Wednesday, 8 February 2017

In Search Of Vulture (ગીધની શોધમાં)



                  થોડા દિવસ પહેલા ગુજરાત સમાચારની રવિવારની પુર્તીમાં ગીધની સંખ્યા દેશમાં ઘટી રહી હોવાની ચિંતા વ્યકત કરતો લેખ વાંચ્યો. તે વાંચીને મને મારા જૂના દિવસોની યાદ તાજી થઈ ગઈ. આવી  ચિંતા મને પણ થતી હતી. પણ કારણ તેની પાછળ કંઈ જુદુ હતું. વાત એમ હતી કે આજથી નવેક વર્ષ પહેલા મને અને મારા એક મિત્રને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો શોખ જાગ્યો હતો.ત્યારે એક ઇંગ્લિશ ન્યૂઝ ચેનલમાં સાથે  કામ કરતા હતા. ઇંગ્લિશ સરખું નહોતું આવડતું તેમ છતાં ઇંગ્લિશ ચેનલમાં ઘુસી ગયો હતો.તેથી ગાળો પણ બહુ ખાતો હતો. કંઈક નવું કરવાનો સુલેમાની કીડો પણ હતો. વળી તે સમય શોખ પોષાય તેમ પણ હતો. જો કે કીડો તો હજુ પણ નથી મર્યો.

        ડોક્યુમેન્ટરીના વિષય પર પાછા વળીએ તો સારા એવો ખર્ચો કરીને સાઉથ ગુજરાતના કુકણા આદિવાસીઓની કાષ્ઠ કળા પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. બાદમાં ખબર પડી કે આપણા દેશમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘વહેચાય’ પણ ‘વેચી’ ન શકાય. મારી સાથે કામ કરતા મારા સહકર્મચારીની મહત્વાકાંક્ષા તો ઘણી ઊંચી હતી. તેની ઇચ્છા ભવિષ્યમાં પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કરવાની હતી. જ્યારે તેની સરખામણીમાં હું તો ઇંગ્લિશ ચેનલમાં રો મળતી ઢગલાબંધગાળોમાંથી છૂટકારો ઇચ્છતો હતો. કંઈક નામ થાય અને બીજી સારી જગ્યાએ નોકરી મળે એવો નાનકડો સ્વાર્થ હતો. તેથી  કેમેરા કે પ્રોડકશનમાં વધુ ગતાગમ ન પડતી હોવા છતાં ફિલ્મના ડિરેક્ટરમાં મારુ નામ પણ રાખજે એવી શરત સાથે તમામ ખર્ચાઓમાં પચાસ ટકાનો પાર્ટનર બન્યો હતો.

        આદિવાસીઓ પર બનાવેલી ડોક્યુમેન્ટરીને ભારે ઉત્સાહપૂર્વક દેશ તથા વિદેશના તમામ ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલમાં મોકલી છતાં કોઈ  પ્રતિસાદ નહોતો. તે વખતે સુરતના મારા એક મિત્રએ ત્યાંની એક સંસ્થા દ્વારા ગીધ એટલે કે વલ્ચરને બચાવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી. વળી એમની ઇચ્છા પણ આ સબ્જેક્ટ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની હતી. અમને તો જાણે અમારી પ્રોડકશન કંપનીને પહેલો કોન્ટ્રક્ટ મળ્યો હોય એવો આનંદ થયો.ન્યૂઝ ચેનલમાં કામ કરતા અમારા તમામ મિત્રોને ત્યાં રજાની કેવી સમસ્યા હોય તે કહેવાની જરૂર નથી. પરંતુ બીજા લોકોને થોડી માહિતી આપું તો દરરોજના કામના કલાકો ઓછામાં ઓછા 10. શુક્રવારે સાંજે ખબર પડે કે વીકલી ઓફ શનિવારે મળશે કે રવિવારે. ચેનલ છોડયાને  વર્ષ વીતી ગયા છતાં આજે પણ તે ચેનલનો કાર્યક્રમ જોવું છું તો ડરના માર્યા શરીરના વાળ ઉભા થઈ જાય છે.
        બન્યું કંઈક એવું કે રવિવારે મારા પેલા ઘંઘાની કોઠાસુઝ ધરાવતા મિત્રને રજા ન મળી. મારા બાપદાદાએ કોઈ દિવસ ધંધો નહોતો કર્યો. મને માત્ર હું સારુ લખી શકું કે બોલી શકુ એવો ભ્રમ. જે હજૂ પણ છે. પણ અહિં તો ડોક્યુમેન્ટરીના પ્રોડ્યુસર તરીકે અસરકારક રજૂઆત કરવાની હતી. મારા મિત્રએ મને હાથમાં રાખીને શૂટ કરી શકાય એવા નાનકડા કેમેરો (હેન્ડીકેમ) કઈ રીતે ઓપરેટ કરવો તે થોડું ઘણું શીખવાડ્યું. વહેલી સવારે હું સુરત પહોચ્યો ત્યારે મને એનજીઓમાં કામ કરતા એક ભાઈ નજીકના ગામમાં લઈ ગયા. જ્યાં એક ગાય મરી ગઈ હતી. જેને એક છકડામાં નાંખીને વલ્ચર ફિડીંગ સાઇટ પર લઇ ગયા. જ્યાં મરેલી ગાયને કાપી તેના ચામડાને છકડામાં નાંખી દિધું. ગીધના ટોળાઓ પણ ત્યાં  હતા. મે મારા કેમેરાથી થોડું ઘણું મને સુઝ્યું તે રીતે શુટીંગ કર્યુ. સાંજે એનજીઓના હોદ્દેદારો સાથે ફિલ્મના ખર્ચાને લઇને વાત થઈ. ત્યારે બહુ મોટો ધડાકો થયો. એનજીઓવાળાને એમ હતું કે અમે એમને મફતમાં ફિલ્મ બનાવી આપીશું. છેવટે કોઈ સ્પોન્સરને શોધીએ એવી વાતો થઈ અને હું ત્યાંથી પરત ફર્યો.

        મુંબઈના મારા બિઝનેશ માઇન્ડેડ મિત્રને રૂપિયા ન મળવાના હોવાના કારણે પ્રોજેક્ટમાં કોઈ રસ રહ્યો નહોતો. જો કે એનજીઓવાળા અમે સ્પોન્સર શોધી રહ્યા છીએ. જેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મનો ખર્ચ આપશે એવી ખાતરી આપી રહ્યા હતા. પહેલા તો અમે ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફીક ચેનલ જેવું શુટીંગ કરવાની તૈયારી બતાવી અને એવું  બજેટ પણ આપ્યું હતું. બાદમાં કેટલું સસ્તામાં થઈ શકે એવી તૈયારીઓ શરૂ કરી દિધી. મારા મિત્રને મે શુટ કરેલુ શુટીંગ બહુ ન ગમ્યુ. તેણે મને ગીધની વિવિધ ફ્લાઇટ શૂટ કેમ ન કરી એવું કહ્યું. મને પણ તેની વાત સાચી લાગી. દરમ્યાન બીજા  અઠવાડીયે અમને સાથે રજા મળતા અમે બંને ફરી સુરત આવવા નીકળ્યા. આ વખતે વહેલી સવારે સૂર્યોદય થાય તે પહેલાં સીધા  વલ્ચર ફીડીંગ સાઇટ પર પહોચી ગયા. એનજીઓ વાળાઓએ મોડી સાંજે  મરેલા ઢોરને ફીડીંગ સાઇટ પર નાંખ્યા હોવાની માહીતી આપી હતી. તેથી તેને ખાવા માટે સવારે ગીધો આવશે  એવુ પણ કહ્યું. અમે ફીડીંગ સાઇડની પાસે આવેલા એક વિદેશી બાવળની ઝાડીઓ પાછળ સંતાઈને ઉભા હતા. સૂર્યોદય થતાની સાથે  અમે ખુશ હતા. કારણ કે આકાશમાં અનેક ગીધો ચક્કર મારતા દેખાતા હતા. મારો મિત્ર પણ ગીધની વિવિધ ફ્લાઇટને શૂટ કરવા માટે તૈયાર હતો. ખાસ્સો સમય વીતી ગયો એક પણ ગીધ નીચે ન આવ્યું. અમને કંઇ સમજાતુ નહોતું. ગીધોને અમારી મજાક કરવાનું સુઝ્યું હશે કે પછી મીડિયા પબ્લીસીટી ગમતી નહિ હોય. જેમ-જેમ સૂરજનો તડકો વધતો હતો. તેમ-તેમ મરેલા ઢોરની ભયાનક દુર્ગંધ આવતી હતી. ગીધો તો નહિ પણ કાગડાઓ જરૂર આવ્યાં. પણ કાગડાઓનું અમે શું કરીએ ? આ કંઈ શ્રાદ્ધની ખીર નહોતી કે કાગડાઓ આવી જતા અમે પિતૃઓ સ્વર્ગના જે ડિપાર્ટમેન્ટમાં પહોંચવાના હશે ત્યાં પહોંચી ગયા હશે એમ માનીને ખુશ થઈએ. ગીધડાઓના ટોળાઓ સાંજ થવા આવી તેમ છતા ન આવ્યાં. અમે નિરાશ થઇને મુંબઈ પાછા ફર્યા.

        સુરતની એનજીઓને પણ કોઈ સ્પોન્સર ન મળયોદુધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે એમ અમે સ્વ ખર્ચે એક ડોક્યુમેન્ટરી બનાવીને સમજી ગયા હતા. તેથી બીજી વખત મુર્ખ બનીએ એવા નહોતા. ખબર નહિ પણ ઇંગ્લિશ ન્યુઝ ચેનલમાંથી નોકરી છોડવાની મારી ઇચ્છા બહુ  તીવ્ર હતી. જેને કારણે મે પેલા હેન્ડીકેમથી કરેલુ શુટીંગ, થોડાક એનજીઓએ આપેલા ફોટોગ્રાફ્સ અને વીડીયો ફુટેજને ભેગુ કરીને કંઇક સાત મિનિટની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જેવું બનાવ્યું. મારા માટે નવાઇની વાત તો એ હતી કે મે બંન્ને ડોક્યુમેન્ટરીને યુ ટયુબ પર અપલોડ કરી હતી. પણ આદીવાસીના માસ્ક કરતા મારી વલ્ચર ફીડીંગ સાઇટ ડોક્યુમેન્ટરીને વિદેશમાં વધુ લોકોએ પસંદ કરી હતી. આપણા દેશમાં ડોક્યુમેન્ટરી જોનારાઓ કે તેને સમજનારાઓ બહુ ઓછા છે તે પણ મને મારા અનુભવે શીખવાડ્યું. એ દિવસે ગીધ કેમ ન આવ્યા મારા એ સવાલનો જવાબ મને છકડાવાળાએ આપ્યો. તે કહે ગીધ તો હું છકડો લઇને નીકળું ત્યારથી  મારો પીછો કરતા હોય છે. કોઈ નવી વ્યકિત આસપાસ હોય તો તેઓ નથી આવતા. અમે ભલે બાવળની ઝાડીઓમાં છૂપાયા હોઇએ પણ ગીધો તો અમને ઉપરથી જોતા  હતા. એવુ મને છકડાવાળીની વાત પરથી સમજાયું.

        હજૂ થોડા દિવસ પહેલાં  મારા બિઝનેશ માઇન્ડેડ મિત્રના ઘરે એક શોર્ટ ફિલ્મ મેકર આવ્યા હતા. તેઓ કંઈક નવો સબ્જેક્ટ શોધતા હતા. એમને પણ ગીધની આ ફિલ્મ ગમી ગઈ. મને કહે કે લંડનની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનારી સંસ્થાને મોકલીએ. તેઓ પર્યાવરણ સાથે સંકળાયેલા આ વિષય માટે ચોક્કસ ફંડીંગ કરશે. તેમની વાત સાંભળીને મારા મનમાં પણ લાલચ થઈ આવી. જો કે એક શંકા હતી  કારણ કે આઠ વર્ષ પહેલા  તે જંગલની જમીનની આસપાસ બાંધકામની પ્રવૃત્તિઓ થઈ રહી હતી. મે સુરતના એનજીઓવાળા ભાઈનો નંબર શોધી તેને ફોન કર્યો તો જાણવા મળ્યું કે બે વર્ષ પહેલા  વલ્ચર ફીડીંગ સાઇટ પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાં એક નાનકડો બાગ બનાવવામાં આવ્યો હતો. તેમ આસપાસની જમીન પર ગેરકાયદેસર કબજો થઈ ગયો છે. આઠ વર્ષ પહેલા બનાવેલી એ ડોક્યુમેન્ટરીમાં એક જગ્યાએ જણાવવામાં આવ્યું હતું કે આપણા દેશમાં વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં દૂધાળા પ્રાણીઓ છે. તેમ છતાં પણદેશભરમાંથી 98 ટકા ગીધોની વસ્તી નાશ પામી છે. ખબર નહિ હવે કેટલા ટકા ગીધો બાકી રહ્યા હશે ?

Sunday, 27 November 2016

My Lovely French Fries




 લવલી ફ્રેન્ચ ફ્રાઇઝ
આજની ઘડી તે રળીયામણી, લગભગ 16 વર્ષ બાદ મારી દિકરી નાવ્યાની સ્કુલમાં પેરેન્ટ્સની ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ભાગ લીધો. સ્કુલનું એક નાનકડુ સ્ટેજ હતું. 50 દર્શકો હતા. 10 સ્પર્ધકો હતા. એમાં હું બીજા નંબરે આવ્યો. સુરતમાં હતો ત્યારે સુરત પત્રકાર સંઘ વતી શકિલ સઈદ લિખિત અને કેતન રાઠોડ દિગ્દર્શિત નાટકમાં ભાગ લીધો હતો. આજે માત્ર ફેન્સી ડેસ જ નહોતો પહેરવાનો પણ ચાર મિનિટ સુધી બોલવાનું પણ હતું. વળી ત્રીજા ધોરણમાં ભણતા બાળકોને પણ મજા આવી જોઈએ અને સાથે મેસેજ પણ જવો જોઈએ તે પણ શરત હતી.
ફેસબુક કામ આવ્યું , મુંઝવણ પોસ્ટ કરી, બે-ત્રણ સજેશનમાંથી એક પસંદ કર્યુ. મને મજા આવી ગઈ. દિકરીને પણ થયું કે ભાઈ પપ્પાને પણ સ્ટેજ પર એક્ટીંગ કરતા આવડે છે.

Friday, 19 August 2016

ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ શા માટે નહિ ? એક મજેદાર વિશ્લેષણ




માઇકલ ફેલ્પસ એકલાને આટલા બધા ગોલ્ડ મળ્યા આપણને એક પણ નહી. બધી ચર્ચાઓમાં મને નવાઈ નહોતી લાગતી કારણ કે હું પોતે યુનિવર્સિટીમાં સ્વિમિંગ ચેમ્પિયન રહી ચૂક્યો હતો. કેવી રીતે આવ્યો હતો. એ બહુ ઓછાને ખબર હતી. મે તો કોલેજનું ગૌરવ એવું કહીને મારો ફોટો પણ ન્યુઝપેપરોમાં છપાવ્યો હતો. આમ જોવા જાઉં તો રમત સાથે મારો ખાસ કાંઇ સંબધ નહોતો. આજે પણ નથી. એ વાત અલગ છે કે હું એક ન્યૂસપેપરમાં સ્પોર્ટ્સ એડિટર છું. જો કે એમાં ખાસ કંઈ કરવા જેવું પણ નથી. કારણ કે આપણે ત્યાં તો સ્પોર્ટ્સ એટલે ક્રિકેટ.
            ફરી પાછો મુળ વાત પર આવું તો નાના હતા ત્યારે આખો દિવસ મિત્રો સાથે લખોટી ટીંચતા (રમતાં) હતા. ક્યારેક ક્રિકેટ પણ રમી લેતો. તે પણ મારા પપ્પાએ નવું  ઘર શહેરથી થોડે દૂર લીધું તો તે પણ છૂટી ગયું. કારણ કે ગામના છોકરાઓ મને એક બોલમાં આઉટ કરી દેતા. પછી કલાકો સુધી તડકામાં ફિલ્ડિંગ ભરાવતા. તેથી છોડી દિધું. કૉલેજમાં પણ ઇતર પ્રવૃત્તીમાં એન.એસ.એસ. હતું. જેમાં રવિવારે ઝાડુ લઇને કૉલે સાફ કરવી પડતી તેની ચીડ હતી. બાકી વાંધો નહોતો. એન.સી.સી. તો પેહલા દિવસે આર્મીનો યુનિફોર્મ પેહરીને આવેલા બે છોકરાઓની દાદાગીરી જોઈને છોડી દિધું હતું.
                બીજા વર્ષ દરમ્યાન અમારી કૉલેજના સ્પોર્ટ્સ ટીચરને એન.એસ.એસ.ની વધારાની જવાબદારી સોંપવામાં આવી. આમ પણ આપણે ત્યાં સ્પોર્ટ્સ ટીચરનો હોદ્દો પટાવાળા કરતા સહે ઊંચો ગણવામાં આવે. જો પટાવાળો ન આવે તો શાળાનો ઘંટ પણ તેણે વગાડવો પડે. સ્પોર્ટ્સ ટીચર તે વખતે ઇન્ટર-યુનિવર્સિટી સ્વિમિંગ કોમ્પિટીશન માટે નામ લખતા હતા. સ્પર્ધા પુણેમાં થવાની હતી. તેથી ફરવાનું થશે એમ વિચારીને મે સાહેબને મારુ નામ લખવા માટે વિનંતી કરી. એ વર્ષે હું અમારી કોલેજના જી.એસ.નો ખાસ સપોર્ટર હતો. તેથી સાહેબ ના પણ પાડી શક્યા.
                સામાન્ય રીતે લોકો તરવાનું એક મહિનામાં શિખી જાય. પરંતુ મને મહિના લાગ્યા હતા. દસમાં ધોરણના વેકેશનમાં એક મહિના સુધી કમરમાં પ્લાસ્ટીકનો ડબ્બો બાંધીને પ્રેક્ટિસ કર્યા બાદ જ્યારે મે 11 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પરથી ડાઇવ મારી તો ડરના માર્યો તરી ન શક્યો. મારા ઇન્સ્ટ્રક્ટરે મને બહાર કાઢ્યો અને વધુ એક મહિના માટે પ્લાસ્ટિકનો ડબ્બો બાંધવા જણાવ્યું. મને કંઈ સ્વિમિંગ પ્રત્યે બહુ ગાંડપણ હોય એવું કંઈ નહોતું.પરંતુ કોઈએ કિધું હતું કે સ્વિમિંગ ને કારણે હાઇટ (ઊંચાઇ) વધશે. હાઇટમાં તો ખાસ કંઇ ફરક ન પડ્યો. પરંતુ મહિનાની પ્રેક્ટિસ બાદ હું સ્વિમિંગ પુલમા ડુબુ એટલો આત્મવિશ્વાસ ધરાવતો થયો હતો.
        સ્પર્ધાની તૈયારી માટે હું નવી સ્વિમિંગ કોશ્ચ્યૂમ લેવા એક મોટા મોલમાં ગયો. સેલ્સમેને મને ફિશબ્રાન્ડની મોંઘી કોશ્ચ્યૂમ પકડાવતા કહ્યું કે આનાથી બહુ કમ્ફર્ટ રહેશે. વળી ડાઇવ મારીશ તો પણ ચડ્ડી સાથે પાછળથી નીકળી નહિં જાય. તેથી તારી સ્પિડ પણ વધશે.મારી ઇચ્છા તો નવા સ્વિમિંગ માટેના ચશ્મા લેવાની પણ હતી. પરંતુ ની કિંમત જોઇને ના પાડવી પડી.
        નવી કોશ્ચ્યૂમ સાથે હું પુણે પહોચ્યો. મારી સાથે બીજો એક છોકરો પણ હતો. તેને કોઈ દિવસ કૉલેજમાં જોયો નહોતો. સ્પર્ધા પહેલા તેણે વોર્મિંગ અપ માટે પાણીમાં ઝંપલાવ્યું. મારી ઇચ્છા નહોતી પરંતુ સ્પોર્ટ્સ ટીચરના આગ્રહથી મે પણ પુલમાં ડાઇવ મારી. ખોટી રીતે ડાઇવ મારવાને કારણે મારા પગની નસો ખેંચાઈ ગઈ.સાથે છાતી પણ લાલ થઈ ગઈ. પાંચ વર્ષથી સ્વિમિંગ કર્યુ નહોતું. સાહેબને કેહવાનું મન થયું કે મારાથી સ્પર્ધામાં ભાગ નહિ લઈ શકાય. પરંતું એટલી હિંમત ભેગી ન કરી શક્યો.

ક્વોલીફાઇંગ રાઉન્ડ માટે હું પણ તૈયાર થઈ ગયો.સીટી વાગતા હું પણ પુલમાં ખાબક્યો.પગની નસો ખેંચાઈ જવાને કારણે મારાથી તરી શકાતું નહોતું. મને એવુ લાગતું હતું કે હું ડુબી જઈશ. જેમતેમ કરીને હું પાણીની સપાટી પર આવ્યો. આંખ અને નાકમાં પાણી ગયું હતું. તો ડાઇવ મારતા માથામાં પણ વાગ્યું હતું. મને જાણે ચિત્તભ્રમ થયું હોય એવુ લાગતું હતું. એટલામાં મને કંઈક અવા સંભળાયો. પાંડે જોરમાં, પાંડે જોરમાં.જોયું તો સ્વિમિંગ પુલની બહાર અમારા સ્પોર્ટ્સ ટિચર મને પાનો ચડાવતા હતા. અત્યંત ખરાબ હાલત હોવા છતાં જેમ તેમ હું સામે કિનારે પહોંચ્યો. સ્વિમિંગ પુલની બહાર નીકળીને પાછળ જોયું તો કોઈ નહિ. મને  લાગ્યું કે હું જીતી ગયો. એટલામાં મારા સ્પોર્ટ્સ ટીચર ત્યાં આવ્યા અને મને જોરથી ઝાપટ મારી. પેહલા સુરતી સંભળાવી અને પછી કહ્યું બધા કયારના નીકળી ગયા.