Friday 9 March 2018

પત્ની પિયર જાય ત્યારે
દિવાળીની રજા શરૂ થઈ ગઈ. ઘરની સફાઈ પણ થઈ ગઈ. ઘરમાં હાલ એકલો છું કારણ કે પત્ની દિકરીને લઇને પિયર ગઈ છે. પત્ની પિયર જાય ત્યારે કેટલું સારુ લાગે તે પરણેલી વ્યક્તિને કેહવાની જરૂર ન હોય. રાજાપાઠમાં આવી જઈએ. જે દિવસે જાય એ જ દિવસે રાત્રે મિત્રોને ઘરે બોલાવીને બિયર પાર્ટી થઈ જાય. હોટેલમાંથી જમવાનુ મંગાવી લઈએ. જો કે આ બધી મજા માત્ર બે દિવસ સુધી જ ચાલે. કારણ કે ત્રીજા દિવસે પેટ ખરાબ થઈ જાય. એટલે જખ મારીને ઘરે જમવાનું બનાવવું પડે.

મારી આ વ્યથા કથા લખવાનો વિચાર પણ મને ત્રીજા દિવસે જ આવ્યો. જ્યારે મે મારી જાતે રસોઈ બનાવવાનું શરૂ કર્યુ. મને એવું લાગ્યું ભલે બીજું લોકો કંઈ પણ કેહતા હોય. મોટા-મોટા ઉદાહરણો આપતા હોય પરંતુ મારા મતે ભારતીય મમ્મીઓ પોતાના દિકરાને પ્રેમ જ નથી કરતી. કારણ કે તેણે ક્યારેય એને જમવાનું કંઈ રીતે બનાવવું એ શીખવાડ્યું જ નથી હોતું. મારી જ વાત કરું તો લગ્ન પહેલાં મને માત્ર ‘ચા’ બનાવતા આવડતી. એ કોણે શિખવાડી એ પણ યાદ નથી. પરંતુ એની તલપ એવી હતી કે ગમે ત્યાં હોઈએ એના વગર ન ચાલે. તેથી બનાવતા આવડી ગઈ.

લગ્ન બાદ માત્ર ખિચડી બનાવતા શીખ્યો હતો. એ પણ મારી પત્ની પાસે નહીં પણ મારા એક મિત્રએ શિખવાડી હતી.પછી મને તો જાણે પત્ની પિયર જાય ત્યારે બધી સમસ્યાનો રામબાણ ઇલાજ મળી ગયો હોય એવું લાગ્યું હતું. કેટલાંય વર્ષો સુધી મે બઘું શાક કાપીને એને કુકરમાં નાંખીને બનાવેલી ખિચડી જ ખાધા કરી છે. દોઢ વર્ષ પહેલાં ડાયાબીટીશ થયો. ત્યારબાદ કોલસ્ટ્રોલ પણ એની પાછળ-પાછળ આવ્યો. ડોક્ટરે ઘણી બધી વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દિધો. એમાં ખિચડી પણ હતી. કારણ કે ભાત નહીં ખાવાનો. એના વિકલ્પ તરીકે ચોખા કરતા ત્રણ ગણા મોંઘા ઇન્ડોનિશયાના બ્રાઉન રાઇસ ઘરમાં લાવ્યો. જો કે ડોક્ટર તો એની પણ નાં જ પાડતા હતા. પરંતુ ભાત સિવાય ચાલે એમ નહોતું. પરંતુ બ્રાઉન રાઇસ સરખી રીતે ક્યારેય ચઢતા જ નહોતા. હજુ પણ ડબ્બામાં પાંચ કિલો બ્રાઉન રાઇસ એમ જ પડ્યાં છે.

આ વખતે તો હદ થઈ ગઈ. કારણ કે પત્ની પિયર જતા પહેલા ત્રણ અલગ-અલગ પ્રકારના શાક કુકરમાં કેવી રીતે બનાવવા તેની રેસીપી લખાવીને ગઈ. એટલું જ નહીં ડી માર્ટ મોલમાંથી મારા માટે એક નવો પ્રેસ્ટીજ કુકર પણ લઈ આવી. એની જાહેરાતમાં આવે છે ને ‘ જો બીવી સે સચમુચ કરતા હૈ પ્યાર વો પ્રેસ્ટીજ સે કેસૈ કરે ઇન્કાર’ પણ અહીં તો મામલો સાવ ઉલ્ટો. પત્ની પતિ માટે ખરીદીને લાવી હતી. જાણે મારી દિવાળી ગીફ્ટ. જો કે હું જાણું છું આમાં કંઈ પ્રેમ નહોતો. ઘરમાં બે જૂના કુકરો હતાં જ. પરંતુ એમની સીટીઓ થોડી અવળચંડી. એને જરા પંપાળવી પડે, હલાવવી પડે ત્યારે જ વાગે. ભુતકાળમાં એવું થયું હતું કે ખિચડી બનાવતી વખતે હું રસોડામાંથી બહાર આવીને પેપર વાંચવામાં તલ્લીન થઈ જતો. સીટીને પંપાળવાનું ભુલી જતો. જેથી બે-ત્રણ વખત ખિચડીની સાથે કુકર પણ બળી ગયો હતો. પત્નીને મારા આ પરાક્રમની ખબર ન પડે એની પુરતી તકેદારી પણ મેં લીધી હતી. જો કે પેલી સીઆઇડી સિરીયલની જેમ ‘ ખુની કોઈ ન કોઈ સુરાગ પીછે છોડ હી જાતા હૈ’ કંઈક એવી જ હાલત થઈ હતી. જ્યારે મારા ઘરની કામવાળી બાઈએ પત્નીને ફરિયાદ કરી હતી કે ભાઈ સાબ કુકર જલા દેતે હે, મેં કિતના ભી ઘીસતી હું નહીં નીકળતા’ આમ કામવાળી બાઈ ભાગી ન જાય અથવા તો મારા પરાક્રમની વાતો સોસાયટી જાણી ન જાય તે માટે જ આ કુકરની ખરીદી થઈ છે. એવું મારુ માનવું છે. મે રેસીપીમાં લખેલી સૂચનાનું પાલન કરતા મગનું શાક બનાવ્યું હતું. કાંદો અડધો જ અને તે પણ ફ્રિજમાંથી માંડ મળ્યો. કોથમીર લેવા માટે નીચે જવાનો કંટાળો આવ્યો હતો. સીટી પણ ગણીને ત્રણ જ વગાડી હતી. રોટલીઓ હોટેલમાંથી જ મંગાવી હતી. ઓફિસમાં મારાં શાકને જમવા બેઠા ત્યારે મારો આગ્રહ છતાં કોઈએ ટેસ્ટ કરવાની હિંમત કરી નહોતી. મારે હજૂ યાદી પ્રમાણે બે શાક બનાવવાના બાકી છે. તેથી અહીં જ સમાપ્ત કરુ છું. સૌને દિવાળીની શુભેચ્છા...

No comments:

Post a Comment