Friday 19 June 2020

અમી કોની? ત્રીજા શોની કેટલીક વાત

અમી કોની? ગયા રવિવારે (3 માર્ચ , 2019) મુંબઈની મીઠીબાઈ કોલેજના હોલમાં ભજવણી થઈ. ત્યારે ખરેખર સુખદ આંચકો લાગ્યો હતો. આમ તો આ એક કોમેડી નાટક હતું. જે મે મારી કોલેજ જીવન દરમ્યાન બનેલી એક ઘટના (દૂર્ધટના )ને આધારે લખ્યું હતું. સુરત એફએમ પર મારો રેડીયો પ્લે તો સારો વખણાયો હતો. પરંતુ અમદાવાદમાં પહેલી વખત આ નાટકને થિયેટરમાં રજૂ કર્યુ તો અમે જ લાઇટ અને સાઉન્ડમાં કરેલા છબરડાને કારણે જાત પર હસ્યાં હતા. મુંબઈમાં ભવન્સની અદી મર્ઝબાન સ્પર્ધામાં પણ દર્શકોને પત્રકાર રમેશને પટાવાળો થપ્પડ મારે છે અને હવાદદારના સિન વખતે જ હસું આવ્યું હતું.  
 
  તેથી જ વિલે પાર્લે વેસ્ટમાં આવેલી મીઠીબાઈ કોલેજના હોલમાં શરૂઆતની પાંચ મિનિટથી જ દર્શકોએ હસવાનું શરૂ કરતા સુખદ આંચકો લાગ્યો હતો. જે છેક સુધી ચાલ્યો. અમી (જ્યોતિ પલણ) નો પતિ શશિકાંત પંડ્યા (દીપક ધોત્રે) પોલીસ સ્ટેશનમાં કહે છે પોલીસને શું સમજવાના આ ડોયલોગ્સ પણ લોકો સમજી શક્યાં એ ગમ્યુ. પોલીસ ઇન્સપેક્ટ (રૂદ્ર પ્રજાપતિ), વકીલ (ઉત્સવ રૂધાણી) અને પત્રકારે (ધર્ય ઠક્કર) અમી સાથેના સીનમાં સારી જમાવટ કરી હતી. સાસુમાં (દિપ્તી દોશી )તો સેલિબ્રિટી બની ગયા. પાંડુદાદા હવાલદાર (ગજાનન કુલટે) કોણ એવું ત્યાં હાજર રહેલા સેલિબ્રિટીએ પૂછ્યું હતું.
અમારા ડિરેક્ટર અમિત સેદાનીના આગ્રહને માન આપીને આવેલા મેહુલ બુચે નાટક જોયા બાદ ખાસ સૂચનો પણ આપ્યા. ફરી એક વાર સુરેશ રાજડા સરનો આભાર,થેનક્યુ સાગર ગોર, રશ્મિન જોશી (સુંદર પોસ્ટર માટે), અલ્પેશ પરમાર (મ્યુઝિક એડીટીંગ) અને બોરીવલીના વીર સાવરકર ગાર્ડનના સંચાલકોનો પણ આભાર.આ વખતે ઘણાં મિત્રોની વિનંતીને કારણે નાટકની વિડીયો ક્લીપ પણ મુકી છે. ભાગ લેનાર કલાકારો
રૂદ્ર પ્રજાપતિ- પીએસઆઇ અસલમ શેખ
ઉત્સવ રુઘાણી - વકીલ વિરલ શાહ
ધૈર્ય ઠક્કર-પત્રકાર રમેશ પટેલ
જ્યોતિ પલણ - અમી પંડયા
દિપ્તી દોશી-સાસુ ભાનુબેન
દીપક ધોત્રે-અમીના પતિ શશીકાંત
ગજાનન કુલટે- પાંડુ હવાલદાર
વિરલ સેઠ-ચોર
ઉમેશ દેશપાંડ- ડો ઉપાધ્યાય
ખ્યાતિ સેદાણી-મમ્મી
નવ્યા દેશપાંડે-દીકરી

અમી કોની ? 3rd Show


આજે ફરી એક વાર અમી કોની નાટક મુંબઈમાં ભજવાઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે તેના લેખક હોવાને કારણે આનંદ તો છે જ.સુરેશ સરનો તો સૌથી પહેલા આભાર માનવો પડે. કારણ કે એમના શિબિરમાં હાજરી આપી તેથી જ આ ગ્રુપ બન્યું. બધાં જ કંઈક શિખી રહ્યાં છીએ. સપનાંઓ પુરા કરવાની દિશામાં ધીમાં-ધીમાં પણ મક્કમ પગલાઓ ભરી રહ્યાં છીએ.
આજે થનારો શો મુંબઈની વિલે પાર્લે વેસ્ટમાં આવેલી મીઠીબાઈ કોલેજના હોલમા થઈ રહ્યો છે. સંમય બપોરે 4.00 કલાક
Ami Konee?
Directed By
Amit Sedani
Time 4.00 Pm,
3rd March, 2019
Mithibai College,
Vile Parle West, Mumbai.

કવિતા કે જોડકણાં?

મારી પત્રકાર તરીકેની કરીઅરના શરૂઆત મે સુરતના ધબકાર નામના પેપરથી કરી. જેમાં મારુ કામ શહેરની વિવિધ સંસ્થાઓ ના સમાચારોને રી રાઇટ હતું. દરમ્યાન એક યુવક અમારી ઓફિસમાં આવીને એની કવિતાઓ અમારા પેપરમાં પબ્લિશ કરવા માટે આપી જતો. હું એની કવિતાઓ અમારા પેપરમાં કવિતાઓના લેખનું સંપાદન કરનારા સુરતના જાણીતા કવિ મનહરભાઈ ચોકસીને આપતો. પેલા યુવકની કવિતા ત્રણ-ચાર વખત આપવા છતાં ન છપાતા તેણે મને પૂછ્યું કે મારી કવિતા કેમ નથી છપાતી? મે જવાબ આપ્યો મનહરભાઈને પૂછજો. પછી તો મનહરભાઈ ક્યારે આવે છે એ જાણીને દસ એક જેટલાં મેગેઝીન લઇને એ અમારી ઓફિસમાં આવ્યો. મનહરભાઈએ એને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ કોલમમાં કવિતાઓ છપાય છે જોડકણાં નહીં. યુવક પણ ગાંજિયો જાય એવો નહોતો.આ જુઓ આટલી મેગેઝીનમાં મારી કવિતાઓ છપાઈ છે. એમ કહી પોતાની કવિતાઓ બતાવી. મનહરભાઈએ પૂછ્યું આ કયું મેગેઝીન છે? યુવકે કહ્યું અમારી જ્ઞાતિનું મેગેઝીન છે. સાંભળતાં જ મનહરભાઈએ કહ્યું ‘ભાઈ, જ્ઞાતિના મેગેઝીનમાં બઘું જ ચાલે. પણ ન્યૂઝપેપરમાં જોડકણાં નહી છપાય.’

આ વાત એટલા માટે યાદ આવી કારણ કે ઇંગ્લિશ મીડિયમના પાંચમા ધોરણમાં ભણતી મારી દીકરીએ મને કહ્યું કે એની પોએમ સ્કૂલની એપમાં મુકવામાં આવી છે અને એન્યુઅલ મેગેઝીનમાં પણ છપાશે. સ્કૂલમાં છ મહિના અગાઉ યોજાયેલી શીઘ્ર કવિતા સ્પર્ધામાં એણે આ કવિતા લખી હતી જેને પહેલું ઇનામ પણ મળ્યું હતું. કોને કવિતા કહેવાય અને કોને જોડકણાં એ બન્ને વચ્ચેનો ફરક હજી પણ મને સમઝાતો નથી,પરંતુ મારી દીકરીએ મને એની સ્કૂલમાં એક્સ્ટ્રા લર્નિંગમાં રાઇમિંગ સ્કીમ.. એ.બી. એ.બી. અને એ.બી.સી એ.બી.સી ટૂંકમાં શબ્દોના પ્રાસ કેવી રીતે બેસાડવાના એવું બધુ શિખવાડવામાં આવે છે એવું કહેતા ખરેખર એની સ્કૂલ વિશે માન ઊપજ્યું. કારણ કે કોલેજમાં પણ અમને આવું બધું ખબર પડતી નહોતી.
મે લખી હોય અને અમારી કોલેજના મેગેઝીનમાં છપાઈ હોય એવી પહેલી કવિતા પરિક્ષા પર હતી. ઇર્શાદ....
ઓ પરિક્ષા...

ઓ પરિક્ષા તું જ તો સૌનું દુખ છે,
બાકી પૂછો કોલેજમાં તો સુખ છે.
પેપર-1 ને પેપર-2 ની હૂંફ છે,
ભાસની વાસવદત્તાને મિલનનું સુખ છે.
શેક્સપિયરની આ ટ્રેજડી તો જુઓ કેવી ક્રુર છે,
બચ્ચનની ‘મધુશાળા’ તો હજી ઘણી દૂર છે
દેશની બરબાદીનો કેવો ભવ્ય આ ‘ઇતિહાસ’ છે,
મુજ ગરીબડાનું સમૃદ્ધ કેવું અર્થનું આ શાસ્ત્ર છે
અમારા આર્ટસના વિવિધ વિષયો પર કંઈ લખ્યું હતું. જોકે સુરેશ દલાલની કવિતા મેગેઝીનમાં છપાયેલી એમની એક કવિતાની જ આ પેરોડી હતી. કવિતાના પ્રાસ કે છંદની કોઈ સમજ નહોતી. મને બરાબર યાદ છે કે એક જ કેમ્પસમાં આવેલી અમારી એમટીબી કોલેજના બોર્ડ પર લગાડવામાં આવતી કવિતાઓ કરતા બાજુના પી.ટી. સાયન્સ કોલેજના બોર્ડ પર લગાડવામાં આવતી રચનાઓ વધુ સારી હતી. એટલે જ ડોક્ટરો અને એન્જિનયરો કદાચ સારા કવિઓ અને લેખકો છે.

પત્રકાર તરીકે ઘણા પુસ્તકો, મેગેઝીન અને પેપરો ઘરમાં લઇને આવતો હોવ છું. પત્ની ગમતું નથી. પરિણામે ઘરમાં મારા માટે એક બુક સેલ્ફ બનાવ્યો હતો. પહેલા તો મેગેઝીનો વાંચતા જ નથી એમ કહીને એને બંધ કરાવ્યા અને પછી મારા બુક સેલ્ફને મોડીફાય કરીને હવે એને કપ-રકાબી મૂકવાના શો-કેસમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. જવા દો એ બધી વાત. 13 વર્ષ પહેલા હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મસીટીમાં ચાલતી ઇટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કામ કરતો હતો. ત્યારે HRને કહીને કોલેજમાં હોય એવું ડિસપ્લે બોર્ડ ડેસ્ક પર મુકાવેલું. જેમાં બધા પોતાના કવિતાઓ અને ચિત્રો મુકતા. મને બરાબર યાદ છે. અમદાવાદનો ભાવેશ દવે કોઈ કવિતા લખે એટલે તુરંત એની પેરોડી કરતો. વળી અમારા નવોદિત કવિઓએ જે તખલ્લુસ પોતાના માટે વાપર્યુ હોય એની પણ નકલ મારતો. અમને બધાને મુળ કવિતા કરતા ભાવેશની પેરોડીમાં વધુ મજા આવતી. બાળ કવિઓ થોડા નારાજ રહેતા પણ એકંદરે પ્રયોગ સફળતાથી ચાલતો હતો. દરમ્યાન એક વખત અમે બધાં ડેસ્કના સભ્યો નાઇટ શિફ્ટ દરમ્યાન કેન્ટિનમાં ઈડલી ખાવા ગયા. દરમ્યાન એક એન્કર (ન્યુઝ રીડર) ડેસ્ક પર કોઈને ન જોતા એક સૂચના પેલા બોર્ડ પર લખી ગયો. હું XYZ રૂમ નંબર XYZમાં સુતો છું. મને જગાડી દેજો. અમે ઈડલી ખાઇને પરત ફર્યા ત્યારે અમારા પેનલ પ્રોડ્યુસર (ડિરેક્ટર) ઉત્પલ પટેલે મને ઉઠાડી દેજો. એ સૂચનાની નીચે લખ્યું તારા બાપના નોકર છીએ. વહેલી સવારે શો પત્યા બાદ ન્યૂઝ રીડરનું ધ્યાન બોર્ડ પર જતા એને બહુ લાગી આવ્યું. તેણે HRમાં ફરિયાદ કરી. કોણે આ લખ્યું? એવો સવાલ અમને બધાને પૂછવામાં આવ્યું. કોઈએ કોઈ નામ ન કહ્યું. પરિણામ એ આવ્યું કે અમારું એ ડિસ્પલે બોર્ડ હટાવી લેવામાં આવ્યું. અમારી એ કવિતાના પ્રયોગનો અકાળે અંત આવ્યો.
ઇટીવીમાં કામ કરતા મારા સહ કર્મચારી નિમેષ ખાખરીયાને દિવ્ય ભાસ્કરમાં નોકરી મળતા એણે રાજીનામું આપ્યું ત્યારે ઝવેરચંદ મેઘાણીએ મહાત્મા ગાંધીની ગોળમેજી પરિષદને લઇને લખેલી એક સુપ્રસિદ્ધ કવિતાની પેરોડી કરતા મે લખ્યું હતું.
છેલ્લી ત્રણ ઈડલી ખાઈ લો ખાખરીયા
છેલ્લી ત્રણ ઈડલી ખાઈ લો ખાખરીયા
ફરી આ સ્વાદ મળે ન મળે...
ભાવી જીવનમાં તમોને મળી ઘણી સફળતાઓ
શુભેચ્છાઓ અમારી, પણ રામોજી જેવા કષ્ટો મળે ન મળે...
અમદાવાદમાં તમને મળશે લોકો સેંકડો
પણ સદાય ગોળગોળ ફેરવતા અભિભાઈ મળે ન મળે...
ફરવું પડશે તમને કંઈ કેટલીક ઠેકાણે ,
પણ છછુંદરું ઉમેશ મળે ન મળે ...
પ્રેમ તો કરશો તમે ત્યાં કેટલાકને ,
પણ આ લઇ ધીસ કહેતી વૈજયંતી મળે ન મળે...
સમાચાર તો મેળવી લેશો તમે ક્યાંક ને ક્યાંકથી
પણ બીબીસી અને ઓલ ઇન્ડિયા રેડીયો જેવી રેખા-અપર્ણા મળે ન મળે...
માણસો ઘણા મળશે તમને અમદાવાદી,
પણ મતલબી-ખેપલી ચિરાગ મળે ન મળે
સપનાઓ તો તમે સજાવ્યા હશે ઘણાંય
પણ સપનામાંય ઉંઘતો ઉત્પલ મળે ન મળે...
કામ તો કરશો કશુંક,
પણ સતત કન્ટિન્યુ અલ્પેશ મળે ન મળે
સેટિંગ તો તમે ઘણાં કરશો
પરંતુ મારુ સેટિંગ ક્યારે? એવું કહેતો દિવ્યેશ મળે ન મળે
કવિતા તો તમે ઘણી વાંચી હશે
પરંતુ કવિતામાં રંગીન રાજુભાઈ મળે ન મળે
છાપાં તો તમે બદલશો ઘણાંય
પણ ચેનલ બદલતી હરિતા મળે ન મળે
ફિલ્મો તો તમે જોશો ઘણીય
પણ જીવનમાં ફિલ્મી ઉદાહરણો ટાંકતા વિજયભાઈ મળે ન મળે
મફતમાં ચાહ પિશો તમે કંઈ કેટલાયની
પણ સૌને ચાહ પિવડાવતી હિતૈશી મળે ન મળે
છેતરશો તમે કંઈ કેટલાયને
પણ મીંઢો અભૂતપૂર્વ અપૂર્વ મળે ન મળે
છાપાને એડવટાઇઝ તમે અપાવશો ઘણી
પણ ચણિયા-ચોળી અપાવતો હસિત મળે ન મળે
નોંધ - હાલ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કરતો પત્રકાર નિમેશ ખાખરિયા જ્યારે હૈદરાબાદની ઇટીવી ગુજરાતી ન્યુઝ ચેનલની નોકરી છોડીને અમદાવાદના દિવ્ય ભાસ્કરમાં ગયો ત્યારે સ્ફુરેલી આ કવિતા

સુડોકુની રામાયણ

રવિવારે બધાને રજા હોય પણ અમારે તો નોકરીએ જવાનું હોય. રોજના પ્રમાણમાં લોકલ ટ્રેનમાં ભીડ પણ ઓછી હોય. તેથી શાંતીથી બેઠો હતો. મારી બાજુમાં એક સિનિયર સિટિઝન કાકા પણ ઝબકી ખાઈ રહ્યાં હતા. એમના હાથમાં મિડ-ડે પેપર ઘડી વાળેલું હતું.મારુ સ્ટેશન આવવાને 10 મિનિટ જ બાકી હતી. મે મારી ઉંઘ ખેંચી લીધી હતી. દરમ્યાન એક ભાઈ કાકાના હાથમાં રહેલા એ પેપરને ધીમેથી ખેંચવાનો પ્રયાસ કરતા હતા. જેને કારણે કાકા જાગી ગયા. પેલા ભાઇએ વિનંતી કરી કે કાકા પેપર આપોને. કાકાએ આપી દિધું. પેલા ભાઇએ પેપરમાં પેનથી કઈ લખતા હતા. ફટાફટ લખવાનું પુરુ કરીને કાકાને ઘઢી કર્યા વગર આપી દિધું. કાકાની નજર પેપર પર જતા તેઓ ગુસ્સે થઈ ગયા. ‘આ શું કર્યુ તમે સુડોકુ ભરી નાંખ્યું. એટલા માટે જ તો મે આ પેપર ખરીદ્યું હતું.’  
કાકાની આ વાત સાંભળીને મને થોડા આધાત પણ લાગ્યો. કારણ કે મને એમ હતું કે લોકો અમારુ પેપર સારા ન્યુઝ અને ફોટાઓ જોવા માટે ખરીદે છે. રવિવારે અમારા પેપરમાં થોડુક મોટુ સુડોકુ આવે છે. જો કે મને એ રમતા નથી આવડતું. આમ તો આંકડાઓની સીધી લાઇનમાં ગોઠવવાના હોય છે. એ રીપીટ ન થવા જોઈએ. આટલું પણ મારી દિકરીને સ્કુલમાં સુડોકુની એક સ્પર્ધા હતી. તેથી એને સમજાવવા માટે શિખ્યો હતો. કાકાએ તો પોતાની રામ કહાણી શરૂ કરી.‘ અરે ભાઈ, કાકી મને ગણીને રૂપિયા આપે છે. 20 રૂપિયા ઓટોરીક્ષાના, 12 રૂપિયા વડાપાઉના અને 7 રૂપિયા મિડ-ડેના હવે હું શું કરીશ.’ પેલા ભાઈ થોડા શરમમાં પડી ગયા. ‘સોરી કાકા, ભૂલ થઈ ગઈ, આલો 10 રૂપિયા.’ એમ કહીને કાકાને નોટ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ જોઈને કાકા વધુ ભડક્યા. ‘10 રૂપિયાનો સવાલ નથી. હવે મિડ-ડે ક્યાં મળશે. ’ કાકાની વાત એક રીતે સાચી હતી કે બપોર પછી મિડ-ડે પેપર-સ્ટોલ પર ભાગ્યે જ મળે.
સુડોકુ ભરવાને કારણે આ બન્ને વચ્ચે થયેલી જીભાજોડીને કારણે થોડુક દૂર સુઈ રહેલા એક ભાઈની ઉંધ ખરાબ થઈ. ‘અરે ક્યાં નોંટકી લગા રખી હૈ. દુસરો કો ભી ડિસ્ટર્બ કરતે હૈ. આપ ગુજરાતી લોગ ભી પતા નહીં ક્યાં કિટપીટ કરતે રહતે હો.’ આ વાત સાંભળતા જ ચિત્ર બદલાઈ ગયું. પેલા કાકા અને ભાઈ ભેગા થઈ ગયા અને પેલા ત્રીજા વ્યક્તિ પર ચઢી ગયા. ‘સોને કો ઇતના હી શોખ હૈ ને તો ઓલા કર. 10 રૂપિયા ખર્ચ કરકે લોકલમે આના હે તો ઐસા હી હોગા. હમ લોગ બાત કર રહે હો તો આપકો ક્યાં પ્રોબ્લેમ હૈ.નોટંકી કિસકો બોલતા હૈ માઇન્ડ યોર લેન્ગવેજ. નોનસેન્સ.’
મામલો થોડો ગંભીર થશે એવું લાગતા જ થોડા ઘણાં અન્ય લોકો પણ વચ્ચે પડ્યાં. તેમજ ત્રણેયને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગ્યાં. મે પણ મારી બેગમાંથી મારુ મિડ-ડે કાઢીને પેલા કાકાને આપ્યું. આલો સુડોકુ આમાંથી ભરી લેજો. મારુ સ્ટેશન પણ આવવાની તૈયારીમાં જ હતું. તેથી હું સીટ પરથી ઉઠીને દરવાજા તરફ આગળ વધ્યો. ઉદુના શાયર નિદા ફાઝલીનો આ શેરનો અર્થ સમજાયો.
ઘર સે મસ્જિદ હૈ બડી દૂર ચલો યુ કર લેં
કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે
ચલતે-ચલતે-4
નિમેષ દવે અને ઉમેશ દેશપાંડે

મને ભૂત થયેલી પત્નીથી બચાવો

આવી બધી વાતો કરવાનું ક્યા પરણેલા પુરૂષને મન ન થતું હોય. પરંતુ આવી જ મજાક સાચી બની જાય ત્યારે. કંઈક આવો જ એક કિસ્સો મારી સાથે થોડા વર્ષો પહેલાં બન્યો. ફોટો-જર્નાલિસ્ટ તરીકે અમારે ઘણાં બધાં પોલીસ સ્ટેશનના ચક્કરો નિયમિત રીતે કાપવા પડે. તેથી પોલીસ સ્ટેશનમાં કામ કરતા સિનિયર પોલીસ ઇન્સપેક્ટરથી માંડીને હવાલદાર સુધી દરેકની સાથે એક સંબધ બંધાઈ ગયો હોય. જે ઘણી વખત પ્રોફેશનલમાંથી મટીને અંગત પણ થઈ જાય. અંધેરીમાં આવેલા ડી.એન. નગર પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઇ મોરે સાહેબ (નામ બદલ્યું છે) પણ મારા આવા જ અંગત અધિકારી હતા. વળી પોલીસ ડીપાર્ટમેન્ટમાં એમનું નામ આદરપૂર્વક લેવાતું. તમામ પત્રકારો સાથે એમના સારા સંબધો હતા. કારણ કે અંગ્રેજી, મરાઠી કે ગુજરાતી ન્યુઝ પેપર કે પછી ન્યુઝ ચેનલ એવા કોઈ ભેદભાવ વગર એમની પાસે જે કોઈ માહિતી હોય તે કોઈ પણ જાતનો કંટાળો કર્યા વગર આપતા. પ્રમાણિક અધિકારી હોવાને કારણે મુંબઈમાં જ એમની ત્રણ-ચાર પોલીસ સ્ટેશનોમાં બદલીઓ પણ થઈ હતી.
એક દિવસ મારુ છાપાનું કામ પતાવીને હું રાત્રે 12 વાગે ડી.એન. નગર પોલીસ સ્ટેશનમાં ગયો. કારણ કે આ વિસ્તારમાં એક જાણીતી હિરોઈને એક અઠવાડીયા પહેલાં જ આત્મહત્યા કરી હતી. એમાં જાત-જાતના વળાંકો આવી રહ્યા હતા. કોઈ મોટા હિરોના દિકરાની પણ આત્મહત્યાના મામલે ધરપકડ થાય એવી વાતો ચાલી રહી હતી. તેથી હવાલદારને મળીને કઈ વિગતો જાણી શકાય એવો મારો ઇરાદો હતો. પરંતુ પોલીસ સ્ટેશનમાં ગયો તો મારા આશ્ચર્ય વચ્ચે જ મોરે સાહેબ પણ હાજર હતા. મારો અવાજ સાંભળીને એમણે મને એમની કેબિનમાં બોલાવ્યો. તેમજ કહ્યું કે ‘આવતીકાલે સવારે 11 વાગ્યે હીરોના દિકરાને અમે સ્ટેટમેન્ટ આપવા માટે બોલાવ્યો છે. મોટેભાગે એની ધરપકડ પણ કરીશું. કેમ કે આત્મહત્યા માટે ઉશ્કેરવામાં એની પણ ભુમિકા હતી. એવું તપાસમાં જાણવા મળ્યું છે.’ મારો ફેરો ફોગટ ન જતા મને થોડીક શાંતી થઈ.
એમણે તરત જ બે ચા મંગાવી. ચાની ચુસકી લેતા-લેતાં મને કહ્યું ‘હું આટલી રાત્રે અહીં પેલા હિરોઇનના આત્મહત્યાના હાઇ-પ્રોફાઇલ કેસના કારણે નહીં પણ એક અલગ જ કેસના કારણોસર રોકાયો છું. છેલ્લાં બે દિવસથી અમારે ત્યાં રાત્રે 12 વાગ્યા પછી એક અંદાજે 35 વર્ષના ભાઈ આવે છે. એની પત્નીનું થોડાક મહિના પહેલા અવસાન થયું છે. પરંતુ એને એવું લાગે છે કે એની પત્ની મર્યા બાદ ભૂત થઈ ગઈ છે. રોજ રાત્રે ઘરે આવે છે. આખી રાત એને હેરાન કરે છે. અમને કહે છે કે બે હવાલદારને મારી સાથે મોકલો અને એની ધરપકડ કરો. પહેલા દિવસે તો અમારા હવાલદારે એને ભગાડી મુક્યો તો ગઈ કાલે પાછો આવ્યો. અમારા સબ ઇન્સપેક્ટરે પણ એનો સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ભાઈ કોઈ રીતે સમજવા તૈયાર જ નહોતા. સબ-ઇન્સપેક્ટરે પણ માંડ-માંડ જાત પર કાબુ રાખ્યો હતો. પોલિસ ભૂતને કઈ રીતે પકડે? એક તરફ આ હાઇ-પ્રોફાઇલ કેસની મગજમારી ચાલી રહી છે. ઉપરથી પેલા ભાઈ રાત્રે આવીને અમારા સ્ટાફને આ રીતે હેરાન કરે છે. તેથી જ હું આજે રોકાયું છું. તમે પણ જુઓ .’ એવામાં જ એક હવાલદાર કેબિનમાં આવ્યો સાહેબ પેલો ગાંડો આવી ગયો. મોરે સાહેબને હવાલદારની આવી ભાષા ન ગમી. તેણે કહ્યું ‘પાંડુદાદા, કોઈએ એની મજાક ઉડાવવાની નથી. બિચારો તકલીફમાં છે. એને મારી કેબિનમાં મોકલ.’
થોડીક જ વારમાં એ યુવક અંદર આવ્યો અને બોલ્યો ‘ઇન્સપેક્ટર સાહેબ સારુ થયું તમે મને મળી ગયા. બાકી હું મારી ઓફિસમાં રજા મુકીને સવારે તમને મળવા આવવાનો હતો. આ બધા લોકો મને ગાંડો ગણે છે. સાહેબ હું સાચુ કહ્યું છે એ મારી વાઇફ ભૂત થઈ ગઈ છે. જીવતી હતી તો કેટલી સારી હતી. પણ મર્યા પછી એને શું થઈ ગયું ? કઈ ખબર પડતી નથી. આખી રાત મને જગાડે છે. મને બહુ હેરાન કરે છે. હું ઓફિસમાં કામ પણ નથી કરી શકતો. સાહેબ તમે બે હવાલદારને મારી સાથે મોકલો અને એની ધરપકડ કરો.’ યુવકની આ વાત સાંભળીને મે મારું હસવાનુ માંડ-માંડ રોક્યું.
મોરે સાહેબ પેલા યુવકને પૂછ્યું ચા પીશો. એણે ના પાડી પછી શાતીથી કહ્યું ‘જુઓ હમણાં અમારે ત્યાં એક મોટા કેસની તપાસ ચાલી રહી છે. તેથી હું બે હવાલદારને તમારા ઘરે મોકલી શકું એમ નથી. પરંતુ એક રસ્તો છે કે પેલી ભૂત કે ડાકણને તમારા ઘરેથી ભગાડવાનો.’ યુવક ખુશ ગયો. ‘બોલો સાહેબ, હું ગમે તે કરવા તૈયાર છું. ત્રાસી ગયો છું.’ મોરે સાહેબની વાતોની પેલા યુવક પર સકારાત્મક અસર થઈ રહી હતી. એમણે પૂછ્યું ભગવાનમાં તો માનો છો ને યુવકે કહ્યું હા.. હા સાહેબ, હિન્દી વાંચતા તો આવડે છે ને એવા મોરે સાહેબના સવાલના જવાબમાં પણ યુવકે હકારમાં માથું ઘુણાવ્યું. મોરે સાહેબે કહ્યું ‘જુઓ મારા ઘરની નજીક એક જાણીતું હનુમાન મંદિર છે. ત્યાંથી હું તમારા માટે આવતીકાલે હનુમાન ચાલીસા લઈ આવીશ. જેવી પેલી ડાકણ આવે તમારે એ વાંચવાની શરૂ કરી દેવાની. એ ફરી તમને હેરાન કરવા નહીં આવે.’ મોરી સાહેબનો આભાર માનીને એ યુવક કેબિનમાંથી બહાર ગયો.
સમગ્ર બનાવથી મોરે સાહેબ પ્રત્યેના મારા માનમાં વધારો થયો. તેમણે કહ્યું ‘આવતીકાલે એક બુકસ્ટોલ પરથી હનુમાનચાલીસા ખરીદીને એને આપી દઈશ..’ આમ અમારા હોનહાર મોરે સાહેબે મર્યા બાદ ભૂત બનીને હેરાન કરનારી પત્નીનો કેસ પણ ઉકેલ્યો હતો. મેં પણ કંઈક સારુ થતું જોયાના સંતોષ સાથે મારી બાઈકને ઘરની દિશામાં હાંકી મુકી.
ચલતે-ચલતે પાર્ટ-3

નિમેશ દવે
ઉમેશ દેશપાંડે



10 રૂપિયા માટે ગુમાવી ગર્લફ્રેન્ડ

ભલે આખુ મુંબઈ લોકલ ટ્રેઇનમાં પ્રવાસ કરે પણ મને તો બાઇક ચલાવવાનું જ ગમે છે. મારી બાઇક પણ છે હીરો હોન્ડા પેશન. બોરીવલીના મારા ઘરેથી હું બાંદરામાં આવેલી અમારી ઓફિસમાં સડસડાટ 30 મિનિટમાં જ પહોંચી જાઉ. લાંબા સમયથી વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ચાલી રહેલા મેટ્રોનાં નિર્માણ કાર્યને કારણે થતા ટ્રાફિક-જેમથી કંટાળીને એક દિવસે હું પણ લોકલમાં બેસીને ઓફિસે જતો હતો. અંધેરીથી સારા ઘરના જણાતા એક યુવક-યુવતી પણ અમારા ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં ચઢ્યા. બપોરનો સમય હોવાથી પ્રમાણમાં ભીડ ઓછી હતી. અંધેરીમાંથી ટીસી (ટિકીટ ચેકર) પણ ચઢ્યો. તેણે યુવક પાસે ટિકીટ માંગી. યુવકે આપેલી ટિકીટ ચકાસતા ટીસીએ કહ્યું ‘યે તો સેકન્ડ ક્લાસકા ટિકીટ હૈ.ફર્સ્ટ ક્લાસમે ક્યો બેઠે. ચલો 800 રૂપિયા ફાઇન નિકાલો.’  
પેલા યુવકે પોતાના વોલેટના આગળના, પાછળના તેમજ છૂટાની ચેઇનમાંથી 200 રૂપિયા કાઢ્યા. 800 રૂપિયા ભરના પડેગા. ટીસીએ યુવતી સામે જોઈને કહ્યુ. પરિણામે પેલી યુવતીએ પોતાના પાકિટમાંથી 600 રૂપિયા કાઢીને ટીસીને આપ્યા. ટીસી રસિદ બનાવીને આગળ વધ્યો.પરંતુ સમગ્ર બનાવને કારણે યુવતીનો પિત્તો ગયો.’ યુ લાયર, યુ ટોલ્ડ મી ધેટ યુ બોટ ટુ ફર્સ્ટ ક્લાસ ટિકીટ. આઇ ડોન્ટ વોન્ટ ટુ કમ વિથ યુ. યુ લાયર.’ કાપે તો લોહી ન નીકળે એવી હાલત પેલા યુવકની થઈ હતી.
બાંદરા સ્ટેશન આવતા જ યુવતી નીચે ઉતરી ગઈ. યુવક તેની પાછળ અને હું એ બંન્નેની પાછળ. એ બન્ને બાંદરા વેસ્ટની દિશામાં ગયા તો હું મારી ઓફિસ જવા ઇસ્ટ તરફ ગયો. ઓફિસમાં જવા માટેની રિક્ષા પણ સદનસીબે તરત જ મળી જતા. રિક્ષામાં બેઠાં-બેઠા મે અંધેરીથી ચર્ચગેટ સુધીની ફર્સ્ટ ક્લાસનું ભાડું ચેક કર્યું તો એક ટિકીટના 105 રૂપિયા હતા. આમ અમારા હીરોએ 10 રૂપિયા માટે ગર્લફ્રેન્ડને ગુમાવી હશે એવું તારણ મેં કાઢ્યું.

મુંબઈની ઉતરાણ

Kite Festival In Mumbai

આજે વર્ષ 2019ની 16 જાન્યુઆરી છે. ગુજરાતના મારા ઘણાં મિત્રોના પંતગ ચગાવવવાના કારણે હાથ દુખતા હશે. ફરી ઓફિસ કે ધંધા પર જવાનો કંટાળો આવતો હશે. સાંજે ધાબા પર બહુ દોડા-દોડી કરવાને કારણે મારી દિકરી પગ દુખી રહ્યાની ફરિયાદ સોમવારે સ્કુલે લઇ જતી વખતે મારી દીકરી કરતી હતી. કારણકે અમે મુંબઈમાં અહીં ઉતરાણ 13 તારીખે રવિવારે જ ઉજવી હતી. કારણ કે 14 અને 15 જાન્યુઆરીના રોજ અહીં સ્કુલોમાં કોઈને રજા નહોતી. શરૂઆતમાં મુંબઈ આવ્યો ત્યારે આ વાત મને ખબર નહોતી. તેથી રાજકોટના મારા મિત્ર સાથે થોડા વર્ષો પહેલા 14 જાન્યુઆરીના રોજ ધાબા પર પતંગ ચગાવવા પહોંચી ગયો હતો. સુરતથી ખાસ માંજો પણ લઈ આવ્યો હતો. મારા ધાબા પર કોઈ જ નહોતું. છેવટે અમે ચગાવેલો પતંગ જ નીચે ઉતારી લીધો. પછી ખબર પડી કે અહીં ઉતરાણમાં સ્કુલમાં રજા જ નહોતી.

ગયા વખતે ઉતરાણ રવિવારે હતી. તેથી થોડી ઘણી મજા આવી હતી. તેથી આ વર્ષે પણ એ બધા મિત્રોને મારા ઘરે બોલાવ્યા હતા. મુંબઈમાં મારા ઘરની આસપાસ થોડો ગુજરાતીઓની વસ્તી વધુ હોવાથી પતંગ ઉડાવનારાઓની સંખ્યા થોડી છે. તેથી છેલ્લાં પાંચ વર્ષથી અમારા બિલ્ડિંગની અગાસી પર પતંગ ઉડાવવાની મજા થોડી ઘણી આવે છે. રવિવારે મારા મિત્રો આવવાના હોવાથી કોઈની સાથે પેચ લઢાવી શકાય એ માટે મે શનિવારે મારા પાડોશીના છોકરાને કહ્યું કે ભાઈ આવતીકાલે ધાબા પર આવી જજે. પરંતુ એણે મને કહ્યું અંકલ સોસાયટીના સેક્રેટરીએ ટેરેસ પર તાળુ મારી દિધું છે. પરમિશન લેટર આપવો પડશે. આ માહિતી મારા માટે પણ નવી હતી. તેણે વધુમાં કહ્યું કે પપ્પા સાથે ફોન પર વાત પણ કરાવી તો પણ લેટર વગર ટેરેસનું લોક ખોલવાની સેક્રેટરીએ ના પાડી દિધી.

ઉત્તરાણના દિવસે પણ ધાબા પર જવા માટે પરમિશન. પહેલા મને એમ કે કદાચ પ્રેમી-પંખીડાઓને મોકળું મેદાન ન મળે એ માટે આવું હોવું જોઈએ. મે સોસાયટીના એક સભ્યને પૂછ્યું તો તેણે કહ્યું કે મુંબઈ પોલીસનો જ આદેશ છે. આત્મહત્યાના બનાવોને કારણે આવું કરવામાં આવ્યું છે. આમ લેટર આપવા સિવાય છૂટકો જ નહોતો. એ વાત મને સમજાઈ ગઈ. દિકરીની મદદથી અંગ્રેજીમાં પરમિશન માટેનો લેટર લખીને સેક્રેટરીના ઘરે ગયો તો એ ઘરે નહોતા. બીજા દિવસે સવારે પાડોશી છોકરાના પપ્પાને પૂછ્યું કે તમે કેમ લેટર નથી લખી આપતા તો કહે મારો છોકરો તો મોટો છે પણ બીજા છોકરાઓનું શું. કંઈ થઈ ગયું તો એ લોકોની જવાબદારી કોણ લેશે. મને પણ થોડીક બીક લાગી. કારણ કે હું પણ બપોર પછી નોકરી પર જવાનો જ હતો. તેથી જેમના છોકરાઓ ‘નજર હટી, દુઘર્ટના ઘટી’ જેવા તોફાની હતા. એમને ફોન કરીને મારી અરજીમાં સહી કરવા માટે રાજી કર્યા અને પછી જ અરજી સેક્રેટરીને આપી.
નાનપણથી ઉતરાણ મારો સૌથી પ્રિય તેહવાર. કપાયેલો પતંગ પકડવા માટે હુ પપ્પાની મોટી સાયકલ લઇને ઘણો દૂરૃ-દૂર સુધી જતો. પણ જો પતંગ શેરડીના ખેતરોમાં જતો રહે તો અંદર જવાની હિંમત નહોતી થતી. અમારી બાજુની સોસાયટીમાં રહેતો પ્રકાશ નામનો મારો મિત્ર હંમેશા ખેતરમાં ઘુસીને પણ કપાયેલો પતંગ લઇ આવતો. જેની મને બહુ ઇર્ષા થતી. રેડીયો પર પતંગની લાઇવ કોમેન્ટરી આવતી એવી વાતો ઘણી સાંભળી હતી. પરંતુ મે ક્યારેય સાંભળી નથી. સુરત આકાશવાણીમાં કેઝ્યુઅલ એનાઉન્સર હતો. ત્યારે હિન્દી અને ગુજરાતી ગીતોનો એક સ્પેશ્યલ પ્રોગ્રામ બનાવ્યો હતો. ત્યાર બાદ હૈદરાબાદમાં ઇટીવી ગુજરાતીમાં પણ એજ ગીતોના આધારે એ વખતના રાજકીય પરિસ્થતીના આધારે એક સાત મિનિટ લાંબો કાર્યક્રમ પણ કર્યો હતો. જે પણ યાદગાર રહ્યો હતો.

મુંબઈમાં ઘણાં વર્ષો સુધી મને ઉતરાણ નજીક છે એ વાત આકાશમાં ઉડતા પતંગને કારણે નહીં પણ સોસાયટીમાં લાગેલા ‘પક્ષી બચાવો.. પતંગ ન ઉડાવો’ એવા પોસ્ટરોને કારણે જ થતી હતી. પરંતુ હવે તો પતંગ પણ એટલા ઓછા ઉડે છે કે એ પોસ્ટરો પણ ખાસ દેખાયા નહોતા. આ વખતે 14જાન્યુઆરીના સોમવારે સવારે અમારી સામેની અગાસી પર એક છોકરાને પતંગ ચગાવતો જોયો હતો. તેમજ કાઇપ્યોની એક બુમ સાંભળી હતી. હું પણ રવિવારે સવારે મારી દિકરી સાથે ધાબા પર ગયો. એક પતંગ ઉડાવ્યો અને ત્યાર બાદ એને ઉતારી લીધો. કારણ કે કોઈ પેચ લેનાર જ નહોતું. સાંજે મારા મિત્રોએ બે કલાક સુધી પતંગનો આનંદ માણ્યો હતો. જેના ફોટાઓ શેર કરુ છું.