Friday 16 March 2018

Misal Mohotsav (Food Festival)

        મિસળ મહોત્સવની મુલાકાતે

       છેલ્લાં 13 વર્ષથી મુંબઈમાં રહ્યું છું. પણ ક્યારેય મુંબઈગરાઓના ફેવરીટ વડા-પાંવ વધુ ગમ્યાં નથી. પરંતુ જો વિકલ્પ હોય તો મિસળ-પાંવ જરૂર ગમે. મિસળ એટલે બધું મિશ્રણ, વટાણા, મગ સહિત વિવિધ કઠોળનો રસ્સો , એમાં ઉપરથી ફરસાણ નાંખવાનું અને પાંવ સાથે ખાવાનો. (મેં કયારેય જાતે બનાવ્યો નથી તેથી આને રેસીપી સમજવાની ભુલ પોતાના જોખમે કરવી.) ગઈ કાલથી અમારા દહીંસરમાં શરૂ થયેલા મિસળ મહોત્સવની મે પરિવાર સાથે મુલાકાત લીધી હતી.જે હજુ રવિવાર સુધી ચાલવાનો છે. આ સમગ્ર મહારાષ્ટ્રમાં મળતી એક ફાસ્ટફુડ આઇટમ છે. પરંતુ વિવિધ વિસ્તારો પ્રમાણે એમાં સુધારો વધારો થાય એવું જ કંઈ મિસળ સાથે પણ થાય છે.


      અહીં કોલ્હાપુરી મિસળ વેચતા રેખા જાધવ નામના બેનને મે એમની મિસળની ખાસીયત પૂછી તો એમણે કહ્યું કે સામાન્ય રીતે લાલ મરચું અને ગરમ મસાલો હોય છે. પરંતુ અમારી કોલ્હાપુરી મિસળમાં લીલો મસાલો નાંખીએ છીએ. ઘરે પણ આ રીતે બનાવતી હતી. પછી સ્ટોલ કર્યો આજે વિવિધ ચાર જગ્યાએ મારા સ્ટોલ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રચાર થાય એટલા માટે મહોત્સ્વમાં ભાગ લઇએ છીએ. નાસિકવાળા મિસળની સાથે પાપડ આપતા હતા, તો સાતારા વાળા બુંદી, મે અલગ-અલગ વિસ્તારની ત્રણ મિસળ ખાધી. છોકરાઓએ ખાલી પાઉને મિસળ સાથે અમને ખુશ કરવા અડાડ્યો. છોકરાઓને મેગી અને પાસ્તા સિવાય ફાવે જ નહીં શું કરુ એમના માટે આળુવડી (પાતરાં) અને કોથીમ્બીર વડી  (ગુજરાતી નામ ખબર નથી પરંતુ  છોકરાઓને ભાવી હતી) લાવ્યો.બધી જ મિસળ ભારે તીખી તો હતી.


    મિસળ મહોત્સવની સાથો-સાથ સાંસ્કૃત્તીક કાર્યક્રમો પણ હતા. તલવારબાજી જોવાની છોકરાઓને મજા પડી ગઈ હતી.  આટલી મિસળ ખાધા બાદ પણ સાચુ કહું તો હજુ પણ સુરતના ખમણને મીસ કરુ છું. હૈદરાબાદ એક ટીવી ચેનલમાં કામ કરતો હતો ત્યારે સુરત ટ્રેનમાં પાછો આવું ત્યારે ક્યારે વાપી આવે અને ખમણ ખાઉં. એવી ભયાનક ઇચ્છા થતી. ગુજરાતમાં જો આવો કોઈ મહોત્સવ રાખવો હોય તો કોનો રાખવો, અમદાવાદીઓ કહેશે કહેશે ફાફડા મહોત્સવ, સૌરાષ્ટ્રવાસીઓ કેહશે ગાંઠીયા મહોત્સવ. તો વડોદરાનો ચેવડા મહોત્સવ,,,જવા દો આ બધા વાતો. હજુ બે દિવસ બાકી છે. થોડુ તીખું તમતમતું ખાવાનું ગમતું હોય તો આવી જાવ દહીંસર ઇસ્ટમાં ..

No comments:

Post a Comment