલવું પડશે.

ગાંધીજી કેટલું બધું લખતા હતા એ તો મને મારી દિકરીને સમજાય એવો પેરેગ્રાફની શોધખોળ કરતા ખબર પડી. આખરે એમના એક ન્યુઝ પેપર હરિજનમાંથી એક પેરેગ્રાફ મારી પત્નીએ જ શોધી કાઢ્યો. સ્કુલના એક ટ્રસ્ટી પોતે પણ આ સ્પર્ધા માટે બાળકોએ કેવી તૈયારી કરી છે એવી ચકાસણી કરવા માટે આવ્યા હતા. એવી દિકરી પાસેથી જાણતા મને ટ્રસ્ટીઓ પ્રત્યે પણ માન ઉપજ્યું. ગાંધીજીની આ સ્પર્ધામાં ભાગ લેવો જ જોઈએ. એ પત્નીની દલિલમાં એ વખતે તો હા પાડી દિધી હતી. પરંતુ મારે જ એને લઈ જવી પડશે.એ વાતથી કંઈ બફાઇ ગયું હોવાની લાગણી થઈ. કારણ હતું મુંબઈની લોકલ ટ્રેનની ભીડ. સવારે 11.00 વાગ્યે સહેજ પણ ઘુસી શકાય એવી સ્થતી ન હોવાથી ત્રણ લોકલ ટ્રેન તો જવા દિધી. પછી મોડુ થઈ જશે એમ લાગતા ચોથી લોકલ ટ્રેનમાં દિકરીને લઇને જેમ-તેમ ઘુસ્યો. ગયા વર્ષ પણ હું જ લઈ ગયો હતો તેથી મણિભવન ક્યાં છે એ શોધવાની ફિકર નહોતી.

મુંબઈમાં છેલ્લા 13 વર્ષથી રહું છું પરંતુ સાચુ કહું તો મણિભવન ક્યાં આવ્યું છે? શું છે? એની આ પહેલા કંઈ ખબર નહોતી. ઘણાં વર્ષોથી ચિત્રલેખા નાટ્યસ્પર્ધાના નાટકો જોવા માટે અચૂક જાઉં છું. નાટક જોવાનો શોખ ઉપરાંત સુરતના મારા નાટકના મિત્રો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હોય એટલે એમને મળીએ તો જલસો થઈ જાય. આ નાટકો જોવા માટે ગ્રાન્ટ રોડ સ્ટેશને ઉતરીને ભવન્સ થિયેટર તરફ જવા માટે ચાલતો-ચાલતો જાઉં ત્યારે રસ્તામાં એક સ્થળ આવતું. ત્યાં હંમેશા વિદેશી પર્યટકોની ભીડ રેહતી હોય છે. મોંધી બસો કે કારમાંથી ઉતરીને આ લોકોને એક ગલીમાં જતા જોતો. દર વખતે એ જ સ્થળે આ વિદેશી પર્યટકોને જોતો તો નવાઈ લાગતી. એક વર્ષે તો હિંમત કરીને એમની પાછળ-પાછળ ગયો. ત્યારે એ લોકોને એક ઘરમાં જતા જોયા હતા. એ કોઈ હોટેલ હશે એમ માનીને પાછો આવી ગયો હતો. ગયા વર્ષે પહેલી વખત મારી દિકરીને મણિભવનમાં લઈ જવાનું હતું ત્યારે ફરી પાછો વિદેશી પ્રવાસીઓ જ્યાં જતા હતા એને હોટેલ સમજી બેઠો હતો પરંતુ એ જ મણિભવન હતું. એની મને ખબર પડી હતી. મુંબઈમાં પોતાના મિત્ર અને યજમાન રેવાશંકર ઝવેરીના આ ઘરમાં ગાંધીજી (1917થી 1934) 17 વર્ષ સુધી રોકાતા હતા. આઝાદી બાદ આ ઘરને નેશનલ મ્યુઝિયમમાં પરિવતીર્ત કરવામાં આવ્યું હતું. વિદેશી પ્રવાસીઓ ગાંઘીજી વિશે વધુ જાણવા માટે અહીં આવતા હતા અને એક ભારતીય તરીકે મને એના વિશે કોઈ જાણકારી જ નહોતી. ત્યારે એ વાતની ઘણી શરમ પણ આવી હતી. જો કે આ વર્ષે થોડી તૈયારી સાથે ગયો. તેથી ધ્યાનથી આ ઘરને જોયું થોડા ફોટાઓ પણ પાડ્યાં.

એક રૂમમાં સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા બાળકો અને એમની સાથે આવેલા વાલીઓ તેમજ શિક્ષકોને બેસાડવામાં આવ્યાં. સ્પર્ધા શરૂ થતાં જ મારા મગજમાં વિચારો પણ શરૂ થયા. સાચું કહું તો નાનો હતો ત્યારે ઘરનું વાતાવરણ ગાંધી વિચારોના વિરોધ કરનારું હતું. ગાંધીજીની હત્યા બાદ મુંબઈમાં મરાઠી બ્રાહ્મણોના ઘણાં ઘરો બાળી નાંખવામાં આવ્યા હતા. એ પૈકી એક ઘર અમારુ પણ હતું એવું મારી દાદી મને હંમેશા કેહતી રહેતી. કદાચ પુસ્તકોના વાંચનના મારા શોખને કારણે હું ગાંધીજી પ્રત્યેના પૂર્વગ્રહોમાંથી બચી શક્યો છું. ગાંધી વિચાર આજે પણ કેટલો અસરકારક છે એ 2011માં અણ્ણા હઝારેએ કરેલા લોકપાલ આંદોલન તેમજ દેશભરમાંથી એમને સાંપડેલા સમર્થનને જોયા બાદ અનુભવ્યું છે. અણ્ણા હજારેમાં કદાચ ગાંધીજી જેટલી સમજ નથી. તેથી એનો ફાયદો અન્ય લોકો ઉઠાવી ગયા. અણ્ણા હજારેનું આદોલન ભલે નિષ્ફળ રહ્યું હોય પરંતુ એમણે દેશભરના લોકોમાં મગજમાં ભ્રષ્ટાચારને લઇને કોન્ગ્રેસ વિરોધી જે વાતાવરણ ઉભું કર્યુ હતું. એનો લાભ 2014માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવામાં તો અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં મળ્યો છે એ વાતને કોઈ નકારી ન શકે.

મણિભવનમાં રૂમ નાનો હોવાથી એક પરેન્ટ્સ સાથે આવેલા નાના બાળકે રડા-રડ કરવાનું શરૂ કર્યુ પરિણામે એક નિર્ણાયકે એમને બાળકને લઇને બહાર જવાની વિનંતી કરી. સ્પર્ધામાં ભાગ લેવા આવનારા ઘણાં બાળકો રજૂઆત તો સારી કરતા પણ તેઓ ગાંધીજીને બદલે ભુલથી એમના સેક્રેટરી મહાદેવ દેસાઈએ ગાંધીજી વિશે લખેલી વાતો કરતા હતા. જો કે એમાં વાંક બાળકોનો નહીં પરંતુ એમના પેરેન્ટસ તેમજ શિક્ષકોનો હતો. જેમણે સ્પર્ધાના નિયમો સરખી રીતે વાંચ્યા જ નહોતા. મારી મમ્મીની પિયરની અટક (સરનેમ) ગોડકે હતી ગોડસે નહીં નાના હતા ત્યારે ઘણી વખત અમે મામાને મજાકમાં ગોડસે પણ કેહતા. બાદમાં અમને આની ગંભીરતા સમજાઈ હતી. થોડા વર્ષો પહેલા મી નાથુરામ ગોડસે બોલતોય એવુ મરાઠી નાટક આવ્યું હતું. ગાંધીજીના હત્યારાની વાતો કરતા આ નાટક પર એ વખતે દેશભરમાં પ્રદર્શિત કરવા સામે પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. એ સમયે હું હૈદરાબાદમાં સ્થીત એક ટીવી ચેનલમાં કામ કરતો હતો. ત્યાંના મહારાષ્ટ્ર મંડળે આ નાટક પર મુકાયેલા પ્રતિબંધના વિરોધમાં એની વિડિયો કેસેટને મોટા સ્ક્રીન પર બતાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. હું પણ ઉત્સુકતાવશ એ જોવા માટે ગયો હતો. આ નાટકનો હિરો નાથુરામ ગોડસે પોતે શા માટે ગાંધી વધ કર્યો એનો ખુલાસો કરતો હતો. જો કે આ ખુલાસા બાદ ગાંધીજી વિશેનું માન વધી ગયું હતું. મજબુરી કા નામ મહાત્મા ગાંધી આ કેહવતનો ખરો અર્થ પણ આ નાટક જોયા બાદ જ સમજાયો હતો.  

અંદાજે એક કલાક બાદ મારી દિકરોનો વારો પણ આવ્યો. એણે ગાંધીજીએ પોતાના હરિજન ન્યુઝ પેપરમાં બ્રેડ લેબર વિશે વાત કરી હતી. એમાંથી એક પેરેગ્રાફ વાંચ્યો. જેમાં ગાંધીજીએ જીવનમાં શ્રમનું મહત્વ સમજાવતા દરેક વ્યક્તિ પોતાનો રોટલો પોતે જ ઉગાડે અને ખાય એવી વાતો કરી હતી. ગાંધીજીની આ વાત પ્રેક્ટિકલી કેવી રીતે શક્ય બને એ વિશે ચોક્કસ મતભેદ છે. પરંતુ આની પાછળ દેશના ગામડાઓના ઉદ્ધાર વિશેની એમની ભાવનાઓ સામે કોઈ શંકા નથી. મારે પણ મારા પરિવારને રોટલા ખવડાવવા માટે ઓફિસ જવાનું હતું. તેથી અમે પણ ઝડપથી મણિભવનમાંથી બહાર નીકળી ગ્રાન્ટ રોડ સ્ટેશનની દિશામાં પગ માંડ્યા.         

Friday 16 March 2018

Misal Mohotsav (Food Festival)

        મિસળ મહોત્સવની મુલાકાતે

       છેલ્લાં 13 વર્ષથી મુંબઈમાં રહ્યું છું. પણ ક્યારેય મુંબઈગરાઓના ફેવરીટ વડા-પાંવ વધુ ગમ્યાં નથી. પરંતુ જો વિકલ્પ હોય તો મિસળ-પાંવ જરૂર ગમે. મિસળ એટલે બધું મિશ્રણ, વટાણા, મગ સહિત વિવિધ કઠોળનો રસ્સો , એમાં ઉપરથી ફરસાણ નાંખવાનું અને પાંવ સાથે ખાવાનો. (મેં કયારેય જાતે બનાવ્યો નથી તેથી આને રેસીપી સમજવાની ભુલ પોતાના જોખમે કરવી.) ગઈ કાલથી અમારા દહીંસરમાં શરૂ થયેલા મિસળ મહોત્સવની મે પરિવાર સાથે મુલાકાત લીધી હતી.જે હજુ રવિવાર સુધી ચાલવાનો છે. આ સમગ્ર મહારાષ્ટ્રમાં મળતી એક ફાસ્ટફુડ આઇટમ છે. પરંતુ વિવિધ વિસ્તારો પ્રમાણે એમાં સુધારો વધારો થાય એવું જ કંઈ મિસળ સાથે પણ થાય છે.


      અહીં કોલ્હાપુરી મિસળ વેચતા રેખા જાધવ નામના બેનને મે એમની મિસળની ખાસીયત પૂછી તો એમણે કહ્યું કે સામાન્ય રીતે લાલ મરચું અને ગરમ મસાલો હોય છે. પરંતુ અમારી કોલ્હાપુરી મિસળમાં લીલો મસાલો નાંખીએ છીએ. ઘરે પણ આ રીતે બનાવતી હતી. પછી સ્ટોલ કર્યો આજે વિવિધ ચાર જગ્યાએ મારા સ્ટોલ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રચાર થાય એટલા માટે મહોત્સ્વમાં ભાગ લઇએ છીએ. નાસિકવાળા મિસળની સાથે પાપડ આપતા હતા, તો સાતારા વાળા બુંદી, મે અલગ-અલગ વિસ્તારની ત્રણ મિસળ ખાધી. છોકરાઓએ ખાલી પાઉને મિસળ સાથે અમને ખુશ કરવા અડાડ્યો. છોકરાઓને મેગી અને પાસ્તા સિવાય ફાવે જ નહીં શું કરુ એમના માટે આળુવડી (પાતરાં) અને કોથીમ્બીર વડી  (ગુજરાતી નામ ખબર નથી પરંતુ  છોકરાઓને ભાવી હતી) લાવ્યો.બધી જ મિસળ ભારે તીખી તો હતી.


    મિસળ મહોત્સવની સાથો-સાથ સાંસ્કૃત્તીક કાર્યક્રમો પણ હતા. તલવારબાજી જોવાની છોકરાઓને મજા પડી ગઈ હતી.  આટલી મિસળ ખાધા બાદ પણ સાચુ કહું તો હજુ પણ સુરતના ખમણને મીસ કરુ છું. હૈદરાબાદ એક ટીવી ચેનલમાં કામ કરતો હતો ત્યારે સુરત ટ્રેનમાં પાછો આવું ત્યારે ક્યારે વાપી આવે અને ખમણ ખાઉં. એવી ભયાનક ઇચ્છા થતી. ગુજરાતમાં જો આવો કોઈ મહોત્સવ રાખવો હોય તો કોનો રાખવો, અમદાવાદીઓ કહેશે કહેશે ફાફડા મહોત્સવ, સૌરાષ્ટ્રવાસીઓ કેહશે ગાંઠીયા મહોત્સવ. તો વડોદરાનો ચેવડા મહોત્સવ,,,જવા દો આ બધા વાતો. હજુ બે દિવસ બાકી છે. થોડુ તીખું તમતમતું ખાવાનું ગમતું હોય તો આવી જાવ દહીંસર ઇસ્ટમાં ..

Friday 9 March 2018

પત્ની પિયર જાય ત્યારે
દિવાળીની રજા શરૂ થઈ ગઈ. ઘરની સફાઈ પણ થઈ ગઈ. ઘરમાં હાલ એકલો છું કારણ કે પત્ની દિકરીને લઇને પિયર ગઈ છે. પત્ની પિયર જાય ત્યારે કેટલું સારુ લાગે તે પરણેલી વ્યક્તિને કેહવાની જરૂર ન હોય. રાજાપાઠમાં આવી જઈએ. જે દિવસે જાય એ જ દિવસે રાત્રે મિત્રોને ઘરે બોલાવીને બિયર પાર્ટી થઈ જાય. હોટેલમાંથી જમવાનુ મંગાવી લઈએ. જો કે આ બધી મજા માત્ર બે દિવસ સુધી જ ચાલે. કારણ કે ત્રીજા દિવસે પેટ ખરાબ થઈ જાય. એટલે જખ મારીને ઘરે જમવાનું બનાવવું પડે.

મારી આ વ્યથા કથા લખવાનો વિચાર પણ મને ત્રીજા દિવસે જ આવ્યો. જ્યારે મે મારી જાતે રસોઈ બનાવવાનું શરૂ કર્યુ. મને એવું લાગ્યું ભલે બીજું લોકો કંઈ પણ કેહતા હોય. મોટા-મોટા ઉદાહરણો આપતા હોય પરંતુ મારા મતે ભારતીય મમ્મીઓ પોતાના દિકરાને પ્રેમ જ નથી કરતી. કારણ કે તેણે ક્યારેય એને જમવાનું કંઈ રીતે બનાવવું એ શીખવાડ્યું જ નથી હોતું. મારી જ વાત કરું તો લગ્ન પહેલાં મને માત્ર ‘ચા’ બનાવતા આવડતી. એ કોણે શિખવાડી એ પણ યાદ નથી. પરંતુ એની તલપ એવી હતી કે ગમે ત્યાં હોઈએ એના વગર ન ચાલે. તેથી બનાવતા આવડી ગઈ.

લગ્ન બાદ માત્ર ખિચડી બનાવતા શીખ્યો હતો. એ પણ મારી પત્ની પાસે નહીં પણ મારા એક મિત્રએ શિખવાડી હતી.પછી મને તો જાણે પત્ની પિયર જાય ત્યારે બધી સમસ્યાનો રામબાણ ઇલાજ મળી ગયો હોય એવું લાગ્યું હતું. કેટલાંય વર્ષો સુધી મે બઘું શાક કાપીને એને કુકરમાં નાંખીને બનાવેલી ખિચડી જ ખાધા કરી છે. દોઢ વર્ષ પહેલાં ડાયાબીટીશ થયો. ત્યારબાદ કોલસ્ટ્રોલ પણ એની પાછળ-પાછળ આવ્યો. ડોક્ટરે ઘણી બધી વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દિધો. એમાં ખિચડી પણ હતી. કારણ કે ભાત નહીં ખાવાનો. એના વિકલ્પ તરીકે ચોખા કરતા ત્રણ ગણા મોંઘા ઇન્ડોનિશયાના બ્રાઉન રાઇસ ઘરમાં લાવ્યો. જો કે ડોક્ટર તો એની પણ નાં જ પાડતા હતા. પરંતુ ભાત સિવાય ચાલે એમ નહોતું. પરંતુ બ્રાઉન રાઇસ સરખી રીતે ક્યારેય ચઢતા જ નહોતા. હજુ પણ ડબ્બામાં પાંચ કિલો બ્રાઉન રાઇસ એમ જ પડ્યાં છે.

આ વખતે તો હદ થઈ ગઈ. કારણ કે પત્ની પિયર જતા પહેલા ત્રણ અલગ-અલગ પ્રકારના શાક કુકરમાં કેવી રીતે બનાવવા તેની રેસીપી લખાવીને ગઈ. એટલું જ નહીં ડી માર્ટ મોલમાંથી મારા માટે એક નવો પ્રેસ્ટીજ કુકર પણ લઈ આવી. એની જાહેરાતમાં આવે છે ને ‘ જો બીવી સે સચમુચ કરતા હૈ પ્યાર વો પ્રેસ્ટીજ સે કેસૈ કરે ઇન્કાર’ પણ અહીં તો મામલો સાવ ઉલ્ટો. પત્ની પતિ માટે ખરીદીને લાવી હતી. જાણે મારી દિવાળી ગીફ્ટ. જો કે હું જાણું છું આમાં કંઈ પ્રેમ નહોતો. ઘરમાં બે જૂના કુકરો હતાં જ. પરંતુ એમની સીટીઓ થોડી અવળચંડી. એને જરા પંપાળવી પડે, હલાવવી પડે ત્યારે જ વાગે. ભુતકાળમાં એવું થયું હતું કે ખિચડી બનાવતી વખતે હું રસોડામાંથી બહાર આવીને પેપર વાંચવામાં તલ્લીન થઈ જતો. સીટીને પંપાળવાનું ભુલી જતો. જેથી બે-ત્રણ વખત ખિચડીની સાથે કુકર પણ બળી ગયો હતો. પત્નીને મારા આ પરાક્રમની ખબર ન પડે એની પુરતી તકેદારી પણ મેં લીધી હતી. જો કે પેલી સીઆઇડી સિરીયલની જેમ ‘ ખુની કોઈ ન કોઈ સુરાગ પીછે છોડ હી જાતા હૈ’ કંઈક એવી જ હાલત થઈ હતી. જ્યારે મારા ઘરની કામવાળી બાઈએ પત્નીને ફરિયાદ કરી હતી કે ભાઈ સાબ કુકર જલા દેતે હે, મેં કિતના ભી ઘીસતી હું નહીં નીકળતા’ આમ કામવાળી બાઈ ભાગી ન જાય અથવા તો મારા પરાક્રમની વાતો સોસાયટી જાણી ન જાય તે માટે જ આ કુકરની ખરીદી થઈ છે. એવું મારુ માનવું છે. મે રેસીપીમાં લખેલી સૂચનાનું પાલન કરતા મગનું શાક બનાવ્યું હતું. કાંદો અડધો જ અને તે પણ ફ્રિજમાંથી માંડ મળ્યો. કોથમીર લેવા માટે નીચે જવાનો કંટાળો આવ્યો હતો. સીટી પણ ગણીને ત્રણ જ વગાડી હતી. રોટલીઓ હોટેલમાંથી જ મંગાવી હતી. ઓફિસમાં મારાં શાકને જમવા બેઠા ત્યારે મારો આગ્રહ છતાં કોઈએ ટેસ્ટ કરવાની હિંમત કરી નહોતી. મારે હજૂ યાદી પ્રમાણે બે શાક બનાવવાના બાકી છે. તેથી અહીં જ સમાપ્ત કરુ છું. સૌને દિવાળીની શુભેચ્છા...