Friday 6 March 2020

અમી કોનીનો બીજો -શો

અમી કોની? મારા નાટકની વાત
સુરતની એમટીબી કોલેજના અમારા પ્રોફેસર અને લેખક ડો. વિજય શાસ્ત્રી કેહતા કે લાગણીઓ કપુર જેવી હોય ઝડપથી ઉડી જાય. તેથી લખવાની આદત રાખવી. રોજ કંઇને કંઈ લખવું , કંઈ ન સુઝે તો કોઇને પોસ્ટકાર્ડ પણ લખવો. તેથી જ આજે જ આ લખવા બેઠો. આજની ભાષામાં કહ્યું તો ફોનના મેમરી કાર્ડની જગ્યા પણ મર્યાદીત હોય. તેથી જો અમુક ફોટાઓનું આલ્બમ ન બનાવું તો ડિિલટ થઈ જાય. આવું જ કંઈક અમદાવાદમાં મે પહેલી વખત ભજવેલા નાટક વખતે થયું. એ ભુલ પરથી બોધપાઠ લઇને થોડા-ઘણાં ફોટાઓ ભેગા કરીને એક આલ્બમ બનાવ્યું. જેમાં મુંબઈના અમી કોની નાટકમાં ભાગ લેનારા તમામનો સમાવેશ કર્યો. તેમજ આ બધી વાતોને વાગોળવા બેસી ગયો.




આ વખતે પણ નાટકના મંચન દરમ્યાન ભુલો કરી .પરંતુ દર્શકોને હસું આવ્યું હતું. એ વાતનો સંતોષ હતો. નાટક પુરુ થયા બાદ જજે મને પૂછ્યું હતું કે આ નાટક તમારા જીવનમાં થયેલા બનાવોને આધારે લખ્યું હતું. જજની સેન્સ પર માન થયું, મે હા પાડી હતી. વળી એમણે સલાહ પણ આપી કે ફલેશબેકમાં જાવ ત્યારે માત્ર શર્ટ બદલવા માટે જે તમે 30-30 સેકન્ડનો બ્રેક લીધો. તે ખોટું હતું. તેમજ એને કારણે રસભંગ થતો હતો. વળી બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ બંધ થતું હતું. આ બધી બાબતોનો ખ્યાલ રાખજો. દિગદર્શક સાથે આ બાબતે ચર્ચા કરી. તેમજ ભવિષ્યમાં આવી ભુલ ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કર્યુ.





બાકી અમદાવાદમાં કરેલી ભજવણી કરતા આ વખતે ઘણાં નવા મસાલા દિગદર્શકે નાટકમાં નાખ્યાં હતા. ખાસ કરીને અમી સ્પર્શ કરે એટલે તરત જ એની પાછળ લટ્ટુ ત્રણેય મિત્રોની દશાનું દ્રશ્ય, પત્રકાર રમેશ પટેલનું ડ્રિમ-સિકવન્સ, પોલીસ સ્ટેશનમાં હવાલદારની ધમાલ અને સાસુના નખરાઓ જેવા દ્રશ્યોએ જમાવટ કરી હતી. મારી દિકરીએ પણ અમદાવાદમાં જેણે અમીનું પાત્ર ભજવ્યું હતું. એની દિકરીનો નાનકડો રોલ કર્યો હતો.આ સાથે જ મારી રજાઓ પુરી થઈ ગઈ હતી. તેથી ફરી પાછું ન્યુઝ પેપરની ઓફિસમાં હાજર થઈ ગયો . તેથી જ ઘરે પરત ફર્યા બાદ મોડી રાત્રે આ બધુ લખવા બેઠો. કારણ કે એ જ ડર હતો કે આ બધુ ભુલાઇ ન જવાય. તેમજ ફોટાઓ પણ ડિલિટ ન થઈ જાય. કારણ કે આ બધા ફોટાઓના આલ્બમ જ ઘણી વખત યાદ અપાવે કે મનને ગમતું હોય એવું ઘણાં સમયથી કંઈ કર્યુ નથી.





હજૂ તો માંડ બીજી વખત આ નાટક ભજવ્યું. એમાં ચોથી અમી આવી ગઈ હતી. નાટકની આ જ વાસ્તવિકતા હશે. એ વાત પણ સમજાઈ ગઈ હતી. 11 દિવસની રજા દરમ્યાન સાવ અલગ જ દુનિયમાં હતો. પત્નીના કેહવા મુજબ સવારે એલાર્મ વગર જ 8 વાગે ઉઠી જતો હતો. કિધા વગર દરરોજ નાહતો પણ હતો. બાકી તો........
000000000000000000000000000000

રંગદેવતાને પ્રણામ
શનિવારે  1 ડિસેમ્અબર 2018, મારુ નાટક અમી કોની? ભવન્સ ઓડીટોરિયમમાં બપોરે 12 વાગે ભજવાશે. સાત મહિના પહેલા વિચાર્યુ પણ નહોતું કે મે લખેલું નાટક આ રીતે મુંબઈના સ્ટેજ પર ભજવાશે. મે મહિનામાં સુરેશ રાજડાના નાટ્ય દિગ્દર્શન શિબિરમાં ભાગ લીધો અને મારે જેવા પંચાવન લોકો મળ્યાં જેને નાટકમાં રસ હતો. બસ જૂન મહિનાથી જ તૈયારી શરૂ કરવામાં આવી હતી. મુંબઈમાં કોઈ મફતમાં પોતાનો ફ્લેટ પણ રિહર્સલ માટે આપી શકે. એવું પહેલી વખત જોવા મળ્યું.બે મહિના ત્યાં રિહર્સલ થયું. ત્યાર બાદ ફલેટ ભાડા પર જતા અમે બોરીવલી (વેસ્ટ) માં આવેલા વીર સાવરકર ગાર્ડનમાં પ્રેક્ટિસ કરતા હતા. ભેગા મળ્યાં ત્યારથી જ મુંબઈના અદી મર્ઝબાન એકાંકી સ્પર્ધામાં ભાગ લઇશું એવી જ યોજના હતી. દરમ્યાન સપ્ટેમ્બર મહિનામાં અમદાવામાં કનૈયાલાલ મુનશી એકાંકી નાટ્યસ્પર્ધાની ખબર પડતા એમાં ભાગ લીધો.

શિબિરમાં ભાગ લેનાર તમામ માટે આ પ્રથમ અનુભવ હતો. જેમાંથી ઘણું શીખ્યાં. ક્યાં કચાશ રહી ગઈ હતી. તેની થોડી ઘણી સમજ આવી. હવે એમાંથી શિખીને આગળ વધી રહ્યાં છીએ. કોઈ એક પ્રોજેક્ટ હાથમાં લો છો અને પુરુ કરવાનો પ્રયત્ન કરો છો. ત્યારે એવું લાગે છે કે તમે ઘણું બધુ કરી શકો છો. રંગદેવતાને પ્રણામ કરીને વિરમુ છું. સાથે જ એક પોસ્ટર પણ એટેચ કર્યુ છે. રસધરાવનારાઓ ભવન્સ ઓડીટોરીયમમાં શનિવારે સવારે 10 વાગ્યાથી 100 રૂપિયાની ટીકીટ લઇને 11 જેટલા નાટકોનો રસાસ્વાદ માણી શકે છે.
Special Thanks To Pinky Deshpande for making this lovely poster.


Show Time
આખરે એ ક્ષણ આવી જ ગઈ. જેના માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે અહીં અમારા અમી કોની? નાટકની રજૂઆત છે. મનમા ઘણો આનંદ, થોડો ડર , થોડીક ઉત્સુકતાની લાગણીઓ હિલોડા લઈ રહી છે. સહકાર બદલ તમામનો ખુબ ખુબ આભાર


તમાચાનું હાસ્ય
અમી કોની ? આ નાટકમાં મારા ડિરેકટરે મને એક ડાન્સ કરવાનું કહ્યું . મને ડાન્સ કરતા આવડતો નહોતો અને આવડવાનો પણ નથી જ. તેમ છતાં ડિરેક્ટરની ઇચ્છા પ્રમાણે મે કર્યું. નાટકમાં મારી અમી મને અેહવાલ લખાવતી હોય પરંતુ મારુ ધ્યાન અેહવાલમાં નહીં પણ અમીમા જ હતું. તેથી હું સપનામાં સરી પડ્યો. આ ડ્રીમ સિકવન્સ દરમ્યાન કોલેજનો એક પટાવાળો મારી સાથે અથડાય અને હું એની સાથે ડાન્સ કરુ અને તે મને લાફો મારે એવું દ્રશ્ય હતું. ભવન્સમાં નાટક દરમ્યાન મને એક ટેડી બેર મળવાનું હતું. પરંતુ એ ન મળ્યું. મે માઇમ કરીને એ વાતની જાણ દર્શકોને ન થવા દિધી. મારા નાટકના રાઇટરે પટાવાળાનું પાત્ર ભજવ્યું. મારી સાથે ડાન્સ કર્યો. લોકોને ઘણી મજા આવી ગઈ. જતાં-જતાં મને લાફો મારતા ગયા. ઓડીયન્સને ઘણી મજા આવી ગઈ.

No comments:

Post a Comment