Wednesday 8 February 2017

In Search Of Vulture (ગીધની શોધમાં)



                  થોડા દિવસ પહેલા ગુજરાત સમાચારની રવિવારની પુર્તીમાં ગીધની સંખ્યા દેશમાં ઘટી રહી હોવાની ચિંતા વ્યકત કરતો લેખ વાંચ્યો. તે વાંચીને મને મારા જૂના દિવસોની યાદ તાજી થઈ ગઈ. આવી  ચિંતા મને પણ થતી હતી. પણ કારણ તેની પાછળ કંઈ જુદુ હતું. વાત એમ હતી કે આજથી નવેક વર્ષ પહેલા મને અને મારા એક મિત્રને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો શોખ જાગ્યો હતો.ત્યારે એક ઇંગ્લિશ ન્યૂઝ ચેનલમાં સાથે  કામ કરતા હતા. ઇંગ્લિશ સરખું નહોતું આવડતું તેમ છતાં ઇંગ્લિશ ચેનલમાં ઘુસી ગયો હતો.તેથી ગાળો પણ બહુ ખાતો હતો. કંઈક નવું કરવાનો સુલેમાની કીડો પણ હતો. વળી તે સમય શોખ પોષાય તેમ પણ હતો. જો કે કીડો તો હજુ પણ નથી મર્યો.

        ડોક્યુમેન્ટરીના વિષય પર પાછા વળીએ તો સારા એવો ખર્ચો કરીને સાઉથ ગુજરાતના કુકણા આદિવાસીઓની કાષ્ઠ કળા પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. બાદમાં ખબર પડી કે આપણા દેશમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘વહેચાય’ પણ ‘વેચી’ ન શકાય. મારી સાથે કામ કરતા મારા સહકર્મચારીની મહત્વાકાંક્ષા તો ઘણી ઊંચી હતી. તેની ઇચ્છા ભવિષ્યમાં પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કરવાની હતી. જ્યારે તેની સરખામણીમાં હું તો ઇંગ્લિશ ચેનલમાં રો મળતી ઢગલાબંધગાળોમાંથી છૂટકારો ઇચ્છતો હતો. કંઈક નામ થાય અને બીજી સારી જગ્યાએ નોકરી મળે એવો નાનકડો સ્વાર્થ હતો. તેથી  કેમેરા કે પ્રોડકશનમાં વધુ ગતાગમ ન પડતી હોવા છતાં ફિલ્મના ડિરેક્ટરમાં મારુ નામ પણ રાખજે એવી શરત સાથે તમામ ખર્ચાઓમાં પચાસ ટકાનો પાર્ટનર બન્યો હતો.

        આદિવાસીઓ પર બનાવેલી ડોક્યુમેન્ટરીને ભારે ઉત્સાહપૂર્વક દેશ તથા વિદેશના તમામ ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલમાં મોકલી છતાં કોઈ  પ્રતિસાદ નહોતો. તે વખતે સુરતના મારા એક મિત્રએ ત્યાંની એક સંસ્થા દ્વારા ગીધ એટલે કે વલ્ચરને બચાવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી. વળી એમની ઇચ્છા પણ આ સબ્જેક્ટ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની હતી. અમને તો જાણે અમારી પ્રોડકશન કંપનીને પહેલો કોન્ટ્રક્ટ મળ્યો હોય એવો આનંદ થયો.ન્યૂઝ ચેનલમાં કામ કરતા અમારા તમામ મિત્રોને ત્યાં રજાની કેવી સમસ્યા હોય તે કહેવાની જરૂર નથી. પરંતુ બીજા લોકોને થોડી માહિતી આપું તો દરરોજના કામના કલાકો ઓછામાં ઓછા 10. શુક્રવારે સાંજે ખબર પડે કે વીકલી ઓફ શનિવારે મળશે કે રવિવારે. ચેનલ છોડયાને  વર્ષ વીતી ગયા છતાં આજે પણ તે ચેનલનો કાર્યક્રમ જોવું છું તો ડરના માર્યા શરીરના વાળ ઉભા થઈ જાય છે.
        બન્યું કંઈક એવું કે રવિવારે મારા પેલા ઘંઘાની કોઠાસુઝ ધરાવતા મિત્રને રજા ન મળી. મારા બાપદાદાએ કોઈ દિવસ ધંધો નહોતો કર્યો. મને માત્ર હું સારુ લખી શકું કે બોલી શકુ એવો ભ્રમ. જે હજૂ પણ છે. પણ અહિં તો ડોક્યુમેન્ટરીના પ્રોડ્યુસર તરીકે અસરકારક રજૂઆત કરવાની હતી. મારા મિત્રએ મને હાથમાં રાખીને શૂટ કરી શકાય એવા નાનકડા કેમેરો (હેન્ડીકેમ) કઈ રીતે ઓપરેટ કરવો તે થોડું ઘણું શીખવાડ્યું. વહેલી સવારે હું સુરત પહોચ્યો ત્યારે મને એનજીઓમાં કામ કરતા એક ભાઈ નજીકના ગામમાં લઈ ગયા. જ્યાં એક ગાય મરી ગઈ હતી. જેને એક છકડામાં નાંખીને વલ્ચર ફિડીંગ સાઇટ પર લઇ ગયા. જ્યાં મરેલી ગાયને કાપી તેના ચામડાને છકડામાં નાંખી દિધું. ગીધના ટોળાઓ પણ ત્યાં  હતા. મે મારા કેમેરાથી થોડું ઘણું મને સુઝ્યું તે રીતે શુટીંગ કર્યુ. સાંજે એનજીઓના હોદ્દેદારો સાથે ફિલ્મના ખર્ચાને લઇને વાત થઈ. ત્યારે બહુ મોટો ધડાકો થયો. એનજીઓવાળાને એમ હતું કે અમે એમને મફતમાં ફિલ્મ બનાવી આપીશું. છેવટે કોઈ સ્પોન્સરને શોધીએ એવી વાતો થઈ અને હું ત્યાંથી પરત ફર્યો.

        મુંબઈના મારા બિઝનેશ માઇન્ડેડ મિત્રને રૂપિયા ન મળવાના હોવાના કારણે પ્રોજેક્ટમાં કોઈ રસ રહ્યો નહોતો. જો કે એનજીઓવાળા અમે સ્પોન્સર શોધી રહ્યા છીએ. જેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મનો ખર્ચ આપશે એવી ખાતરી આપી રહ્યા હતા. પહેલા તો અમે ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફીક ચેનલ જેવું શુટીંગ કરવાની તૈયારી બતાવી અને એવું  બજેટ પણ આપ્યું હતું. બાદમાં કેટલું સસ્તામાં થઈ શકે એવી તૈયારીઓ શરૂ કરી દિધી. મારા મિત્રને મે શુટ કરેલુ શુટીંગ બહુ ન ગમ્યુ. તેણે મને ગીધની વિવિધ ફ્લાઇટ શૂટ કેમ ન કરી એવું કહ્યું. મને પણ તેની વાત સાચી લાગી. દરમ્યાન બીજા  અઠવાડીયે અમને સાથે રજા મળતા અમે બંને ફરી સુરત આવવા નીકળ્યા. આ વખતે વહેલી સવારે સૂર્યોદય થાય તે પહેલાં સીધા  વલ્ચર ફીડીંગ સાઇટ પર પહોચી ગયા. એનજીઓ વાળાઓએ મોડી સાંજે  મરેલા ઢોરને ફીડીંગ સાઇટ પર નાંખ્યા હોવાની માહીતી આપી હતી. તેથી તેને ખાવા માટે સવારે ગીધો આવશે  એવુ પણ કહ્યું. અમે ફીડીંગ સાઇડની પાસે આવેલા એક વિદેશી બાવળની ઝાડીઓ પાછળ સંતાઈને ઉભા હતા. સૂર્યોદય થતાની સાથે  અમે ખુશ હતા. કારણ કે આકાશમાં અનેક ગીધો ચક્કર મારતા દેખાતા હતા. મારો મિત્ર પણ ગીધની વિવિધ ફ્લાઇટને શૂટ કરવા માટે તૈયાર હતો. ખાસ્સો સમય વીતી ગયો એક પણ ગીધ નીચે ન આવ્યું. અમને કંઇ સમજાતુ નહોતું. ગીધોને અમારી મજાક કરવાનું સુઝ્યું હશે કે પછી મીડિયા પબ્લીસીટી ગમતી નહિ હોય. જેમ-જેમ સૂરજનો તડકો વધતો હતો. તેમ-તેમ મરેલા ઢોરની ભયાનક દુર્ગંધ આવતી હતી. ગીધો તો નહિ પણ કાગડાઓ જરૂર આવ્યાં. પણ કાગડાઓનું અમે શું કરીએ ? આ કંઈ શ્રાદ્ધની ખીર નહોતી કે કાગડાઓ આવી જતા અમે પિતૃઓ સ્વર્ગના જે ડિપાર્ટમેન્ટમાં પહોંચવાના હશે ત્યાં પહોંચી ગયા હશે એમ માનીને ખુશ થઈએ. ગીધડાઓના ટોળાઓ સાંજ થવા આવી તેમ છતા ન આવ્યાં. અમે નિરાશ થઇને મુંબઈ પાછા ફર્યા.

        સુરતની એનજીઓને પણ કોઈ સ્પોન્સર ન મળયોદુધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે એમ અમે સ્વ ખર્ચે એક ડોક્યુમેન્ટરી બનાવીને સમજી ગયા હતા. તેથી બીજી વખત મુર્ખ બનીએ એવા નહોતા. ખબર નહિ પણ ઇંગ્લિશ ન્યુઝ ચેનલમાંથી નોકરી છોડવાની મારી ઇચ્છા બહુ  તીવ્ર હતી. જેને કારણે મે પેલા હેન્ડીકેમથી કરેલુ શુટીંગ, થોડાક એનજીઓએ આપેલા ફોટોગ્રાફ્સ અને વીડીયો ફુટેજને ભેગુ કરીને કંઇક સાત મિનિટની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જેવું બનાવ્યું. મારા માટે નવાઇની વાત તો એ હતી કે મે બંન્ને ડોક્યુમેન્ટરીને યુ ટયુબ પર અપલોડ કરી હતી. પણ આદીવાસીના માસ્ક કરતા મારી વલ્ચર ફીડીંગ સાઇટ ડોક્યુમેન્ટરીને વિદેશમાં વધુ લોકોએ પસંદ કરી હતી. આપણા દેશમાં ડોક્યુમેન્ટરી જોનારાઓ કે તેને સમજનારાઓ બહુ ઓછા છે તે પણ મને મારા અનુભવે શીખવાડ્યું. એ દિવસે ગીધ કેમ ન આવ્યા મારા એ સવાલનો જવાબ મને છકડાવાળાએ આપ્યો. તે કહે ગીધ તો હું છકડો લઇને નીકળું ત્યારથી  મારો પીછો કરતા હોય છે. કોઈ નવી વ્યકિત આસપાસ હોય તો તેઓ નથી આવતા. અમે ભલે બાવળની ઝાડીઓમાં છૂપાયા હોઇએ પણ ગીધો તો અમને ઉપરથી જોતા  હતા. એવુ મને છકડાવાળીની વાત પરથી સમજાયું.

        હજૂ થોડા દિવસ પહેલાં  મારા બિઝનેશ માઇન્ડેડ મિત્રના ઘરે એક શોર્ટ ફિલ્મ મેકર આવ્યા હતા. તેઓ કંઈક નવો સબ્જેક્ટ શોધતા હતા. એમને પણ ગીધની આ ફિલ્મ ગમી ગઈ. મને કહે કે લંડનની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનારી સંસ્થાને મોકલીએ. તેઓ પર્યાવરણ સાથે સંકળાયેલા આ વિષય માટે ચોક્કસ ફંડીંગ કરશે. તેમની વાત સાંભળીને મારા મનમાં પણ લાલચ થઈ આવી. જો કે એક શંકા હતી  કારણ કે આઠ વર્ષ પહેલા  તે જંગલની જમીનની આસપાસ બાંધકામની પ્રવૃત્તિઓ થઈ રહી હતી. મે સુરતના એનજીઓવાળા ભાઈનો નંબર શોધી તેને ફોન કર્યો તો જાણવા મળ્યું કે બે વર્ષ પહેલા  વલ્ચર ફીડીંગ સાઇટ પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાં એક નાનકડો બાગ બનાવવામાં આવ્યો હતો. તેમ આસપાસની જમીન પર ગેરકાયદેસર કબજો થઈ ગયો છે. આઠ વર્ષ પહેલા બનાવેલી એ ડોક્યુમેન્ટરીમાં એક જગ્યાએ જણાવવામાં આવ્યું હતું કે આપણા દેશમાં વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં દૂધાળા પ્રાણીઓ છે. તેમ છતાં પણદેશભરમાંથી 98 ટકા ગીધોની વસ્તી નાશ પામી છે. ખબર નહિ હવે કેટલા ટકા ગીધો બાકી રહ્યા હશે ?