Friday 6 March 2020

ચલતે-ચલતે-1 ((નિમેશ દવે સાથે)

ચલતે-ચલતે-1
મારા ફેસબુક પર આવતા બ્લોગને કારણે મારો એક નાનકડો વાચકવર્ગ ઉભો થયો છે. મારી ઓફિસના ફોટોગ્રાફર નિમેષ દવે પણ મારા બ્લોગના વખાણ કરે. પણ હાલમાં તો એમણે હદ જ કરી નાંખી. મને કહે તમે અમી કોની? નાટક લખ્યું કારણ કે તમને અમી નહોતી મળી. મારી ગર્લફ્રેન્ડનું નામ પણ અમી જ છે. મને પણ અમી નહોતી મળી. હાલ તે અમેરિકામાં રહે છે. તમારુ નાટક જોયું તો મે મારી અમીને ફોન કરીને કહ્યું ‘જો મે મારા ઓફિસના એક લેખક મિત્રને કહીને આપણી સ્ટોરી પર એક નાટક લખાવ્યું છે. મારી અમીને વાત સાચી નહોતી લાગી. તેથી મે તમારા નાટકના પોસ્ટર્સ અને વિડિયો પણ એને મોકલાવ્યા. એને ડરાવાની બહુ મજા આવી ગઈ. એને તમારા નાટકનું પેલું અમી કોની? અમી કોની? ટાઇટલ સોન્ગ બહુ જ ગમ્યું હતું.’

અમારી ઓફિસમાં ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવતા નિમેશભાઇની વાત હંમેશા આવી જ હોય. પછી મને કહે. દોસ્ત હું ફિલ્ડમાં હોઉં તો દરરોજ મને મજેદાર અનુભવો થતા હોય. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું અંગ્રેજી તો ખરાબ છે જ પરંતુ ગુજરાતી તો એના કરતા પણ ખરાબ છે. મને થયું કે હું તમને મારા અનુભવો કહીશ. તમે લખજો. મે થોડો વિચાર કર્યો અને હા પાડી. કારણ કે ઘણાં વખતથી ડેસ્ક જોબને કારણે બહાર જવાનું બંધ જ થઈ ગયું છે. તો એક નવી સિરીઝ ચાલું કરી રહ્યો છું. ચલતે-ચલતે-Part-1
દરરોજની જેમ હું બોરીવલીથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી મારી બાઇક પર ઓફિસ આવવા માટે નીકળ્યો હતો.. ફોટોગ્રાફર હોવાથી મારી આંખ તો તેજ છે પરંતુ કાન એના કરતાં પણ વધુ તેજ છે. બધુ જ સંભળાય. મારી થોડી આગળ એક સિનિયર સિટિઝન પોતાની કરતા બમણાંથીય વધુ વજનવાળી પત્નીને લઇને સ્કુટી પર જતો હતો. પત્ની એટલા બધા જાડા હતા તેથી બહુ જ ભદ્દા લાગતા હતા. તો સુકલકડી કાકાએ પોલીસ દંડ ન કરે એ માટે ટોપી જેવી હેલમેટ માથા પર લટકાવી હતી. ‘તમે મારા માટે અત્યાર સુધી શું કર્યુ છે?.’ પત્નીએ રસ્તામાં જ રોદડાં રડવાના શરૂ કર્યા હતા. પહેલો જ ડાયલાગ્સ સાંભળીને મને મજા આવી ગઈ. તેથી મે મારી બાઇકની સ્પીડ ધીમી કરી અને એમની સમાંતર ચલાવવા લાગ્યો.
‘ચૂપ મર, મારા જીવનના 50 વર્ષ તે બરબાદ કરી નાંખ્યાં.’ પતિએ પણ સામો જવાબ આપ્યો. ‘મને બધુ ‘ખબર છે તમે બધું જ તમારી બહેનોને જ આપ્યું છે. રક્ષાબંધન હોય કે ભાઇબીજ. મને કંઈ આપ્યું જ નથી.’ પત્નીએ બીજો બોમ્બ નાંખ્યો. પણ પતિ પણ આજે સાંભળી લેવાના મુડમાં જરાય નહોતો. ‘મે તને અત્યાર સુધી કંઈ અપાવ્યું જ નથી. તો તારી બેન્કના બે લોકરમાં શું પથરા ભરેલાં છે ? એટલામાં રેડ સિગ્નલ આવતા વાહનો રોકાયા. પણ કાકા રોકાય એમ નહોતા. અન્ય લોકોનું પણ ધ્યાન આ કાકા-કાકીની લડાઈ પર ગયું. પણ એમને મારા જેટલી ખબર નહોતી. કાકા બોલ્યા. ‘જો મારા ખિસ્સામાં નોટોનું બંડલ છે. સામે જ તનિષ્કની દુકાન છે તારે જે લેવું હોય તે લે. પણ કિટકિટ બંધ કર. જાડી તે મારા જીવનના 50 વર્ષ બરબાદ કરી નાંખ્યા.”
કાકા-કાકીની આ લડાઈએ મારો દિવસ સુધારી નાંખ્યો હતો. મેટ્રોના નિર્માણકાર્યને કારણે રોડ પર ઘણો સમય બરબાદ થવાનો હતો. તેથી મે આ લડાઇને અહીં જ પૂર્ણવિરામ આપીને મારી બાઇક આગળ હંકારી મુકી.

No comments:

Post a Comment