Thursday 21 June 2012



માઝયા મુલીલા મરાઠી નાહીં યેત

 સામાન્ય રીતે સૌ કોઇ આપણે બધાં વાલીઓ પોતોનો દિકરો કે દિકરી અંગ્રેજીમાં બોલે તો હરખ પદુડા થઇએ. હું પણ એમાં કોઇ અપવાદ તો નથી જ. પરંતુ ઈંગ્લિશ સ્પીકીંગનાં ચારપાંચ અલગઅલગ કલાસ કર્યા ઈંગ્લીશ ન્યુઝ ચેનલમાં પાંચ વર્ષ નોકરી પણ કરી તેમ છતા ન આવડયું. છેવટે હાર કબુલી લીધી. મને લાગ્યું સાલું આ આપણું કામ નથી. જો કે હજુ પણ કોઇ ઈંગ્લિશ સ્પીંકીંગનું પાટીયું જોઇ ફરી પાછુ જોડાવાનું મન થઇ જાય. પણ ઘરે બઇરી વઢશે કે શા માટે રૂપિયા વેડફો છો એ ડરે પગ પાછાં ખેંચી લઉં છું.
 હું જ્યારે ઈંગ્લિશ ન્યુઝ ચેનલમાં કામ કરતો ત્યારે મને એવી જગ્યાએ બેસાડવામાં આવ્યો હતો. કે બોસ કેબિનમાંથી બહાર આવે ને સીધો મારા ઉપર ત્રાટકે. હું કોમ્યુટરની અંદર કોઇ જગ્યાએ સંતાઇ જવાનો હોઉં તેમ કંઇક જોરદાર કામ કરતો હોય તેવો દેખાવ કરૂ. ત્યાં કામ કરનારને કેવી રીતે કહું કે આ તો સાલું મારા માટે કાલા અક્ષર ભેંસ બરાબર જેવો ઘાટ છે. પરંતુ જ્યારે મારી છોકરીને મરાઠી શિખવવાની વાત આવી તો મને એમ કે આમાં તો હું સફળ થઇ જઇશ.
 મુંબઇમાં મને સાત વર્ષ થયાં. મારી અટક વળી ‘દેશપાંડે’ એટલે બધાને એમ કે મરાઠી હશે. હું જ્યાં રહુ તે દહિંસર સમગ્ર ગુજરાતી વિસ્તાર. મારી આજુબાજુનાં ફલેટવાળા મારી અટક વાંચી મારી સાથે હિન્દીમાં જ બોલે. પણ એક વખત તો હદ થઇ ગઇ. બિલ્ડીંગમાં કોઇકે માછલી ખાઇને તેનાં છોતલાં નીચે નાંખ્યા હતાં. અમે બધાં જ્યારે રાત્રે જમવાં બેઠાં હતા. ત્યારે સોસાયટીનાં એક આગળ પડતાં આગેવાન અમારા ઘરે પધારી પેલું માછલીનાં છોતલાંની થેલી બતાવી કહેવાં લાગ્યાં ‘યે માછલીકાં છોતલાં નીચે કાંઇકું ડાલા’. મારી મમ્મીથી આ સહન ન થયું તેમણે પેલાં ભાઇને અમે મરાઠીનાં કંઇ વિશિષ્ટ જ્ઞાતિ પેટાજ્ઞાતિનાં બ્રાહ્મણ છીએ તે સમજાવતા પેલાં ભાઇ થોડા દુઃખ સાથે પાછા ફર્યા. પરંતુ જતાં પહેલાં અમારાં ભાણાંમાં માછલી તો નથી પીરસાઇને તે ડોકું ઉંચું કરીને જોતા હતા. તેમનું આવું વર્તન જોઈ મને બહુ અજબ લાગતુ હતું.
         તો પણ મને મારી છોકરીને મરાઠી શિખવવાની ચળ કેમ ઉપડી તે સમજાતું હોતું. મને એમ કે અમે ઘરમાં મમ્મીપપ્પા સાથે જે ભાંગ્યું તૂંટયું મરાઠી બોલીએ છીએ તેવું મારી દિકરી પણ બોલે. પણ અફસોસ મારી મમ્મી કોઇ પણ રીતે મારી વાત માનવા તૈયાર જ ન થાય. તેને પણ મરાઠીમાં બહુ ફાવટ નહોતી જ. આમ તો એને મુંબઇમાં જ ફાવટ ન્હોતી આવતી. મારી છોકરીને મરાઠી શિખવાડવા પાછળની મારી હઠનું કારણ એ જ હતું કે મુંબઇમાં રહેતા લોકોને ગુજરાતી,મરાઠી, હિન્દી તથા અંગ્રેજી આ ચાર ભાષા તો આવડી જ જતી. પણ જો મારી મમ્મી સપોર્ટ નહીં કરે તો મારી દિકરીને મરાઠી નહીં જ આવડે. દાદીને બદલે આજી બોલતી એટલું જ એનું મરાઠીપણું હતું. વળી મારા આ મરાઠી પ્રેમ પાછળ મારો મુંબઈનો એક મિત્ર શરદ શેટ્ટી પણ એટલો જ જવાબદાર, મરાઠી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા કાનડી તમામ ભાષો બોલી લેતો. જો કે તે ઘણું વધારે જ બોલતો. એને ચૂપ કેમ રાખવો તે પણ એક સવાલ હતો. મને ઘણી વાર થતું કે હું શા માટે ભાષા આવડે તેવા હઠાગ્રહ પર ઉતરી આવ્યો છે. દેશપાંડે હોવા છતા મારી છોકરીને નહીં આવડે તો કંઇ નહીં. કારણ કે મારા ગુજરાતી પત્રકારત્ત્વનાં વર્ષો દરમ્યાન મને મુંબઇમાં ઘણી વાર એવા લોકો ભટકાય છે. જેઓ ગર્વથી કહે છે કે મારા સન કે ડૉટરને ગુજરાતી બોલવાનું નથી ફાવતું. તેમ કદાચ હું પણ બોલીશ માઝી મુલગી લા મરાઠી નાહીં જમત.
                 સવારે ઉઠયા બાદ મને રોજનાં બે કલાંક મળતા. તેથી જ્યારેજ્યારે મારી ઉપર આ મરાઠી શિખવવાનું ભૂત ઉપડતું તેટલો સમય હું મારી છોકરી જોડે મરાઠી બોલતો. મારી દયા ખાતા હોય તેમ મારા પપ્પા પણ મને સાથ આપતા. મારી છોકરી પણ મારી ભાષા સમજતી હોય તેમ રીસ્પોન્સ આપતી પણ હાં જવાબ તો ગુજરાતીમાં જ આપતી.