Friday 19 June 2020

10 રૂપિયા માટે ગુમાવી ગર્લફ્રેન્ડ

ભલે આખુ મુંબઈ લોકલ ટ્રેઇનમાં પ્રવાસ કરે પણ મને તો બાઇક ચલાવવાનું જ ગમે છે. મારી બાઇક પણ છે હીરો હોન્ડા પેશન. બોરીવલીના મારા ઘરેથી હું બાંદરામાં આવેલી અમારી ઓફિસમાં સડસડાટ 30 મિનિટમાં જ પહોંચી જાઉ. લાંબા સમયથી વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ચાલી રહેલા મેટ્રોનાં નિર્માણ કાર્યને કારણે થતા ટ્રાફિક-જેમથી કંટાળીને એક દિવસે હું પણ લોકલમાં બેસીને ઓફિસે જતો હતો. અંધેરીથી સારા ઘરના જણાતા એક યુવક-યુવતી પણ અમારા ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં ચઢ્યા. બપોરનો સમય હોવાથી પ્રમાણમાં ભીડ ઓછી હતી. અંધેરીમાંથી ટીસી (ટિકીટ ચેકર) પણ ચઢ્યો. તેણે યુવક પાસે ટિકીટ માંગી. યુવકે આપેલી ટિકીટ ચકાસતા ટીસીએ કહ્યું ‘યે તો સેકન્ડ ક્લાસકા ટિકીટ હૈ.ફર્સ્ટ ક્લાસમે ક્યો બેઠે. ચલો 800 રૂપિયા ફાઇન નિકાલો.’  
પેલા યુવકે પોતાના વોલેટના આગળના, પાછળના તેમજ છૂટાની ચેઇનમાંથી 200 રૂપિયા કાઢ્યા. 800 રૂપિયા ભરના પડેગા. ટીસીએ યુવતી સામે જોઈને કહ્યુ. પરિણામે પેલી યુવતીએ પોતાના પાકિટમાંથી 600 રૂપિયા કાઢીને ટીસીને આપ્યા. ટીસી રસિદ બનાવીને આગળ વધ્યો.પરંતુ સમગ્ર બનાવને કારણે યુવતીનો પિત્તો ગયો.’ યુ લાયર, યુ ટોલ્ડ મી ધેટ યુ બોટ ટુ ફર્સ્ટ ક્લાસ ટિકીટ. આઇ ડોન્ટ વોન્ટ ટુ કમ વિથ યુ. યુ લાયર.’ કાપે તો લોહી ન નીકળે એવી હાલત પેલા યુવકની થઈ હતી.
બાંદરા સ્ટેશન આવતા જ યુવતી નીચે ઉતરી ગઈ. યુવક તેની પાછળ અને હું એ બંન્નેની પાછળ. એ બન્ને બાંદરા વેસ્ટની દિશામાં ગયા તો હું મારી ઓફિસ જવા ઇસ્ટ તરફ ગયો. ઓફિસમાં જવા માટેની રિક્ષા પણ સદનસીબે તરત જ મળી જતા. રિક્ષામાં બેઠાં-બેઠા મે અંધેરીથી ચર્ચગેટ સુધીની ફર્સ્ટ ક્લાસનું ભાડું ચેક કર્યું તો એક ટિકીટના 105 રૂપિયા હતા. આમ અમારા હીરોએ 10 રૂપિયા માટે ગર્લફ્રેન્ડને ગુમાવી હશે એવું તારણ મેં કાઢ્યું.

No comments:

Post a Comment