Friday 19 June 2020

કવિતા કે જોડકણાં?

મારી પત્રકાર તરીકેની કરીઅરના શરૂઆત મે સુરતના ધબકાર નામના પેપરથી કરી. જેમાં મારુ કામ શહેરની વિવિધ સંસ્થાઓ ના સમાચારોને રી રાઇટ હતું. દરમ્યાન એક યુવક અમારી ઓફિસમાં આવીને એની કવિતાઓ અમારા પેપરમાં પબ્લિશ કરવા માટે આપી જતો. હું એની કવિતાઓ અમારા પેપરમાં કવિતાઓના લેખનું સંપાદન કરનારા સુરતના જાણીતા કવિ મનહરભાઈ ચોકસીને આપતો. પેલા યુવકની કવિતા ત્રણ-ચાર વખત આપવા છતાં ન છપાતા તેણે મને પૂછ્યું કે મારી કવિતા કેમ નથી છપાતી? મે જવાબ આપ્યો મનહરભાઈને પૂછજો. પછી તો મનહરભાઈ ક્યારે આવે છે એ જાણીને દસ એક જેટલાં મેગેઝીન લઇને એ અમારી ઓફિસમાં આવ્યો. મનહરભાઈએ એને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ કોલમમાં કવિતાઓ છપાય છે જોડકણાં નહીં. યુવક પણ ગાંજિયો જાય એવો નહોતો.આ જુઓ આટલી મેગેઝીનમાં મારી કવિતાઓ છપાઈ છે. એમ કહી પોતાની કવિતાઓ બતાવી. મનહરભાઈએ પૂછ્યું આ કયું મેગેઝીન છે? યુવકે કહ્યું અમારી જ્ઞાતિનું મેગેઝીન છે. સાંભળતાં જ મનહરભાઈએ કહ્યું ‘ભાઈ, જ્ઞાતિના મેગેઝીનમાં બઘું જ ચાલે. પણ ન્યૂઝપેપરમાં જોડકણાં નહી છપાય.’

આ વાત એટલા માટે યાદ આવી કારણ કે ઇંગ્લિશ મીડિયમના પાંચમા ધોરણમાં ભણતી મારી દીકરીએ મને કહ્યું કે એની પોએમ સ્કૂલની એપમાં મુકવામાં આવી છે અને એન્યુઅલ મેગેઝીનમાં પણ છપાશે. સ્કૂલમાં છ મહિના અગાઉ યોજાયેલી શીઘ્ર કવિતા સ્પર્ધામાં એણે આ કવિતા લખી હતી જેને પહેલું ઇનામ પણ મળ્યું હતું. કોને કવિતા કહેવાય અને કોને જોડકણાં એ બન્ને વચ્ચેનો ફરક હજી પણ મને સમઝાતો નથી,પરંતુ મારી દીકરીએ મને એની સ્કૂલમાં એક્સ્ટ્રા લર્નિંગમાં રાઇમિંગ સ્કીમ.. એ.બી. એ.બી. અને એ.બી.સી એ.બી.સી ટૂંકમાં શબ્દોના પ્રાસ કેવી રીતે બેસાડવાના એવું બધુ શિખવાડવામાં આવે છે એવું કહેતા ખરેખર એની સ્કૂલ વિશે માન ઊપજ્યું. કારણ કે કોલેજમાં પણ અમને આવું બધું ખબર પડતી નહોતી.
મે લખી હોય અને અમારી કોલેજના મેગેઝીનમાં છપાઈ હોય એવી પહેલી કવિતા પરિક્ષા પર હતી. ઇર્શાદ....
ઓ પરિક્ષા...

ઓ પરિક્ષા તું જ તો સૌનું દુખ છે,
બાકી પૂછો કોલેજમાં તો સુખ છે.
પેપર-1 ને પેપર-2 ની હૂંફ છે,
ભાસની વાસવદત્તાને મિલનનું સુખ છે.
શેક્સપિયરની આ ટ્રેજડી તો જુઓ કેવી ક્રુર છે,
બચ્ચનની ‘મધુશાળા’ તો હજી ઘણી દૂર છે
દેશની બરબાદીનો કેવો ભવ્ય આ ‘ઇતિહાસ’ છે,
મુજ ગરીબડાનું સમૃદ્ધ કેવું અર્થનું આ શાસ્ત્ર છે
અમારા આર્ટસના વિવિધ વિષયો પર કંઈ લખ્યું હતું. જોકે સુરેશ દલાલની કવિતા મેગેઝીનમાં છપાયેલી એમની એક કવિતાની જ આ પેરોડી હતી. કવિતાના પ્રાસ કે છંદની કોઈ સમજ નહોતી. મને બરાબર યાદ છે કે એક જ કેમ્પસમાં આવેલી અમારી એમટીબી કોલેજના બોર્ડ પર લગાડવામાં આવતી કવિતાઓ કરતા બાજુના પી.ટી. સાયન્સ કોલેજના બોર્ડ પર લગાડવામાં આવતી રચનાઓ વધુ સારી હતી. એટલે જ ડોક્ટરો અને એન્જિનયરો કદાચ સારા કવિઓ અને લેખકો છે.

પત્રકાર તરીકે ઘણા પુસ્તકો, મેગેઝીન અને પેપરો ઘરમાં લઇને આવતો હોવ છું. પત્ની ગમતું નથી. પરિણામે ઘરમાં મારા માટે એક બુક સેલ્ફ બનાવ્યો હતો. પહેલા તો મેગેઝીનો વાંચતા જ નથી એમ કહીને એને બંધ કરાવ્યા અને પછી મારા બુક સેલ્ફને મોડીફાય કરીને હવે એને કપ-રકાબી મૂકવાના શો-કેસમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. જવા દો એ બધી વાત. 13 વર્ષ પહેલા હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મસીટીમાં ચાલતી ઇટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કામ કરતો હતો. ત્યારે HRને કહીને કોલેજમાં હોય એવું ડિસપ્લે બોર્ડ ડેસ્ક પર મુકાવેલું. જેમાં બધા પોતાના કવિતાઓ અને ચિત્રો મુકતા. મને બરાબર યાદ છે. અમદાવાદનો ભાવેશ દવે કોઈ કવિતા લખે એટલે તુરંત એની પેરોડી કરતો. વળી અમારા નવોદિત કવિઓએ જે તખલ્લુસ પોતાના માટે વાપર્યુ હોય એની પણ નકલ મારતો. અમને બધાને મુળ કવિતા કરતા ભાવેશની પેરોડીમાં વધુ મજા આવતી. બાળ કવિઓ થોડા નારાજ રહેતા પણ એકંદરે પ્રયોગ સફળતાથી ચાલતો હતો. દરમ્યાન એક વખત અમે બધાં ડેસ્કના સભ્યો નાઇટ શિફ્ટ દરમ્યાન કેન્ટિનમાં ઈડલી ખાવા ગયા. દરમ્યાન એક એન્કર (ન્યુઝ રીડર) ડેસ્ક પર કોઈને ન જોતા એક સૂચના પેલા બોર્ડ પર લખી ગયો. હું XYZ રૂમ નંબર XYZમાં સુતો છું. મને જગાડી દેજો. અમે ઈડલી ખાઇને પરત ફર્યા ત્યારે અમારા પેનલ પ્રોડ્યુસર (ડિરેક્ટર) ઉત્પલ પટેલે મને ઉઠાડી દેજો. એ સૂચનાની નીચે લખ્યું તારા બાપના નોકર છીએ. વહેલી સવારે શો પત્યા બાદ ન્યૂઝ રીડરનું ધ્યાન બોર્ડ પર જતા એને બહુ લાગી આવ્યું. તેણે HRમાં ફરિયાદ કરી. કોણે આ લખ્યું? એવો સવાલ અમને બધાને પૂછવામાં આવ્યું. કોઈએ કોઈ નામ ન કહ્યું. પરિણામ એ આવ્યું કે અમારું એ ડિસ્પલે બોર્ડ હટાવી લેવામાં આવ્યું. અમારી એ કવિતાના પ્રયોગનો અકાળે અંત આવ્યો.
ઇટીવીમાં કામ કરતા મારા સહ કર્મચારી નિમેષ ખાખરીયાને દિવ્ય ભાસ્કરમાં નોકરી મળતા એણે રાજીનામું આપ્યું ત્યારે ઝવેરચંદ મેઘાણીએ મહાત્મા ગાંધીની ગોળમેજી પરિષદને લઇને લખેલી એક સુપ્રસિદ્ધ કવિતાની પેરોડી કરતા મે લખ્યું હતું.
છેલ્લી ત્રણ ઈડલી ખાઈ લો ખાખરીયા
છેલ્લી ત્રણ ઈડલી ખાઈ લો ખાખરીયા
ફરી આ સ્વાદ મળે ન મળે...
ભાવી જીવનમાં તમોને મળી ઘણી સફળતાઓ
શુભેચ્છાઓ અમારી, પણ રામોજી જેવા કષ્ટો મળે ન મળે...
અમદાવાદમાં તમને મળશે લોકો સેંકડો
પણ સદાય ગોળગોળ ફેરવતા અભિભાઈ મળે ન મળે...
ફરવું પડશે તમને કંઈ કેટલીક ઠેકાણે ,
પણ છછુંદરું ઉમેશ મળે ન મળે ...
પ્રેમ તો કરશો તમે ત્યાં કેટલાકને ,
પણ આ લઇ ધીસ કહેતી વૈજયંતી મળે ન મળે...
સમાચાર તો મેળવી લેશો તમે ક્યાંક ને ક્યાંકથી
પણ બીબીસી અને ઓલ ઇન્ડિયા રેડીયો જેવી રેખા-અપર્ણા મળે ન મળે...
માણસો ઘણા મળશે તમને અમદાવાદી,
પણ મતલબી-ખેપલી ચિરાગ મળે ન મળે
સપનાઓ તો તમે સજાવ્યા હશે ઘણાંય
પણ સપનામાંય ઉંઘતો ઉત્પલ મળે ન મળે...
કામ તો કરશો કશુંક,
પણ સતત કન્ટિન્યુ અલ્પેશ મળે ન મળે
સેટિંગ તો તમે ઘણાં કરશો
પરંતુ મારુ સેટિંગ ક્યારે? એવું કહેતો દિવ્યેશ મળે ન મળે
કવિતા તો તમે ઘણી વાંચી હશે
પરંતુ કવિતામાં રંગીન રાજુભાઈ મળે ન મળે
છાપાં તો તમે બદલશો ઘણાંય
પણ ચેનલ બદલતી હરિતા મળે ન મળે
ફિલ્મો તો તમે જોશો ઘણીય
પણ જીવનમાં ફિલ્મી ઉદાહરણો ટાંકતા વિજયભાઈ મળે ન મળે
મફતમાં ચાહ પિશો તમે કંઈ કેટલાયની
પણ સૌને ચાહ પિવડાવતી હિતૈશી મળે ન મળે
છેતરશો તમે કંઈ કેટલાયને
પણ મીંઢો અભૂતપૂર્વ અપૂર્વ મળે ન મળે
છાપાને એડવટાઇઝ તમે અપાવશો ઘણી
પણ ચણિયા-ચોળી અપાવતો હસિત મળે ન મળે
નોંધ - હાલ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કરતો પત્રકાર નિમેશ ખાખરિયા જ્યારે હૈદરાબાદની ઇટીવી ગુજરાતી ન્યુઝ ચેનલની નોકરી છોડીને અમદાવાદના દિવ્ય ભાસ્કરમાં ગયો ત્યારે સ્ફુરેલી આ કવિતા

No comments:

Post a Comment