Friday 6 March 2020

પત્ની પિયર જાય ત્યારે -પાર્ટ-2



મુંબઈમાં દિવાળી વકેશન પુરૂ થવા માટે હજુ એક અઠવાડીયું બાકી છે. ગુજરાતમાં તો સ્કુલો શરૂ થઈ ગઈ હશે. મારી પત્નીનો પણ સુરતથી મુંબઈ આવવાની ટિકીટ બુક કરાવી દેજો એવો ફોન આવી ગયો છે. દસ દિવસની આઝાદી હવે પૂર્ણ થવાને આરે છે.મેરી બીવી માયકે ચલી ગઈ એ ગીતમાં પેલો હીરો જેવો ખુશ હોય છે એવો મારો ઘાટ છે.શરૂઆતમાં હું આ બ્લોગ (પત્ની પિયર જાય ત્યારે -પાર્ટ-1 વાંચવા વિનંતી) લખવા નહોતો માંગતો. કારણ કે ગયા વર્ષ કરતા કંઈ અલગ બન્યું જ નહોતું. ગઈ દિવાળીમાં મને ગિફ્ટ કરવામાં આવેલા વ્યવિસ્થત સીટી વાગે એવા પ્રેશર કુકરને માળીએથી ફરી નીચે લાવવામાં આવ્યો હતો. હા અા વખતે ક્યા દિવસે ક્યું શાક બનાવવું એની યાદી પત્નીએ થોડી લાંબી બનાવી હતી. કારણ કે હવે હું ટ્રેઇની નહોતો રહ્યો. જો કે એક દિવસ મગનું શાક બનાવતો હતો ત્યારે પાનું ફરી જતા મગને કડાઇને બદલે કુકરમાં નાંખી દિધા હતા. તેથી થોડું લોંદા જેવું થઈ ગયું હતું. બાકી બધું બરાબર હતું. મારી ઓફિસમાં પણ ઘણાં બધા સહ-કમર્ચારીઓના મારા જેવા જ હાલ હતા. પરંતુ મારી સ્થીતી પ્રમાણમાં સારી હતી કારણ કે એમાના મોટા ભાગના રાષ્ટ્રીય ડિશ ખિચડી જ લઈને આવતા હતા. જ્યારે હું જ એક એવો હતો જે દરરોજ નવા-નવા શાક લઇને આવતો હતો. હવે એ લોકોને પણ મારુ શાક ખાવામાં કોઈ ખચકાટ નહોતો. તેથી અન્યોને પણ આવી યાદી માત્ર એમની જ પત્ની પાસેથી બનાવી લેવી એવી મારી ભલામણ છે.

અહીં એક સ્પષ્ટતા કરી લઉ કે રોટલો બનાવવાનું કામ આઉટસોર્સ એટલે કે કામવાળીબાઇને સોંપવામાં આવ્યું હતું. ગયા વર્ષે રોટલો કે રોટલી હોટેલમાંથી ન મળતા મારે ઘણી વખત ખિચડીનો જ આશરો લેવો પડ્યો હતો. આ વર્ષે એવું ન થાય એ માટે જ પત્નીએ આ વ્યવસ્થા કરી હતી. અત્યાર સુધી મે ઘણાં બધા બ્લોગ લખ્યાં છે પરંતુ સૌથી વધુ ચર્ચા પત્ની પિયર જાય એની જ રહી છે. કદાચ મારી આ વાત જાણી ઘણાં કુવારાઓને હસુ આવ્યું હશે તો પરણેલાઓને મારા પ્રત્યે હમદર્દી હતી. મહિલાઓ પણ વાંચીને ખુશ થઈ હતી. મને અભિનંદન પણ આપ્યા હતા. કદાચ એમના પતિઓનો ટોણો મારવા માંગતી હોય કે જૂઓ ઉમેશ ભાઈ કેવું કામ કરે છે તમે પણ શિખો. ઘણાંના ઘરોમાં કુકરની સમસ્યા મારા ઘરના જૂના કુકરો જેવી જ હશે. જે માત્ર એમની પત્નીઓ રાંધવાનું બનાવતી હોય ત્યારે જ સીટી મારતો હશે.

પત્નીઓને ખબર ન પડે તેમજ એમનાથી ડરીને પાર્ટી કરતા મારા એક મિત્રએ ધીમેકથી મને પૂછ્યું પણ ખરુ, તું આ રીતે બ્લોગમાં ખુલ્લખુલ્લાં પાર્ટીની વાત કરે છે. ડર નથી લાગતો. તો એ બધાને કેહવાનું કે મને આ વાતની શાંતી છે. એવું નથી કે મને પાર્ટીની છૂટ છે. એવી છૂટ તો દુનિયાની કોઈ પત્ની ન આપે. મારો કેહવાનો અર્થ એવો જ છે કે મારી પત્ની મારો બ્લોગ વાંચતી નથી.. હા એવું જરાય નથી કે એનું ફેસબુક કે વોટ્સઅપની ખબર નથી પડતી. મારા કરતા પણ વધુ ખબર પડે છે. પરંતુ એને આ બધુ પસંદ નથી. એ માત્ર ટ્વીટર પર દેશની ગંભીર સમસ્યાઓની ચર્ચામાં ભાગ લે છે. જેમાં મને કંઈ મજા નથી આવતી. ટ્વીટરમાં મને વધુ સમજ પણ નથી પડતી. જો કે એણે જ મને ટવીટર પર એક અકાઉન્ટ ખોલી આપ્યું છે.

ફરી મુખ્ય વિષય પર આવું તો ગયા વર્ષે મને બરોબર સીટી વાગે એવો પ્રેશર કુકર ગિફટ આપનાર મારી પત્ની આ વખતે રોટલો કે રોટલી ગરમ જ રહે એવો મોટો ડબ્બો ગીફ્ટમાં આપી ગઈ હતી. એક વખત તો મને મારા નાટકની પ્રેક્ટિસમાં મોડુ થતું હોવાથી એ ડબ્બો જ બેગમાં ઉંચકીને લઈ ગયો હતો. પછી બહુ મોટી ભુલ થઈ ગઈ છે એવું ભાન થતા ઓફિસમાં કોઈને ખબર ન પડે એ રીતે એમાંથી રોટલાઓ કાઢી લઇને બધાની સાથે જમવા બેઠો હતો.રાત્રે જમવાનો સમય થતા જ બધા જેમની પત્નીઓ પિયર ગઈ છે તે મને પૂછતા ઉમેશ આજે કયું શાક છે ઘણી મહિલા કર્મચારીઓને થોડીક નવાઈ પણ લાગે છે કે આ લોકો આ બધી શી વાત કરે છે. પરંતુ અમે અમારા આ પ્રયોગો બહુ જાહેર ન થાય એની ઘણી કાળજી પણ રાખીએ છીએ.મારું ઘર ખાલી જ હોવાથી અમારા નાટકમાં કામ કરનાર એક કલાકાર મારા ઘરે જ રોકાતો હતો. એ કુંવારો છે તેથી એને મારી સ્થતી પર ઘણું હસું આવતું હતું. એણે તો નક્કી કરી લીધું છે કે ક્યારેય લગ્ન નહીં કરુ. વળી હું શાક સમારતો હોઉં કે કાંદા કાપતો હોઉ એવા મારા ઘણાં ફોટાઓ પણ પાડ્યાં. પણ મને એ શેર કરવાનું ઠીક ન લાગ્યું. છેવટે બિચારા પતીઓની આવી હાલત આખા ગામમાં ખબર પડે તો કેવું ખરાબ લાગે નહીં

No comments:

Post a Comment