Friday 19 June 2020

સુડોકુની રામાયણ

રવિવારે બધાને રજા હોય પણ અમારે તો નોકરીએ જવાનું હોય. રોજના પ્રમાણમાં લોકલ ટ્રેનમાં ભીડ પણ ઓછી હોય. તેથી શાંતીથી બેઠો હતો. મારી બાજુમાં એક સિનિયર સિટિઝન કાકા પણ ઝબકી ખાઈ રહ્યાં હતા. એમના હાથમાં મિડ-ડે પેપર ઘડી વાળેલું હતું.મારુ સ્ટેશન આવવાને 10 મિનિટ જ બાકી હતી. મે મારી ઉંઘ ખેંચી લીધી હતી. દરમ્યાન એક ભાઈ કાકાના હાથમાં રહેલા એ પેપરને ધીમેથી ખેંચવાનો પ્રયાસ કરતા હતા. જેને કારણે કાકા જાગી ગયા. પેલા ભાઇએ વિનંતી કરી કે કાકા પેપર આપોને. કાકાએ આપી દિધું. પેલા ભાઇએ પેપરમાં પેનથી કઈ લખતા હતા. ફટાફટ લખવાનું પુરુ કરીને કાકાને ઘઢી કર્યા વગર આપી દિધું. કાકાની નજર પેપર પર જતા તેઓ ગુસ્સે થઈ ગયા. ‘આ શું કર્યુ તમે સુડોકુ ભરી નાંખ્યું. એટલા માટે જ તો મે આ પેપર ખરીદ્યું હતું.’  
કાકાની આ વાત સાંભળીને મને થોડા આધાત પણ લાગ્યો. કારણ કે મને એમ હતું કે લોકો અમારુ પેપર સારા ન્યુઝ અને ફોટાઓ જોવા માટે ખરીદે છે. રવિવારે અમારા પેપરમાં થોડુક મોટુ સુડોકુ આવે છે. જો કે મને એ રમતા નથી આવડતું. આમ તો આંકડાઓની સીધી લાઇનમાં ગોઠવવાના હોય છે. એ રીપીટ ન થવા જોઈએ. આટલું પણ મારી દિકરીને સ્કુલમાં સુડોકુની એક સ્પર્ધા હતી. તેથી એને સમજાવવા માટે શિખ્યો હતો. કાકાએ તો પોતાની રામ કહાણી શરૂ કરી.‘ અરે ભાઈ, કાકી મને ગણીને રૂપિયા આપે છે. 20 રૂપિયા ઓટોરીક્ષાના, 12 રૂપિયા વડાપાઉના અને 7 રૂપિયા મિડ-ડેના હવે હું શું કરીશ.’ પેલા ભાઈ થોડા શરમમાં પડી ગયા. ‘સોરી કાકા, ભૂલ થઈ ગઈ, આલો 10 રૂપિયા.’ એમ કહીને કાકાને નોટ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ જોઈને કાકા વધુ ભડક્યા. ‘10 રૂપિયાનો સવાલ નથી. હવે મિડ-ડે ક્યાં મળશે. ’ કાકાની વાત એક રીતે સાચી હતી કે બપોર પછી મિડ-ડે પેપર-સ્ટોલ પર ભાગ્યે જ મળે.
સુડોકુ ભરવાને કારણે આ બન્ને વચ્ચે થયેલી જીભાજોડીને કારણે થોડુક દૂર સુઈ રહેલા એક ભાઈની ઉંધ ખરાબ થઈ. ‘અરે ક્યાં નોંટકી લગા રખી હૈ. દુસરો કો ભી ડિસ્ટર્બ કરતે હૈ. આપ ગુજરાતી લોગ ભી પતા નહીં ક્યાં કિટપીટ કરતે રહતે હો.’ આ વાત સાંભળતા જ ચિત્ર બદલાઈ ગયું. પેલા કાકા અને ભાઈ ભેગા થઈ ગયા અને પેલા ત્રીજા વ્યક્તિ પર ચઢી ગયા. ‘સોને કો ઇતના હી શોખ હૈ ને તો ઓલા કર. 10 રૂપિયા ખર્ચ કરકે લોકલમે આના હે તો ઐસા હી હોગા. હમ લોગ બાત કર રહે હો તો આપકો ક્યાં પ્રોબ્લેમ હૈ.નોટંકી કિસકો બોલતા હૈ માઇન્ડ યોર લેન્ગવેજ. નોનસેન્સ.’
મામલો થોડો ગંભીર થશે એવું લાગતા જ થોડા ઘણાં અન્ય લોકો પણ વચ્ચે પડ્યાં. તેમજ ત્રણેયને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગ્યાં. મે પણ મારી બેગમાંથી મારુ મિડ-ડે કાઢીને પેલા કાકાને આપ્યું. આલો સુડોકુ આમાંથી ભરી લેજો. મારુ સ્ટેશન પણ આવવાની તૈયારીમાં જ હતું. તેથી હું સીટ પરથી ઉઠીને દરવાજા તરફ આગળ વધ્યો. ઉદુના શાયર નિદા ફાઝલીનો આ શેરનો અર્થ સમજાયો.
ઘર સે મસ્જિદ હૈ બડી દૂર ચલો યુ કર લેં
કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે
ચલતે-ચલતે-4
નિમેષ દવે અને ઉમેશ દેશપાંડે

No comments:

Post a Comment