Friday 19 June 2020

મને ભૂત થયેલી પત્નીથી બચાવો

આવી બધી વાતો કરવાનું ક્યા પરણેલા પુરૂષને મન ન થતું હોય. પરંતુ આવી જ મજાક સાચી બની જાય ત્યારે. કંઈક આવો જ એક કિસ્સો મારી સાથે થોડા વર્ષો પહેલાં બન્યો. ફોટો-જર્નાલિસ્ટ તરીકે અમારે ઘણાં બધાં પોલીસ સ્ટેશનના ચક્કરો નિયમિત રીતે કાપવા પડે. તેથી પોલીસ સ્ટેશનમાં કામ કરતા સિનિયર પોલીસ ઇન્સપેક્ટરથી માંડીને હવાલદાર સુધી દરેકની સાથે એક સંબધ બંધાઈ ગયો હોય. જે ઘણી વખત પ્રોફેશનલમાંથી મટીને અંગત પણ થઈ જાય. અંધેરીમાં આવેલા ડી.એન. નગર પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઇ મોરે સાહેબ (નામ બદલ્યું છે) પણ મારા આવા જ અંગત અધિકારી હતા. વળી પોલીસ ડીપાર્ટમેન્ટમાં એમનું નામ આદરપૂર્વક લેવાતું. તમામ પત્રકારો સાથે એમના સારા સંબધો હતા. કારણ કે અંગ્રેજી, મરાઠી કે ગુજરાતી ન્યુઝ પેપર કે પછી ન્યુઝ ચેનલ એવા કોઈ ભેદભાવ વગર એમની પાસે જે કોઈ માહિતી હોય તે કોઈ પણ જાતનો કંટાળો કર્યા વગર આપતા. પ્રમાણિક અધિકારી હોવાને કારણે મુંબઈમાં જ એમની ત્રણ-ચાર પોલીસ સ્ટેશનોમાં બદલીઓ પણ થઈ હતી.
એક દિવસ મારુ છાપાનું કામ પતાવીને હું રાત્રે 12 વાગે ડી.એન. નગર પોલીસ સ્ટેશનમાં ગયો. કારણ કે આ વિસ્તારમાં એક જાણીતી હિરોઈને એક અઠવાડીયા પહેલાં જ આત્મહત્યા કરી હતી. એમાં જાત-જાતના વળાંકો આવી રહ્યા હતા. કોઈ મોટા હિરોના દિકરાની પણ આત્મહત્યાના મામલે ધરપકડ થાય એવી વાતો ચાલી રહી હતી. તેથી હવાલદારને મળીને કઈ વિગતો જાણી શકાય એવો મારો ઇરાદો હતો. પરંતુ પોલીસ સ્ટેશનમાં ગયો તો મારા આશ્ચર્ય વચ્ચે જ મોરે સાહેબ પણ હાજર હતા. મારો અવાજ સાંભળીને એમણે મને એમની કેબિનમાં બોલાવ્યો. તેમજ કહ્યું કે ‘આવતીકાલે સવારે 11 વાગ્યે હીરોના દિકરાને અમે સ્ટેટમેન્ટ આપવા માટે બોલાવ્યો છે. મોટેભાગે એની ધરપકડ પણ કરીશું. કેમ કે આત્મહત્યા માટે ઉશ્કેરવામાં એની પણ ભુમિકા હતી. એવું તપાસમાં જાણવા મળ્યું છે.’ મારો ફેરો ફોગટ ન જતા મને થોડીક શાંતી થઈ.
એમણે તરત જ બે ચા મંગાવી. ચાની ચુસકી લેતા-લેતાં મને કહ્યું ‘હું આટલી રાત્રે અહીં પેલા હિરોઇનના આત્મહત્યાના હાઇ-પ્રોફાઇલ કેસના કારણે નહીં પણ એક અલગ જ કેસના કારણોસર રોકાયો છું. છેલ્લાં બે દિવસથી અમારે ત્યાં રાત્રે 12 વાગ્યા પછી એક અંદાજે 35 વર્ષના ભાઈ આવે છે. એની પત્નીનું થોડાક મહિના પહેલા અવસાન થયું છે. પરંતુ એને એવું લાગે છે કે એની પત્ની મર્યા બાદ ભૂત થઈ ગઈ છે. રોજ રાત્રે ઘરે આવે છે. આખી રાત એને હેરાન કરે છે. અમને કહે છે કે બે હવાલદારને મારી સાથે મોકલો અને એની ધરપકડ કરો. પહેલા દિવસે તો અમારા હવાલદારે એને ભગાડી મુક્યો તો ગઈ કાલે પાછો આવ્યો. અમારા સબ ઇન્સપેક્ટરે પણ એનો સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ભાઈ કોઈ રીતે સમજવા તૈયાર જ નહોતા. સબ-ઇન્સપેક્ટરે પણ માંડ-માંડ જાત પર કાબુ રાખ્યો હતો. પોલિસ ભૂતને કઈ રીતે પકડે? એક તરફ આ હાઇ-પ્રોફાઇલ કેસની મગજમારી ચાલી રહી છે. ઉપરથી પેલા ભાઈ રાત્રે આવીને અમારા સ્ટાફને આ રીતે હેરાન કરે છે. તેથી જ હું આજે રોકાયું છું. તમે પણ જુઓ .’ એવામાં જ એક હવાલદાર કેબિનમાં આવ્યો સાહેબ પેલો ગાંડો આવી ગયો. મોરે સાહેબને હવાલદારની આવી ભાષા ન ગમી. તેણે કહ્યું ‘પાંડુદાદા, કોઈએ એની મજાક ઉડાવવાની નથી. બિચારો તકલીફમાં છે. એને મારી કેબિનમાં મોકલ.’
થોડીક જ વારમાં એ યુવક અંદર આવ્યો અને બોલ્યો ‘ઇન્સપેક્ટર સાહેબ સારુ થયું તમે મને મળી ગયા. બાકી હું મારી ઓફિસમાં રજા મુકીને સવારે તમને મળવા આવવાનો હતો. આ બધા લોકો મને ગાંડો ગણે છે. સાહેબ હું સાચુ કહ્યું છે એ મારી વાઇફ ભૂત થઈ ગઈ છે. જીવતી હતી તો કેટલી સારી હતી. પણ મર્યા પછી એને શું થઈ ગયું ? કઈ ખબર પડતી નથી. આખી રાત મને જગાડે છે. મને બહુ હેરાન કરે છે. હું ઓફિસમાં કામ પણ નથી કરી શકતો. સાહેબ તમે બે હવાલદારને મારી સાથે મોકલો અને એની ધરપકડ કરો.’ યુવકની આ વાત સાંભળીને મે મારું હસવાનુ માંડ-માંડ રોક્યું.
મોરે સાહેબ પેલા યુવકને પૂછ્યું ચા પીશો. એણે ના પાડી પછી શાતીથી કહ્યું ‘જુઓ હમણાં અમારે ત્યાં એક મોટા કેસની તપાસ ચાલી રહી છે. તેથી હું બે હવાલદારને તમારા ઘરે મોકલી શકું એમ નથી. પરંતુ એક રસ્તો છે કે પેલી ભૂત કે ડાકણને તમારા ઘરેથી ભગાડવાનો.’ યુવક ખુશ ગયો. ‘બોલો સાહેબ, હું ગમે તે કરવા તૈયાર છું. ત્રાસી ગયો છું.’ મોરે સાહેબની વાતોની પેલા યુવક પર સકારાત્મક અસર થઈ રહી હતી. એમણે પૂછ્યું ભગવાનમાં તો માનો છો ને યુવકે કહ્યું હા.. હા સાહેબ, હિન્દી વાંચતા તો આવડે છે ને એવા મોરે સાહેબના સવાલના જવાબમાં પણ યુવકે હકારમાં માથું ઘુણાવ્યું. મોરે સાહેબે કહ્યું ‘જુઓ મારા ઘરની નજીક એક જાણીતું હનુમાન મંદિર છે. ત્યાંથી હું તમારા માટે આવતીકાલે હનુમાન ચાલીસા લઈ આવીશ. જેવી પેલી ડાકણ આવે તમારે એ વાંચવાની શરૂ કરી દેવાની. એ ફરી તમને હેરાન કરવા નહીં આવે.’ મોરી સાહેબનો આભાર માનીને એ યુવક કેબિનમાંથી બહાર ગયો.
સમગ્ર બનાવથી મોરે સાહેબ પ્રત્યેના મારા માનમાં વધારો થયો. તેમણે કહ્યું ‘આવતીકાલે એક બુકસ્ટોલ પરથી હનુમાનચાલીસા ખરીદીને એને આપી દઈશ..’ આમ અમારા હોનહાર મોરે સાહેબે મર્યા બાદ ભૂત બનીને હેરાન કરનારી પત્નીનો કેસ પણ ઉકેલ્યો હતો. મેં પણ કંઈક સારુ થતું જોયાના સંતોષ સાથે મારી બાઈકને ઘરની દિશામાં હાંકી મુકી.
ચલતે-ચલતે પાર્ટ-3

નિમેશ દવે
ઉમેશ દેશપાંડે



No comments:

Post a Comment