Friday 19 June 2020

મુંબઈની ઉતરાણ

Kite Festival In Mumbai

આજે વર્ષ 2019ની 16 જાન્યુઆરી છે. ગુજરાતના મારા ઘણાં મિત્રોના પંતગ ચગાવવવાના કારણે હાથ દુખતા હશે. ફરી ઓફિસ કે ધંધા પર જવાનો કંટાળો આવતો હશે. સાંજે ધાબા પર બહુ દોડા-દોડી કરવાને કારણે મારી દિકરી પગ દુખી રહ્યાની ફરિયાદ સોમવારે સ્કુલે લઇ જતી વખતે મારી દીકરી કરતી હતી. કારણકે અમે મુંબઈમાં અહીં ઉતરાણ 13 તારીખે રવિવારે જ ઉજવી હતી. કારણ કે 14 અને 15 જાન્યુઆરીના રોજ અહીં સ્કુલોમાં કોઈને રજા નહોતી. શરૂઆતમાં મુંબઈ આવ્યો ત્યારે આ વાત મને ખબર નહોતી. તેથી રાજકોટના મારા મિત્ર સાથે થોડા વર્ષો પહેલા 14 જાન્યુઆરીના રોજ ધાબા પર પતંગ ચગાવવા પહોંચી ગયો હતો. સુરતથી ખાસ માંજો પણ લઈ આવ્યો હતો. મારા ધાબા પર કોઈ જ નહોતું. છેવટે અમે ચગાવેલો પતંગ જ નીચે ઉતારી લીધો. પછી ખબર પડી કે અહીં ઉતરાણમાં સ્કુલમાં રજા જ નહોતી.

ગયા વખતે ઉતરાણ રવિવારે હતી. તેથી થોડી ઘણી મજા આવી હતી. તેથી આ વર્ષે પણ એ બધા મિત્રોને મારા ઘરે બોલાવ્યા હતા. મુંબઈમાં મારા ઘરની આસપાસ થોડો ગુજરાતીઓની વસ્તી વધુ હોવાથી પતંગ ઉડાવનારાઓની સંખ્યા થોડી છે. તેથી છેલ્લાં પાંચ વર્ષથી અમારા બિલ્ડિંગની અગાસી પર પતંગ ઉડાવવાની મજા થોડી ઘણી આવે છે. રવિવારે મારા મિત્રો આવવાના હોવાથી કોઈની સાથે પેચ લઢાવી શકાય એ માટે મે શનિવારે મારા પાડોશીના છોકરાને કહ્યું કે ભાઈ આવતીકાલે ધાબા પર આવી જજે. પરંતુ એણે મને કહ્યું અંકલ સોસાયટીના સેક્રેટરીએ ટેરેસ પર તાળુ મારી દિધું છે. પરમિશન લેટર આપવો પડશે. આ માહિતી મારા માટે પણ નવી હતી. તેણે વધુમાં કહ્યું કે પપ્પા સાથે ફોન પર વાત પણ કરાવી તો પણ લેટર વગર ટેરેસનું લોક ખોલવાની સેક્રેટરીએ ના પાડી દિધી.

ઉત્તરાણના દિવસે પણ ધાબા પર જવા માટે પરમિશન. પહેલા મને એમ કે કદાચ પ્રેમી-પંખીડાઓને મોકળું મેદાન ન મળે એ માટે આવું હોવું જોઈએ. મે સોસાયટીના એક સભ્યને પૂછ્યું તો તેણે કહ્યું કે મુંબઈ પોલીસનો જ આદેશ છે. આત્મહત્યાના બનાવોને કારણે આવું કરવામાં આવ્યું છે. આમ લેટર આપવા સિવાય છૂટકો જ નહોતો. એ વાત મને સમજાઈ ગઈ. દિકરીની મદદથી અંગ્રેજીમાં પરમિશન માટેનો લેટર લખીને સેક્રેટરીના ઘરે ગયો તો એ ઘરે નહોતા. બીજા દિવસે સવારે પાડોશી છોકરાના પપ્પાને પૂછ્યું કે તમે કેમ લેટર નથી લખી આપતા તો કહે મારો છોકરો તો મોટો છે પણ બીજા છોકરાઓનું શું. કંઈ થઈ ગયું તો એ લોકોની જવાબદારી કોણ લેશે. મને પણ થોડીક બીક લાગી. કારણ કે હું પણ બપોર પછી નોકરી પર જવાનો જ હતો. તેથી જેમના છોકરાઓ ‘નજર હટી, દુઘર્ટના ઘટી’ જેવા તોફાની હતા. એમને ફોન કરીને મારી અરજીમાં સહી કરવા માટે રાજી કર્યા અને પછી જ અરજી સેક્રેટરીને આપી.
નાનપણથી ઉતરાણ મારો સૌથી પ્રિય તેહવાર. કપાયેલો પતંગ પકડવા માટે હુ પપ્પાની મોટી સાયકલ લઇને ઘણો દૂરૃ-દૂર સુધી જતો. પણ જો પતંગ શેરડીના ખેતરોમાં જતો રહે તો અંદર જવાની હિંમત નહોતી થતી. અમારી બાજુની સોસાયટીમાં રહેતો પ્રકાશ નામનો મારો મિત્ર હંમેશા ખેતરમાં ઘુસીને પણ કપાયેલો પતંગ લઇ આવતો. જેની મને બહુ ઇર્ષા થતી. રેડીયો પર પતંગની લાઇવ કોમેન્ટરી આવતી એવી વાતો ઘણી સાંભળી હતી. પરંતુ મે ક્યારેય સાંભળી નથી. સુરત આકાશવાણીમાં કેઝ્યુઅલ એનાઉન્સર હતો. ત્યારે હિન્દી અને ગુજરાતી ગીતોનો એક સ્પેશ્યલ પ્રોગ્રામ બનાવ્યો હતો. ત્યાર બાદ હૈદરાબાદમાં ઇટીવી ગુજરાતીમાં પણ એજ ગીતોના આધારે એ વખતના રાજકીય પરિસ્થતીના આધારે એક સાત મિનિટ લાંબો કાર્યક્રમ પણ કર્યો હતો. જે પણ યાદગાર રહ્યો હતો.

મુંબઈમાં ઘણાં વર્ષો સુધી મને ઉતરાણ નજીક છે એ વાત આકાશમાં ઉડતા પતંગને કારણે નહીં પણ સોસાયટીમાં લાગેલા ‘પક્ષી બચાવો.. પતંગ ન ઉડાવો’ એવા પોસ્ટરોને કારણે જ થતી હતી. પરંતુ હવે તો પતંગ પણ એટલા ઓછા ઉડે છે કે એ પોસ્ટરો પણ ખાસ દેખાયા નહોતા. આ વખતે 14જાન્યુઆરીના સોમવારે સવારે અમારી સામેની અગાસી પર એક છોકરાને પતંગ ચગાવતો જોયો હતો. તેમજ કાઇપ્યોની એક બુમ સાંભળી હતી. હું પણ રવિવારે સવારે મારી દિકરી સાથે ધાબા પર ગયો. એક પતંગ ઉડાવ્યો અને ત્યાર બાદ એને ઉતારી લીધો. કારણ કે કોઈ પેચ લેનાર જ નહોતું. સાંજે મારા મિત્રોએ બે કલાક સુધી પતંગનો આનંદ માણ્યો હતો. જેના ફોટાઓ શેર કરુ છું.

No comments:

Post a Comment