Monday 9 March 2020

જીતુભાઈ ચાલ્યા દુબઈ

જીતુભાઈ ચાલ્યા દુબઈ
(Farewell To Jitubhai)
મિડ-ડે ગુજરાતીમાં અમારે ત્યાં હાલ ફેરવેલની મોસમ ચાલે છે, 15 દિવસ પહેલા અમારા તંત્રીને ફેરવેલ આપી તો ગઈ કાલે અમારા બુલેટ ટ્રેન કરતા પણ સુપરફાસ્ટ પેજ ડિઝાઇનર જીતેન્દ્ર શેવાળે 7 વર્ષની નોકરી બાદ દુબઈ જઈ રહ્યાં છે. ત્યાં કોઈ ગુજરાતી ન્યુઝ પેપર તો છે જ નહીં તેથી કંઈ લોજીસ્ટીકનું કામ કરવાના છે. એવું કહે છે. છેલ્લાં ઘણાં મહિનાઓથી ઓફિસમાં તેઓ દુબઈ જઈ રહ્યાંની ચર્ચાઓ હતી. બીજા બે ત્રણ જણાં પણ એમનો પગારનો આંકડો સાંભળીને દુબઈ જવા માટે લલચાઈ રહ્યાં છે. કોણ હિંમત કરશે એ તો આવનારો સમય જ કેહશે.

જોકે મને તો દુબઈ જવાની ઓફર ઘણાં વર્ષો પહેલા આવી હતી. હું જેવો આઇટીઆઇમાં પાસ થયો કે મુંબઈમાં આવીને દુબઈમાં એક શિપમાં કામ કરવાના ઇન્ટરવ્યુંમા પાસ થયો હતો. સાચી વાત કહું તો આઇટીઆઇ ઇલેક્ટ્રીશ્યન થયેલો હોવા છતાં મારાથી એક બગડેલી ટ્યુબલાઇટ પણ ચાલુ થતી નહોતી. હથોડી ખીલી પર નહીં પણ મારા હાથ પર વધુ વાગતી. મારા કાકાને છોકરાએ મને નોકીમાં હા પાડવા માટે ખૂબ સમજાવ્યો. પણ મે ના પાડી દીધી. પપ્પાએ આર્ટસમાં એડમીશન અપાવી દેતા ગ્રેજ્યુઅેટ થઈ ગયો. જો કે તેમ છતાં નોકરી ન મળતા મારા જૂના આઇટીઆઇના મિત્રોએ સુરતના હજીરામાં આવેલા એનટીપીસીમાં નોકરી અપાવી હતી. ત્યાં પણ ફરી ટ્યુબલાઇટ જ નડી. આખરે મને સમજાઈ ગયું. મારાથી થોડી ઘણી પેન જ ચાલશે.

દુબઈ જનારા જીતુભાઈ સાથેના મારા સ્મરણો યાદ કરું તો પાંચ વર્ષ પહેલા મિડ-ડેમાં મે મારુ સૌથી પહેલું સ્પોર્ટસ પેજ જીતુભાઈ સાથે જ બનાવ્યું. બીજા જ દિવસે એડીટરે અમને કેબિનમાં બોલાવી ખખડાવી નાંખ્યાં. કારણ કે કોઈ ટેનિસના ખેલાડીનો મોટો ફોટો લઇને અમે હેડલાઇન બનાવી હતી. વળી આખા પેજમાં ક્રિકેટના કોઈ સમાચાર જ નહીં. મને કેહવામાં આવ્યું આ કોઈ અંગ્રેજી છાપુ નથી. આપણે ત્યાં સ્પોર્ટસ એટલે માત્ર ક્રિકેટ અને ક્રિકેટ.આવા ધક્કા સાથે ચાલુ થયેલો મારા સ્પોર્ટ્સના પેજ બનાવવાના પ્રયોગો હજી ચાલું જ છે. પરંતુ જીતુભાઈ જઈ રહ્યાં છે.
મે જીતુભાઇને જેના કારણે હું એનટીપીસીમાં થોડા મહિના ટકી શકેલા એવા હાલ મસ્કતમાં જીન્દાલ પાવર પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રીશ્યન તરીકે કામ કરનારા મારા મિત્ર રાજુ સોનાવાલા અને મને શિપમાં નોકરી લઇ લેવા માટે સમજાવનારા મારા કાકાના છોકરા મિલિંદ દેશપાંડે દુબઈવાલાનો નંબર આપ્યો છે. તેમજ ત્યાં સેટલ થઈ જાય તો અમારા નાટક 'અમી કોની'નો શો દુબઈમાં યોજાય એવું ઘટતું કરવા પણ જણાવ્યું છે.

No comments:

Post a Comment