Friday 20 July 2018

મણિભવન, ગાંધીજી અને હું

Mani Bhawan, Gandhi and I


ગયા ગુરૂવારે મારી દિકરીને મુંબઈમાં આવેલા નેશનલ મ્યુઝિયમ ફોર ગાંધી, મણિભવનમાં આયોજીત એક સ્પર્ધામાં ભાગ લેવા માટે જવાનું હતું. પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ મુજબ મારી પત્ની જ દિકરીને લઇ જવાની હતી. તેથી હું નિશ્ચિંત હતો. પરંતુ સવારે અચાનક કાર્યક્રમ બદલાયો. કારણ કે દિકરીને આ સ્પર્ધામાં ભાગ લીધા બાદ ફરી પાછુ સ્કુલમાં એક પરિક્ષા માટે આવવું જ પડશે. એવું પ્રિન્સિપાલે ફરમાવ્યું તેથી દિકરીને મણીભવનમાં લઈ જવાની જવાબદારી મારા માથે આવી પડી. બે સપ્તાહ પહેલાં જ મારી દિકરી આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ લઇને આવી હતી. ત્યારે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આટલા વરસાદમાં કઈ રીતે જઈશું એવું કહીને એની એક ફ્રેન્ડની મમ્મીએ ના પાડી હતી. પરંતુ મારી પત્નીનું માનવું હતું કે ગાંધીજીએ દેશ માટે આટલું બધું કર્યુ આપણે વરસાદને કારણે ના ન પાડી શકીએ. (વાહ.. વાહ) આ સ્પર્ધામાં ગાંધીજીએ લખ્યું હોય એનો એક ત્રણ મિનિટનો પેરેગ્રાફ બોલવાનો હતો. મારા સત્યના પ્રયોગો (My Experience With Truth) એ આત્મકથામાંથી ગાંધીજી નાના હતા ત્યારે બીડી પીતા હતા, માંસ ખાતા હતા કે પછી અંધારાથી ડરતા હતા એવા કોઇક બનાવમાંથી એક મજેદાર પ્રસંગ મારી દસ વર્ષની દિકરીને ગોખાવી દઈશું એવું વિચારીને અમે નિશ્ચિંત હતા. એવામાં સ્કુલમાંથી ફરમાન આવ્યું કે મારા સત્યના પ્રયોગો આ પુસ્તક સિવાય કંઈક બોલવું પડશે.

ગાંધીજી કેટલું બધું લખતા હતા એ તો મને મારી દિકરીને સમજાય એવો પેરેગ્રાફની શોધખોળ કરતા ખબર પડી. આખરે એમના એક ન્યુઝ પેપર હરિજનમાંથી એક પેરેગ્રાફ મારી પત્નીએ જ શોધી કાઢ્યો. સ્કુલના એક ટ્રસ્ટી પોતે પણ આ સ્પર્ધા માટે બાળકોએ કેવી તૈયારી કરી છે એવી ચકાસણી કરવા માટે આવ્યા હતા. એવી દિકરી પાસેથી જાણતા મને ટ્રસ્ટીઓ પ્રત્યે પણ માન ઉપજ્યું. ગાંધીજીની આ સ્પર્ધામાં ભાગ લેવો જ જોઈએ. એ પત્નીની દલિલમાં એ વખતે તો હા પાડી દિધી હતી. પરંતુ મારે જ એને લઈ જવી પડશે.એ વાતથી કંઈ બફાઇ ગયું હોવાની લાગણી થઈ. કારણ હતું મુંબઈની લોકલ ટ્રેનની ભીડ. સવારે 11.00 વાગ્યે સહેજ પણ ઘુસી શકાય એવી સ્થતી ન હોવાથી ત્રણ લોકલ ટ્રેન તો જવા દિધી. પછી મોડુ થઈ જશે એમ લાગતા ચોથી લોકલ ટ્રેનમાં દિકરીને લઇને જેમ-તેમ ઘુસ્યો. ગયા વર્ષ પણ હું જ લઈ ગયો હતો તેથી મણિભવન ક્યાં છે એ શોધવાની ફિકર નહોતી.

મુંબઈમાં છેલ્લા 13 વર્ષથી રહું છું પરંતુ સાચુ કહું તો મણિભવન ક્યાં આવ્યું છે? શું છે? એની આ પહેલા કંઈ ખબર નહોતી. ઘણાં વર્ષોથી ચિત્રલેખા નાટ્યસ્પર્ધાના નાટકો જોવા માટે અચૂક જાઉં છું. નાટક જોવાનો શોખ ઉપરાંત સુરતના મારા નાટકના મિત્રો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હોય એટલે એમને મળીએ તો જલસો થઈ જાય. આ નાટકો જોવા માટે ગ્રાન્ટ રોડ સ્ટેશને ઉતરીને ભવન્સ થિયેટર તરફ જવા માટે ચાલતો-ચાલતો જાઉં ત્યારે રસ્તામાં એક સ્થળ આવતું. ત્યાં હંમેશા વિદેશી પર્યટકોની ભીડ રેહતી હોય છે. મોંધી બસો કે કારમાંથી ઉતરીને આ લોકોને એક ગલીમાં જતા જોતો. દર વખતે એ જ સ્થળે આ વિદેશી પર્યટકોને જોતો તો નવાઈ લાગતી. એક વર્ષે તો હિંમત કરીને એમની પાછળ-પાછળ ગયો. ત્યારે એ લોકોને એક ઘરમાં જતા જોયા હતા. એ કોઈ હોટેલ હશે એમ માનીને પાછો આવી ગયો હતો. ગયા વર્ષે પહેલી વખત મારી દિકરીને મણિભવનમાં લઈ જવાનું હતું ત્યારે ફરી પાછો વિદેશી પ્રવાસીઓ જ્યાં જતા હતા એને હોટેલ સમજી બેઠો હતો પરંતુ એ જ મણિભવન હતું. એની મને ખબર પડી હતી. મુંબઈમાં પોતાના મિત્ર અને યજમાન રેવાશંકર ઝવેરીના આ ઘરમાં ગાંધીજી (1917થી 1934) 17 વર્ષ સુધી રોકાતા હતા. આઝાદી બાદ આ ઘરને નેશનલ મ્યુઝિયમમાં પરિવતીર્ત કરવામાં આવ્યું હતું. વિદેશી પ્રવાસીઓ ગાંઘીજી વિશે વધુ જાણવા માટે અહીં આવતા હતા અને એક ભારતીય તરીકે મને એના વિશે કોઈ જાણકારી જ નહોતી. ત્યારે એ વાતની ઘણી શરમ પણ આવી હતી. જો કે આ વર્ષે થોડી તૈયારી સાથે ગયો. તેથી ધ્યાનથી આ ઘરને જોયું થોડા ફોટાઓ પણ પાડ્યાં.

એક રૂમમાં સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા બાળકો અને એમની સાથે આવેલા વાલીઓ તેમજ શિક્ષકોને બેસાડવામાં આવ્યાં. સ્પર્ધા શરૂ થતાં જ મારા મગજમાં વિચારો પણ શરૂ થયા. સાચું કહું તો નાનો હતો ત્યારે ઘરનું વાતાવરણ ગાંધી વિચારોના વિરોધ કરનારું હતું. ગાંધીજીની હત્યા બાદ મુંબઈમાં મરાઠી બ્રાહ્મણોના ઘણાં ઘરો બાળી નાંખવામાં આવ્યા હતા. એ પૈકી એક ઘર અમારુ પણ હતું એવું મારી દાદી મને હંમેશા કેહતી રહેતી. કદાચ પુસ્તકોના વાંચનના મારા શોખને કારણે હું ગાંધીજી પ્રત્યેના પૂર્વગ્રહોમાંથી બચી શક્યો છું. ગાંધી વિચાર આજે પણ કેટલો અસરકારક છે એ 2011માં અણ્ણા હઝારેએ કરેલા લોકપાલ આંદોલન તેમજ દેશભરમાંથી એમને સાંપડેલા સમર્થનને જોયા બાદ અનુભવ્યું છે. અણ્ણા હજારેમાં કદાચ ગાંધીજી જેટલી સમજ નથી. તેથી એનો ફાયદો અન્ય લોકો ઉઠાવી ગયા. અણ્ણા હજારેનું આદોલન ભલે નિષ્ફળ રહ્યું હોય પરંતુ એમણે દેશભરના લોકોમાં મગજમાં ભ્રષ્ટાચારને લઇને કોન્ગ્રેસ વિરોધી જે વાતાવરણ ઉભું કર્યુ હતું. એનો લાભ 2014માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવામાં તો અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં મળ્યો છે એ વાતને કોઈ નકારી ન શકે.

મણિભવનમાં રૂમ નાનો હોવાથી એક પરેન્ટ્સ સાથે આવેલા નાના બાળકે રડા-રડ કરવાનું શરૂ કર્યુ પરિણામે એક નિર્ણાયકે એમને બાળકને લઇને બહાર જવાની વિનંતી કરી. સ્પર્ધામાં ભાગ લેવા આવનારા ઘણાં બાળકો રજૂઆત તો સારી કરતા પણ તેઓ ગાંધીજીને બદલે ભુલથી એમના સેક્રેટરી મહાદેવ દેસાઈએ ગાંધીજી વિશે લખેલી વાતો કરતા હતા. જો કે એમાં વાંક બાળકોનો નહીં પરંતુ એમના પેરેન્ટસ તેમજ શિક્ષકોનો હતો. જેમણે સ્પર્ધાના નિયમો સરખી રીતે વાંચ્યા જ નહોતા. મારી મમ્મીની પિયરની અટક (સરનેમ) ગોડકે હતી ગોડસે નહીં નાના હતા ત્યારે ઘણી વખત અમે મામાને મજાકમાં ગોડસે પણ કેહતા. બાદમાં અમને આની ગંભીરતા સમજાઈ હતી. થોડા વર્ષો પહેલા મી નાથુરામ ગોડસે બોલતોય એવુ મરાઠી નાટક આવ્યું હતું. ગાંધીજીના હત્યારાની વાતો કરતા આ નાટક પર એ વખતે દેશભરમાં પ્રદર્શિત કરવા સામે પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. એ સમયે હું હૈદરાબાદમાં સ્થીત એક ટીવી ચેનલમાં કામ કરતો હતો. ત્યાંના મહારાષ્ટ્ર મંડળે આ નાટક પર મુકાયેલા પ્રતિબંધના વિરોધમાં એની વિડિયો કેસેટને મોટા સ્ક્રીન પર બતાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. હું પણ ઉત્સુકતાવશ એ જોવા માટે ગયો હતો. આ નાટકનો હિરો નાથુરામ ગોડસે પોતે શા માટે ગાંધી વધ કર્યો એનો ખુલાસો કરતો હતો. જો કે આ ખુલાસા બાદ ગાંધીજી વિશેનું માન વધી ગયું હતું. મજબુરી કા નામ મહાત્મા ગાંધી આ કેહવતનો ખરો અર્થ પણ આ નાટક જોયા બાદ જ સમજાયો હતો.  

અંદાજે એક કલાક બાદ મારી દિકરોનો વારો પણ આવ્યો. એણે ગાંધીજીએ પોતાના હરિજન ન્યુઝ પેપરમાં બ્રેડ લેબર વિશે વાત કરી હતી. એમાંથી એક પેરેગ્રાફ વાંચ્યો. જેમાં ગાંધીજીએ જીવનમાં શ્રમનું મહત્વ સમજાવતા દરેક વ્યક્તિ પોતાનો રોટલો પોતે જ ઉગાડે અને ખાય એવી વાતો કરી હતી. ગાંધીજીની આ વાત પ્રેક્ટિકલી કેવી રીતે શક્ય બને એ વિશે ચોક્કસ મતભેદ છે. પરંતુ આની પાછળ દેશના ગામડાઓના ઉદ્ધાર વિશેની એમની ભાવનાઓ સામે કોઈ શંકા નથી. મારે પણ મારા પરિવારને રોટલા ખવડાવવા માટે ઓફિસ જવાનું હતું. તેથી અમે પણ ઝડપથી મણિભવનમાંથી બહાર નીકળી ગ્રાન્ટ રોડ સ્ટેશનની દિશામાં પગ માંડ્યા.         

No comments:

Post a Comment