Sunday 27 December 2015

મરાઠી નાટક 'તિન્હી સાંજ'



    
                                    


               ગયા શુક્રવારે મળેલો વિક-ઓફ ખરા અર્થમા મારો હતો. કાશ્મીરના પ્રવાસ વર્ણન અંગેનો એક બ્લોગ અપલોડ કરતા બપોર પડી ગઈ. તેમ છતાં સાંજ બાકી હતી. સામાન્ય વિક –ઓફ તો કોઈ મોલમાં સામાનની ટોલી ખેંચવા તથા દિકરીને સંભાળવામાં જ પસાર થઈ જાય. પરતું આ વખતે આવુ નહોતું. મને બાજીરાવ મસ્તાની ફિલ્મ જોતા આવજો એવી સૂચના પણ પત્ની દ્વારા આપવામાં આવી હતી. પરંતુ મે નાટક જોવાનું પસંદ કર્યુ. મારી મરજીનું પણ ક્યારેક તો થવું જોઈએ ને. છેલ્લા એક વર્ષથી શનિ કે રવિવારની મને ઓફિસમાંથી મળતી રજા બંધ થઈ જતા ગુજરાતી નાટકો જોઈ શકાય એમ નહતું .તેથી મરાઠી નાટક જોવા માટે બોરીવલીના પ્રબોધન-ઠાકરે ઓડીટેરીયમમાં ગયો. તિન્હી સાંજ નામના આ નાટકમાં હું જાણતો હોંઉ એવા કોઈ કલાકારો નહોતા. વળી નૃત્ય-સંગીત નાટક એવું જાહેરાતમાં લખ્યું હતું તેથી થોડો ખચકાયો. પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. તેથી 200 રૂપિયાની ટીકીટ લઈ ઘૂસ્યો. 

યમઈ દેવી અને ઔંધ
               નાટકની શરૂઆતમાં યમઈ દેવી અને ઔંધના સંગીત મહોત્સ્વની વાત આવે છે. આ વર્ષે પ્રથમ વખત અમારા કુળદેવી યમઈ દેવીના મંદિરે ગયો ત્યાંથી પાછા ફરતી વખતે ત્યાના રાજાના મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. મારામાં જેટલી સમજ છે તેને જોતા પ્રથમ વખત આટલી સુંદર પેઇન્ટીંગ, શિલ્પકળા, કાષ્ઠકળા અને એમ્બ્રોઇરીના દેશ-વિદેશના અદભુત કલેકશન ત્યાં જોયું હતું. તેથી ત્યાના કલાપ્રેમી રાજા પ્રત્યે ઘણું માન હતું. નાટકની પૃષ્ઠભુમી પણ 1936 થી 1950 ની હતી. જેમાં એક બાહોશ મહિલા એડવોકેટ અને તેના ગાયક કલાકાર પરંતુ હાલ દારૂના રવાડે ચઢી ગયેલા પતિની વાત હતી. જે ઔંધના સંગીત સમારોહમાં ગાવાની ના પાડે છે. પરંતુ પત્ની તેના આયોજકોને ખાતરી આપે છે તેન પતિ આ સમારંભમાં ગીત ગાશે.  

પ્રણય ત્રિકોણ

          શરૂઆતનો અડધો કલાક ભારે બોરીંગ લાગ્યો. પૈસા પડી ગયા જેવું લાગ્યું. પરંતુ અચાનક મહિલા એડવોકેટના એક ક્લાયન્ટ તરીકે શારદાનું આગમન થયું જે ખરેખર પતિની જૂની પ્રેમિકા શકીલા હતી. પરંતુ તેણે પોતાનું નામ બદલ્યું હોય છે. એક સંગીત એકેડેમી શરૂ કરવાનો પ્રયાસ તે કરતી હોય છે. જેની સરકારે આપેલી જમીન પર કેટલાંક લોકોએ ગેરકાયદેસર કબ્જો જમાવી દિધો હોય છે. સમાજના વિરોધને કારણે ગાયક કલાકાર પતિ અને શકીલાના લગ્ન થઈ શક્યા નહોતા. આ આઘાતને કારણે પતિએ ગાવાનું છોડી દિધુ હોય છે. પરંતુ શકીલા સાથેની વધતી જતી મુલાકાત બાદ ગાયન અને નૃત્યનો દોર ફરી શરૂ થાય છે.મહિલા એડવોકેટના ઘરમાં જ રહેતી તેની આસિસ્ટન્ટ પત્નીને આ વિશે ચેતવણી પણ આપે છે. જેની તે અવગણના કરે છે. જો કે ગાયન અને નૃત્યની મેહફીલ નાટકને એક નવી જ ઉંચાઈએ લઈ જાય છે.

કોર્ટરૂમ 

   વધુ પડતા દારુના સેવનને કારણે પતિ એક માનસિક રોગનો શિકાર બનેલો હોય છે. એક વખત આવી જ એક સંગીત-નૃત્યની મેહફિલ દરમ્યાન તે દારૂના નશામાં શકીલા પર બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરી બેસે છે. નાટકમાં શરૂ થાય છે કોર્ટરૂમ ડામા. જેમાં છેવટે એવુ રહસ્ય ખુલે છે. કે પત્ની જ શકીલાના લઈને આવી હોય છે. જેથી તેનો પતિ ફરીથી ગાયન શરૂ કરે. વળી હત્યાનો પ્રયાસ તેમના જ ઘરમાં રેહતી પત્નીની આસિસ્ટન્ટ મહિલા વકીલે જ કર્યો હોય છે. નાટકમાં નૃત્ય-સંગીત અને રહસ્યનું એવું અદભુત મિસરણ હતું તેથી નાટક ક્યાં પુરૂ થઈ ગયું તેની ખબર જ ન પડી. બોરીવલીના પ્રબોધન ઠાકરે હોલમાંથી બહાર નીકળતા તમામ પ્રેક્સકોના મનમાં કંઈ સારુ જોયાનો આનંદ સ્પષ્ટ હતો. નાટકની મહિલા દિગ્દર્શક સંપદા જોગળેકર-કુલકર્ણી અને લેખક શેખર તામ્હણેને સલામ.

No comments:

Post a Comment