Tuesday, 30 October 2012

Bihar and Gujarat Part 2


બિહાર અને ગુજરાત પાર્ટ-2  


            મારી બિહાર વિધાનસભા ચૂંટણી કવરેજનો એક ટીવી જનાર્લીસ્ટ તરીકેના અનુભવનો આ બીજો ભાગ હું લખી રહ્યો છું. ગુજરાતની આ ચૂંટણીમાં વારંવાર કંઈને કંઇ કારણસર ગુજરાત તથા બિહારની વાતો થયા કરે છે.બિહાર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ ગુજરાતના કોમી રમખાણનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. તે સમયે ઘણાં વખતથી હું ગુજરાત તથા બિહારની કોઇ સરખામણી થઈ શકે તેવી સ્ટોરીની ફિરાકમાં હતો ત્યાં તો લાલુ પ્રસાદ યાદવે ગુજરાતમાંથી કેટલાંક મુસ્લિમ ધર્મગુરૂઓને બોલાવ્યા હતા. જેઓ ગુજરાતમાં મુસ્લિમો પર કેવો અત્યાચાર થયો હતો તેની વાત કરવાના હતા. જેથી મુસ્લિમો ડરના માર્યા કે પછી સલામતીનાં નામ પર તેમની પાર્ટીને મત આપે. યાદવ તથા મુસ્લિમ વોટના આધારે તેમની પાર્ટીને સતત જીત મળતી હતી પરંતુ આ વખતે કદાચ મુસ્લિમ વોટ બેંક નિતિશ કુમારની પાર્ટીની તરફ ઢળે તેવી શક્યતા હતી. તેથી ચૂંટણી જીતવા આવા દાવપેચ આવશ્યક હતા.
   ઘર્મગુરૂઓની ફતવા કાઢવાની તાકતને કારણે નેતાઓ તમામ બાવાઓ તથા મૌલવીના શરણે જતા હોય છે. આ ફતવો શબ્દ પણ મને બહુ ગમે છે આમ તો તેનો ખરો અર્થ ધાર્મિક આદેશ એમ થાય પરંતુ આપણે તેનો નકારાત્મક અર્થ વધુ લઈએ છીએ. સરકારનો કોઈ મનગઢત આદેશ, કે પછી ચૂંટણી દરમ્યાન ફલાણા કે ઠિકણાં પક્ષને પછી ચોક્કસ ઉમેદવારના પક્ષમાં મત આપવાનો આદેશ. શરૂઆતમાં તો આ મોલવીઓના આદેશનું થોડું ઘણું મહત્વ હતું પરંતુ હવે તો કોન્ગ્રેસ વાળા લાવ્યા ન હોય તો પણ બીજેપી વાળા કોઇની પાસે 500 રૂપીયા આપીને લખાવી લાવે અને પેપરોમાં 50,000 રૂપીયા ખર્ચીને જાહેરાત કરે કે જુઓ આ બધા તો કોન્ગ્રેસને મત આપશે આમ કરીને હિંદુ મતોનું પણ ઘ્રુવીકરણ થાય અને ફતવોનો લાભ ભલતો લઈ જાય. આ બધુ હોવા છતાંય તેનું મહત્વ ઓછું તો નથી .
   કોઈ પણ ચૂંટણી હિંદુ મુસ્લિમ કે પછી જાતિવાદ વગર જીતી ન શકાય. કોલેજમાં હતા ત્યારે ઘણાં સ્વપ્નશીલ હતા આજે પણ છીએ પરંતુ જાણીએ છે આવું બધું રાજકારણમાં ચાલતું હોય. અમારો એક મિત્ર જનરલ સેક્રેટરી (જીએસ)ની ચૂંટણીમાં ઉભો રહ્યો. અમારો એક ખાસ મિત્ર મુસ્લિમ હતો. તે એક વખત આવીને કહેવા લાગ્યો કે આપણો હરિફ જીએસ ઉમેદવાર મારે ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે આપણે બંને મુસ્લિમ છીએ તેથી તારે મને સર્પોટ કરવો જોઇએ. અમને બઘાને બહુ ગુસ્સો આવ્યો કે કોલેજની ચૂંટણીમાં પણ આવી રીતે હિંદુ મુસ્લિમ લાવવામાં આવે છે તેને હરાવવો જોઈએ. યેનકેન પ્રકારે અમારા હરિફને હરાવવાની ગાંઠ વાળી દિધી હતી. કોલેજમાં અમુક સંપ્રદાયના ઘણાં વિદ્યાર્થી હતા. તો તેમનાં એક જાણીતા ધાર્મિક ગુરૂનાં પ્રવચનમાં અમે જતા. સ્વામીજીનો જયજયકાર બોલાવતા અને તેમણે ફતવો અમારા ઉમેદવારની તરફેણમાં કાઢ્યો હતો. કોલેજની ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ અમે જીતી ગયા હતા. તેમાં ફતવાનો પણ મોટો ફાળો હતો. તે ઉપરાંત અમે કોલેજની આદીવાસી વોટ બેન્ક ગણાતી હોસ્ટેલોમાં દારૂ તથા મટનની પાર્ટીઓ પણ આપી હતી.જો કોલેજના ઇલેકશન જીતવા માટે આ બઘું કરવું પડ્યું હતુ તો આ તો વિધાનસભાનું ઇલેકશન હતું આ જીતવા માટે તો શું ન થાય.
      મુસ્લિમ ધર્મગુરૂઓએ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના કોમી રમખાણોમાં મુસ્લિમોની થયેલી હાલતની બે વર્ષ જૂની વાતોને ફરી દોહરાવી. 2004 માં લોકસભાની ચૂંટણીમાં વાજપેયી ચૂંટણી હારી ગયા તેમાં ગુજરાતમાં થયેલા કોમી રમખાણ પણ એક પ્રમુખ કારણ હતું. તેથી નિતિશ કુમાર નહોતા ઇચ્છતા કે નરેન્દ્ર મોદી બિહારની ચૂંટણી સભાને સંબોધવા આવે. પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ મેં એક ઘર્મગુરૂને પૂછ્યું તોફોનો થશે ત્યારે મરશે . પણ અહિંયા તો વગર તોફાને વીજળી, પાણી તથા રસ્તા જેવી સામાન્ય સુવિધા ના અભાવે પણ લોકો મરી રહ્યાં છે. તેમાં મુસ્લિમો પણ સામેલ છે. તમને બિહારની તથા ગુજરાતની પરિસ્થિતી વિશે કંઈ ફરક નથી લાગતો. પણ ધર્મગુરૂ પણ પ્હોંચેલી માયા હતી. તેમણે નિતિશ કુમારની સરકાર એટલે એનડીએની સરકાર. એનડીએની સરકારમાં મુસ્લિમો સલામત નથી તેવી પોપટવાણી કહી.

    જો કે નિતિશ કુમારને એવો વિશ્વાસ હતો કે લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દે લોકોએ યુપીએને સમર્થન આપ્યું હતું. પરંતુ હવે આ મુદ્દો બહુ ધસાઈ ગયો છે. તેથી આ વખતે મુસ્લિમો લાલુ યાદવની આ ચાલમાં નહિ આવે. ચૂંટણીનાં આવા દિવસે ને દિવસે ગરમ થતા માહોલમાં એક દિવસ અચાનક હૈદરાબાદની ટીવી ચેનલની હેડઓફિસથી મારા એક સહકર્મચારીનો ફોન આવ્યો  કે તે બિહાર જવાનું તારા ઘરે પણ નહોતું કીધું. તારા મમ્મી અમદાવાદથી સાહેબને ફોન કરે છે મારા દિકરાને મરવા માટે બિહારમાં મોકલી દીધો. સામાન્ય રીતે બિહારની ચૂંટણી એટલે હિંસા, બુથ કેપ્ચરીંગ, એવી છાપ હતી. ટીવી પર એવા દ્રશ્યો પણ સામાન્ય. પરંતુ મારી મમ્મી સાહેબને ફોન કરે તે વાત મારા મગજમાં ઉતરતી નહોતી. મેં તુરંત સાહેબને ફોન જોડ્યો તો તેમણે કહ્યું કે અરે મને ફોન કરનાર તારી મમ્મી નહોતી પણ રાજકોટની આપણી જ કોઈ થોડીક ગાંડી દર્શક છે. જે તને સ્ટુડીયોને બદલે બિહારમાં જોઈને ગભરાઈ ગઈ છે. તેથી આવા ફોન કરે છે.મેં હાશકારો લીધો. કારણ કે બિહાર મેં હજુ પુરૂ જોયું નહોતું. પટનાથી બહાર હું નિકળ્યો નહોતો.    


       બિહારના બીજા એક મહત્વના ગણાતા નેતા રામ વિલાસ પાસવાને પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. આ વખતે તેઓ લાલુ પ્રસાદ યાદવ તથા કોન્ગ્રેસની સાથે નહોતા. કોન્ગ્રેસની હાલત 80 દસકમાં ભાગલપુરમાં થયેલા કોમી રમખાણ બાદ જે બગડી હતી તે તો આજે પણ નથી સુધરી. પરંતુ કેન્દ્રમાં સત્તા ટકાવી રાખવા બિહારમાં અપમાનનો કડવો ઘુટ પી જવાની કોન્ગ્રેસને ફરજ પડી હતી.લાલુએ પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો ત્યારે સીએમ હાઉસમાં પત્રકારોની ભારે ભીડ હતી. તેમના કોઈ એક સાળાએ ભારે ગડબડ કરતાં તે વખતે તેમને પાર્ટીર્માંથી શિસ્ત ના નામે હાંકી કાઢવામાં આવ્યા હતા. પરિવાર નહિ પરંતુ પાર્ટી મહત્વની છે તેવી ઘસાઈ ગયેલી ટેપ પણ વગાડવામાં આવી હતી. લાલુનાં દરેક મહત્વનાં રાજકીય કાર્યક્રમ માં રેડિયોવાળા પોતાનાં સ્પુલ લઈને આવતા જોઈને મને ઘણી વાર નવાઈ લાગતી. વળી જેઓ તેમનો કાર્યક્રમ પતે એટલે તેનું સીધું પ્રસારણ પણ કરી દેવામાં આવતું  થોડી ઘણી તપાસ કરતા માલુમ પડ્યું કે તેઓ બીબીસી (બ્રિટીશ બ્રોડકાસ્ટીસ કોર્પોરેશન)  રેડિયોની હિન્દી સવિર્સનાં પ્રતિનિધીઓ હતા. બિહારમાં રેડિયો ઘણો લોકપ્રિય હોવાની વાતો મેં સાંભળી હતી. જેનો આ પુરાવો હતો. જો કે મને ઘણી વાર લાગતું કે ત્યાં વીજળીની સમસ્યાએ પણ તેમાં આડકતરો ભાગ ભજવ્યો હશે મનોરંજન સાથે માહિતીનું એક માત્ર હાથવગું સાધન હતું. જેમાં તારથી આવતી વીજળીની કોઈ જરૂર નહોતી.
              લાલુનો કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં જવું ફરજિયાત હતું. કારણકે સમોસેમે આલું ઔર ન્યુઝમે લાલું. તેવું કહેવાતું. લાલુ પ્રસાદ યાદવ ટીવી ન્યુઝ માટે મોટી ટીઆરપી હતા. જો તેની કોઈ બાઈટ (ટીવી ઇનટરવ્યુ) ન મળે તો ઓફિસમાં ગાળો ખાવી પડતી. એક વખત કોઈક કારણસર હું એરપોર્ટ મોડો પ્હોંચ્યો. લાલુએ પોતાની બાઈટ આપી દિધી હતી. પરંતુ ઓફિસમાં ગાળ ખાવી પડશે બીકે હું તેમની પાછળ પાછળ મારા કેમેરામેન અશોકની સાથે દોડ્યો.મને ખ્યાલ ન રહ્યો કે તે એરપોર્ટનું ટોઇલેટ છે. તેથી લાલુએ તેની અનોખી સ્ટાઇલમાં હુડ હુડ કરતા પોતાનો ઝભ્ભો ઉંચો કરીને કહ્યું કે ઇય્યા ભી પીછે પીછે આવોગે ક્યા.
At Patna Airport with Camera Man Ashok.

      ત્યાં હાજર રહેલા બધા હસતા અમને અમારી ભૂલ સમજાઈ હતી. બીજા દિવસે ત્યાંના એક લોકલ ન્યુઝ પેપરમાં આ અંગેનું કાર્ટુન પણ છપાયું હતું. કે કઈ રીતે આ ટીવી ચેનલવાળા ટોઇલેટમાં પણ લાલુનો ઇન્ટરવ્યુ લેવા માટે ઘુસી ગયા હતા. 
     ઘણાં લાલુ ચૂંટણી હારી ગયા તેની પાછળ તેના સાળાઓની દખલગીરી કારણરૂપ ગણાવી હતી. પરંતુ સારી ખુદાઈ એક તરફ જોરૂ કા ભાઈ એક તરફ. લાલુનો એક સાળો એક વખત પટના રેલવે સ્ટેશને ગયા હતા.તેઓ પ્લેટફોર્મ નંબર 2 પર ગયા અને રાજધાની ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 પર આવી. રેલવે પ્રધાનના સાળાનું આવું અપમાન કઈ રીતે થઈ શકે. રાજઘાની ટ્રેનને પાછી વાળવામાં આવી અને પ્લેટફોર્મ નંબર 2 પર આવી ત્યારે સાળાભાઈની સવારી તેમાં પ્રવેશી. આવા બઘાં ગતકડા જેવા સમાચારોથી ટીવીની ટીઆરપી જરૂર વધતી હતી. પરંતુ બિહારની પ્રજાની હાલાકી માં કોઈ ફરક નહિ પડતો હોય. તેથી આગળ કહ્યું તેમ બિહારની આવી હાલત જોઈને 15 વર્ષ સુધી લાલુનાં પક્ષને લોકોએ કેમ જીતાડ્યો હશે તેની મને નવાઈ લાગતી. તેમજ એક નેતા તરીકે લાલુ યાદવ પ્રત્યે એક જાતના અણગમાની લાગણી થતી. આજે જ્યારે પેપરો તથા ટીવીમાં તેમજ મારાં બિહારનાં મિત્રો થકી નિતિશ કુમારનાં શાસનકાળમાં પરિસ્થિતી ઘણી બદલાઈ હોવાની વાતો સાંભળીને ઘણી રાહત થાય છે.
        ગુજરાતમાં નરેન્દ્ર મોદી ત્રણ વખતથી મુખ્ય પ્રધાન બની શક્યાં છે. ચોથી ટર્મ થોડીક ટફ છે પણ લગભગ વાંધો નહિ આવે તેવું હાલ તો લાગુ રહ્યું છે. ગુજરાતની બહાર નરેન્દ્ર મોદીની ઇમેજ રમખાણ બાદ ખરાબ થઈ છે. તેમ છતાંય ગુજરાતનાં લોકોને એમ છે કે તેનું કામ તો થાય છે. જે નેતાઓ પ્રજાના મનમાં આવું ઠસાવવામાં સફળ થતા હોય છે તેમની રાજકીય કારકિર્દી લાંબી ચાલતી હોય છે. પરંતુ જ્યારે હું બિહારમાં ગયો હતો તો ગુજરાતમાંથી આવ્યો હશે તો ભારે કટ્ટરવાદી હશે. કારણ કે ગોધરા કાંડ પછી ગુજરાતમાં થયેલા ભીષણ કોમી રમખાણને કારણે તેવી છાપ એ વખતે પ્રર્વતતી હતી. જો કે હવે તેવી છાપ ભૂંસાઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ પણ કટ્ટર હિંદુ વાદી છાપની જગ્યાએ સદભાવના, વિકાસ જેવી વાતો કરવી પડી છે. ગુજરાતની બહાર રાષ્ટ્રીય નેતા બનવા માટે આવી છાપ હોવી જરૂરી છે.
     બિહારના ચૂંટણી દરમ્યાન બુથ કેપચરીંગ કરવા માંગતી ટોળકીનો ઇન્ટર્વ્યૂ અમારી રાજસ્થાન ચેનલમાંથી આવેલા ભવાની સિંહ નામના પત્રકાર લઈ આવ્યા હતા. ટીવી ચેનલમાં સામાન્ય રીતે અમે આવી ટોળકીનો ચહેરો ઢાંકીને ઇન્ટર્વ્યૂ લેતા હોઈએ છીએ. ભવાની સિંહે મને કહ્યું કે આપણને એમ કે આપણે એમનો યુઝ કરીએ છીએ. પરંતુ ખરેખર તો આ લોકો આપણો યુઝ કરતા હોય છે.અમે જયારે એમને મળ્યાં તેમજ તેઓની ઓળખ ન થાય તે માટે મોઢા પર રૂમાલ રાખવા માટે કહ્યું તો કહે અમે તો એમ ઇન્ટર્વ્યૂ આપીશું. અમે તો કોઈ પાર્ટીના સમર્થક નથી.અમને અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોએ તેમના માટે બુથ કેપચરીંગ કરવાના કોન્ટ્રાકટ આપ્યા છે.
with reporter Bhavani Singh and Friend at Nalanda Vidyapith

     બિહારમાં બુથ કેપચરીંગ વિશે ઘણી વાર પેપરમાં વંચ્યું હતું તેમજ ટીવી ફિલ્મોમાં ઘણી વાર જોયું હતું કે લોકો વોટીંગ કરતા હોય ત્યારે અચાનક ગુંડાઓ ત્યાં આવી પ્હોંચે તેમજ તમામ વોલેટ પેપરમાં એક ઉમેદવારના સિક્કા મારે. પરંતુ ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન કઈ રીતે કેપ્ચર કરે.મને યાદ છે કે ગઈ ચૂંટણી માં ગુજરાતમાં કોન્ગ્રેસની હાર થતા ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન પર દોષનો ટોપલો ઢોળ વામાં આવ્યો હતો. ભાજપે ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીનમાં એવી ગડબડ કરી હતી કે લોકો કોઈને પણ વોટ આપે પરંતુ લાઇટ હંમેશા ભાજપના ઉમેદવાર પર થતી. વિગેરે, વિગેરે.
       ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન તથા વોટર આઇ ડી કાર્ડ ફરજિયાત થયા બાદ ઘણી ગડબડ ઓછી થઈ છે. બુથ કેપચરીંગ કરી તેઓ ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન ચોરી કરી જશે. તેનાથી બહુ ફરક નહિ પડે. બહુ બહુ તો જે મત વિસ્તાર માંથી તેમના ઉમેદવારોના મતો બહુ ઓછા હશે ત્યાં ગડબડ કરી મતદાન નહિ થવા દે.મારા ચાર મહિનાનાં બિહાર વિધાનસભાના ચૂંટણી દરમ્યાન સુરક્ષા બળોની હાજરીને કારણે ઘણાં સંવેદનશીલ ગણાતા કેન્દ્રોમાં પણ શાંતિપૂવર્ક મતદાન જોવા મળ્યું હતું. આમ બુથ કેપ્ચરીંગની વાતો હવે ત્યાં પણ ભૂતકાળની વાતો રહી છે.
        આ બધી વાતો તો હવે કરી શકાય કે લખી શકાય કારણ હાલ કોઈ ચેનલ માટે કામ નથી કરતો પરંતુ ત્યારે તો મારા મિત્ર ભવાની સિંહે બુથ કેપચરીંગ કરવા માંગતી ટોળકીનાં સરદારનો ઇન્ટર્વ્યૂ વખતે ચહેરા પર બાંધેલો રૂમાલ સરકી ન પડે તેને વાંરવાર ખ્યાલ રાખવો પડતો હતો. થોડુંક છૂપાવવામાં જે મજા છે તે તદ્દન ઉધાડામાં નથી આવતી. તેવી હિન્દી ફિલ્મવાળી સ્ટાઇલ ટીવીમાં પણ હિટ છે.

        ધીમે-ધીમે બિહાર ચેનલના રીપોર્ટર તરીકે મેં મારી જગ્યા મજબૂત બનાવી લીધી હતી. પરંતુ અગાઉ એમ નક્કી કરવામાં આવ્યું હતું કે 15 થી 20 દિવસ બાદ હૈદરાબાદથી બીજા લોકોને બોલાવવા. પરંતુ તેમ થયું નહિ. કારણકે બિહાર ચેનલના હેડના મતે નવા માણસોને અહિ પોતાની જાતને ગોઠવતા ફરી પાંચ-સાત દિવસ જતા રહેશે. તેથી તેમણે અહિં આવેલાઓને ફરી પાછા હૈદરાબાદ મોકલવાની નાં પાડી દિધી.
           બિહાર ચેનલ માટે ભલે મારુ મહત્વ વધી ગયું હોય પરંતુ અમારી ગુજરાતી ચેનલ હેડને એમ લાગતું રહેતું કે બિહારમાંથી ગુજરાતને રિલેટ કરતી કોઈ સ્ટોરી આવી નથી રહી. મને એવી કોઈ સ્ટોરી મળતી પણ નહોતી. દરરોજ ચૂંટણી ઉપરાંતની સ્ટોરીમાં માત્ર કોઈ મોટી સ્કુલમાં ભણતાં બાળકનું અપહરણ થયું હોય તેમજ તેને છોડાવવા માટે મોટી રકમ માંગવામાં આવી હોય તેવી સ્ટોરી રહેતી. જેની ગુજરાતી ચેનલમાં બતાવવાનો કોઈ અર્થ રહેતો નહોતો. પરંતુ તેમનું સતત દબાણ રહેતું એક વખત તેમણે વીજળી, રોડ તથા એજ્યુકેશનની સમસ્યા બતાવીને તેની ગુજરાત સાથે સરખામણી કરતી સ્ટોરી બનાવવાનો આઇડીયા આપ્યો.
      મારા કેમેરામેન સાથે હું પટનામાં આવેલી ઇલેક્ટ્રિસિટી બોર્ડની ઓફિસમાં ગયો. આપણે ત્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જેવી જ ખરાબ તેની હાલત હતી. એક ઉચ્ચ અધિકારીને પહેલો સવાલ પૂછ્યો બિહારનું વિજળીનું કુલ ઉત્પાદન કેટલું છે. તેમણે કહ્યું 1500 મેગાવોટ. મને તેમની વાત બરાબર સમજાય નહિ હોય તેથી મે ફરી પાછો સવાલ પૂછયો કે સમગ્ર બિહારનું વિજળીનું કુલ ઉત્પાદન કેટલું છે. તેમણે ફરી એ જવાબ આપતા મે કહ્યું સાહેબ મારે પટનાના નહિ સમગ્ર બિહારના આંકડા જોઇએ છે. તેમણે મને ત્યાનાં અલગ અલગ ત્રણ ચાર પ્લાન્ટના આંકડા બતાવતા મારે તેમની વાત સ્વીકારવી પડી. બિહારમાંથી ઝારખંડ અલગ થઈ જતા આવી હાલત થઈ છે તેવી સફાઇ પણ તેમણે આપી. ટૂંકમાં પોતાના કુલ વપરાશનાં 40 ટકા વીજ ઉત્પાદન બિહાર કરતું હતું. બાકીની ખોટ કેન્દ્ર સરકારની કંપનીઓ પૂરી કરતી હતી. પરંતુ તેમને નાણાં મળતા ન હોવાથી વીજ સપ્લાયમાં ભારે કાપ મૂકવામાં આવતો હતો.
      મને ખબર હતી કે મારા સુરત શહેરની વીજળીની ખપત 500 થી 600 મેગાવોટની હતી. તો સમગ્ર બિહારમાં આટલું ઓછું વીજ ઉત્પાદન હોય તો બીજા તો ક્યા ઉદ્યોગો ત્યાં વિકસી શકે. બહારથી આવતા ઘણાં નેતાઓ પોતાના પ્રવચનમાં તેની ઠેકડી પણ ઉડાવતા જોક્સ પોતાના ભાષણમાં કહેતા કે ઘણી વાર મુંબઈથી આવતા હેલિકૉપ્ટરનો પાઇલોટ વીજળીનાં તાર જોઇને નિચે સેફ લેન્ડિંગ કરતા ગભરાતો. ત્યારે નેતાઓ તેમને સમજાવતા આ બિહાર છે અહિં તાર છે પણ અંદર પાવર નથી હોતો. આવું કંઇક બિહારના રોડ વિશે ઘણાં લોકો કહેતા કે અમારુ પ્લેન પટના એરપોર્ટ પર લેન્ડિગ થયું ત્યારે તો રસ્તો હતો પરંતુ એરપોર્ટથી બહાર નીકળ્યો તો રસ્તો ગાયબ. બિહારના રોડને હેમા માલીનાના ગાલ જેવી બનાવવાનો દાવો પણ લાલુ પ્રસાદે એક વખત કર્યો હતો. પરંતુ તે ઓમપુરીના ગાલ જેવા ખાડા ભરેલા તેમના શાસનકાળ દરમ્યાન થઈ ગયા હતો તેવા જોક્સમાં સાવ અતિશ્યોક્તી તો નહોતી .
         રાત્રે જ્યારે ટ્રેન બિહારમાંથી પસાર થતી તો સ્ટેશન સિવાય બધી જગ્યાએ કેમ અંધારૂ દેખાતું તેની પણ મને ખબર પડી હતી.પટનામાં હું રહેતો હતો તે હોટેલમાં, અમારી ટીવી ચેનલની ઓફિસમાં બધી જગ્યાએ જનરેટર ફરજિયાત હતા.મારા સાહેબને મે કહી દીધું સાહેબ આ સ્ટોરીમાં મજા નહિ આવે. ત્યારબાદ મને એજ્યુકેશનની સરખામણી સ્ટોરી કરવાનું કહ્યું તો ત્યારે ત્યાંથી સુધરાઇની તેમજ જીલ્લા પરિષદની ઘણી સ્કુલોમાં 300 વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષક. સ્કુલના નામે કંઇ નહિ. વૃક્ષની નીચે પાટીયું હોય આવી બધી સ્ટોરી કરવા કરતા લાલુ પ્રસાદ યાદવની ઉલ્ટી સુલ્ટી બાઇટ વાળી સ્ટોરી ચલાવીઓ તો લોકોને મજા પણ આવે. તેમજ ન્યુઝની ટીઆરપી પણ વધે.છેવટે બિહાર અને ગુજરાતની સરખામણીનો સ્ટોરી આઇડીયા ડ્રોપ કરવામાં આવ્યો. આવી તો કંઈ કેટલીક વાતો અહિં જાણવા મળતી. મારો કેમેરામેન અશોકના મતે જો તમારી પાસે હિરો હોન્ડા મોટરસાયકલ હોય તો તમે પૈસાદાર છો તમને લૂંટી લેવામાં આવશે. મને એકલા-એકલા કશે પણ નહિ જવાની સલાહ પણ આપવામાં આવતી. તેમ છતાં હુ રખડતો રહેતો મારી હોટેલની સામે જ પટનાનું પ્રખ્યાત ગાંધીમેદાન હતું. ત્યાં હુ સવારે વહેલો ઉઠીને કે પછી રાત્રે પણ જતો. ત્યાંની ટોકીઝમાં માત્ર 6 થી 9 સુધી જ શો ચાલતા. 9 થી 12 નાં શો હતા જ નહિ. ઘણાં હાઈ વે એવા હતાં કે ત્યાં સાંજે 8 વાગ્યા બાદ કોઈ વાહન આગળ જાય જ નહિ. કારણકે આગળ લૂંટાઈ જવાનો ડર રહેતો હતો. ખરૂ પૂછું તો દુખ થતું કે આપણાં દેશમાં આવા રાજ્યો પણ છે જ્યાં આ બધી પાયાની વસ્તુઓ પણ નસીબ નથી હોતી. ગુજરાત મહારાષ્ટ્ર સિવાય ભારતમાં અન્ય રાજ્યોમાં હું બહાર બહુ ફર્યો નથી. પરંતુ મારી બિહારની મુલાકાત બાદ મને અમારે ત્યાંના નેતાઓ વિશે થોડું માન થયું બીજુ ગમે તે હોય પરંતુ પ્રજાને વિજળી, પાણી તથા રસ્તા જેવી પાયાની સુવિધાઓ તો ઘણાં સ્થળોએ આપી તો છે.  
        નક્ષલવાદીઓના પ્રભાવિત ગણાતા ગામોમાં પણ ચૂંટણીની તારીખો નજદીક આવતા પ્રચાર કાર્ય શરૂ થયું હતું. મારા મનમાં ઘણાં દિવસોથી ઈચ્છા હતી કે હું પણ નક્ષલવાદીઓ જોવા મળે. અત્યાર સુધી માત્ર ન્યુઝપેપરોમાં સમાચાર કે ટીવી ચેનલોમાં તેમણે સરકારી મિલકતને કરેલા નુકશાન કે પછી પોલીસો પર કરેલા હુમલાની ખબરો વાંચી કે જોઈ હતી. ગુજરાતમાં કોઈ દિવસ નક્ષલવાદી સમસ્યા નથી જોવા મળી. તેથી પણ ખાસ ઇંતેજારી હતી કે આ લોકો કેવા હોય છે. પરંતુ મને એરપોર્ટના કામમાંથી કોઈ હટાવતું નહોતું. પરંતુ એક દિવસ ભવાની સિંહને બીજે કશેક જવાનું હોવાથી મને એક નક્ષલવાદીનો ઇન્ટર્વ્યૂ લઇ આવવા માટે જણાવવામાં આવ્યું. ટીવી ચેનલવાળાઓ સાથે તેઓ ભારે સલુકાઈપૂર્વક વર્તે છે.
       બીજા દિવસે સવારે સફેદ એમ્બેસેડરમાં બેસીને અમે પટનાથી ત્રણ-ચાર કલાક દૂર આવેલા એક ગામમાં પ્હોંચ્યા. ત્યાંના રસ્તાઓ એટલા ખરાબ કે એમ્બેસેડર કે પછી સુમો જેવી મજબૂત કાર કે જીપ જેવી ગાડીઓ ત્યાં ચાલી શકે બાકી બધીને તો હાલત ખરાબ થઈ જાય. જેવી અમારી કાર ગામમાં પ્રવેશી તો એક સાવ ગરીબ જેવા દેખાતા ભાઈ અમારી કાર પાસે પ્હોંચ્યા. બાદમાં જ્યારે મને ખબર પડી કે મારે આ ભાઈનું ઇન્ટર્વ્યૂ લેવાનું છે તો નક્ષલવાદી નેતાની પેલી ખતરનાક છાપ મગજમાંથી કકડભૂસ થઈ ગઈ.અમારા કેમેરામેને તેને મળેલી સૂચના મુજબ કપડું ઢાંકીને ઇન્ટર્વ્યૂ લીધો. પેપરમાં અમે અગાઉ વાંચ્યું હતું તેમ તેણે આ ચૂંટણીનાં બહિષ્કારના એલાનની વાત કરી.
      નક્ષલવાદીઓના ચૂંટણી બહિષ્કારના એલાન છતાંય તે વખતે બિહારમાં 60 ટકાથી વધુ મતદાન થયું. આટલું મતદાન તો મુંબઈ શહેરમાં પણ જવલ્લે થતું હોય છે.ઇન્ટર્વ્યૂ પૂર્ણ થતાં તેમણે મને પૂછ્યું શું ખાશો. સાહેબ ચિકન બનાવી આપું. મેં તેમને ઘણાં સમજાવ્યા પરંતુ તેમણે હઠ પકડી પરિણામે મારે નાછૂટકે બોલવું પડ્યું હું બ્રાહ્મણ છૂં બહારનું નથી ખાતો. આમ કહીને ત્યાંથી અમે વિદાય લીધી.આજે પણ જ્યારે ટીવી તથા ન્યુઝપેપરોમાં નક્ષલવાદીઓનાં ભયાનક ચિત્રો દર્શાવવામાં આવે છે તો મને ચિકન ખાવા માટે આગ્રહ કરનાર પેલા નક્ષલવાદી નેતાનો ગરીબડો ચહેરો જરૂરથી યાદ આવી જાય છે.   



Monday, 9 July 2012

Nastiko Ni Sabha Ma Bhajan

નાસ્તીકોની સભામાં ભજન

સ્વાભાવથી હુ નાસ્તીક છું. કોઈ પણ જાતનાં કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી બેસતી. તેમ છતાં સુરતની એક જાણીતી નાસ્તીક અથવા તો એ લોકો જેને રેશનાલિસ્ટ સોસાયટી તરીકે ઓળખાવે છે તેમણે એક સમયે મને તેમની સભામાથી કાઢી મુકવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે તેમનો સક્રિય કાર્યકર હોવા છતાંય મે તે નાસ્તીક સભા દ્વારા ડાંગ જીલ્લાના મહાડ ખાતે આયોજીત એક વિજ્ઞાન શિબિર દરમ્યાન ભજનો ગાયા હતા.


એક વખત અજાણતાં જ મેં આ સમગ્ર કિસ્સો મારી સાથે કામ કરતા એક ધાર્મિક સંપ્રદાયનાં અનુયાયી એવા મારા એક સહ કર્મચારીને કહ્યો. જેમનાં સંપ્રદાયની વિવિધ પ્રવૃત્તીઓનો નાસ્તીક સભા ભારે વિરોધ કરતી હતી. તેથી તેમની વચ્ચે ઘણો જ વાદવિવાદ ચાલતો હતો. તેથી મારા તે સહ કર્મચારીએ આ સમગ્ર બીના તેમનાં કોઈ મોટા વ્યકિતને જઈને કરી અને વાત જ્યારે મારી પાસે પાછી આવી તો કટ્ટર વાદી નાસ્તીકો તરીકે આવી. જો કે તેમની વાત સાવ ખોટી નહોતી. આસ્તીકો જેમ કટ્ટર વાદી હોય તેમ આ નાસ્તીકો પણ કંઈ ઓછા તો નહોતા જ. જેમ આસ્તીકોએ વિવિધ જડ નિયમો બનાવ્યા હોય છે. તેવી જ રીતે આ નાસ્તીકોએ પણ આમ નહિ કરવાનું તેમ નહિ કરવાનું એવા નિયમો બનાવ્યા હતા. 

મારા ભજન ગાવા સામે નાસ્તીક સભાનાં કેટલાંક કાર્યકરોનાં ભયંકર વિરોધ ને જોઇને હું ભારે વિમાસણમાં પડી ગયો હતો. કટ્ટર વાદી નાસ્તીકોનાં આવા વર્તન બાદ આસ્તીક કે નાસ્તીક કોઈ પણ જાતનાં વાદમાં ન પડવાનું તેમજ મને જે ગમે તે કરવાનું તેમજ બીજાને જે ગમતું હોય તેમ કરવા દેવાનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિર્ણય ત્યારબાદ મેં કર્યો હતો. આ ઉપરાંત હા આ ઉપરાંત મારા માતાપિતા તેમજ પત્ની ખુશ થાય તે માટે જરૂર પડે શ્લોક બોલવાનો, જરૂર પડે તો કોઈ મૂર્તિ કે વડીલને પગે લાગવાનો માર્ગ પણ અપનાવ્યો હતો. છેવટે મને ઘરમાં શાંતિ જોઈતી હતી. મારા બે ચાર મિનિટ નાં શ્લોક બોલવાને કારણે તેઓ ખુશ રહેતા  હોય તો આ સોદો લાભનો જ હતો. 

હેદરાબાદના મારા સાડા ત્રણ વર્ષનાં નિવાસ દરમ્યાન બે ચાર વખત ભજન સંધ્યાની રમઝટ બોલાવી હતી. પરંતુ મુંબઈમાં તે આદત છૂટી ગઈ છે. પરંતુ ટ્રેનમાં ભજન મંડળી આવતા રાજી થઈ જાઉ છુ. તેમની સાથે મારો ટાઈમ સેટ થતો ન હોવાથી જોડાઈ શકતો નથી તેનો રંજ રહે છે. આમ તો કોઈ ભિખારીને ભીખ આપવાનું ટાળતો હોઉં છુ પરંતુ એક તારા કે ડફલી વગાડી ભીખ માંગનારને રૂપિયો આપતા ખચકાતો નથી.

નાનો હતો ત્યારે મારા એ પાડોશીઓ જેઓ મને તેમની સાથે ભજન મંડળી માં લઈ જતા તેમનો આભારી હું હંમેશા માટે રહ્યો છું. કારણ કે તેમનાં કારણે જ મને ભજન ગાવાની પ્રવૃત્તીમાં રસ પડ્યો હતો. કૉલેજમા આવ્યો ત્યાં સુધી કોઈ હિન્દી ફિલ્મી ગીતો કે પછી ગુજરાતી સુગમ સંગીતની કોઈ રચના કરતા મને ભજનો વધુ આવડતા. તેથી જ કૉલેજના શિબિર દરમ્યાન બધાને નવાઈ લાગતી અને મારો જામો પડી જતો.
કૉલેજના વર્ષો દરમ્યાન જ હું નાસ્તીક સભાની પ્રવૃત્તીમાં જોડાયો. અંધશ્રદ્ધા નિવારણ, કૌમી એકતા જેવા વિષયો પર શેરી નાટકો કરતો. ધીમેધીમે તેમની વિચાર સરણી ને પણ અપનાવતો ગયો. એક સમયે બહુ જ ગમતો ગણેશચતૂર્થી ઉત્સવ ખોટો ખર્ચો છે તેવું માનતો થયો. આ બધું જ હોવા છતા ભજન ગાવાનો શોખ કંઈ ઓછો નહોતા થતો. મોડી રાત્રે ગણેશ મંડપમાં માત્ર બે ત્રણ મિત્રો જોડે બેસી ભજનો લલકાર તો. જો કે આજે મને સમજાય છે કે હું કંઈ સારૂ નહોતો કરતો. કંઈ કેટલાય લોકોની ઉંઘ બગાડ તો હોઈશ.

ફરી પેલી ડાંગનાં જંગલમાં આયોજિત વિજ્ઞાન શિબીરની વાત કરૂ તો ત્યાં પક્ષી દર્શન તથા આકાશ દર્શનના કાર્યક્રમો હતા. અમારી સાથે આવેલા ખગોળ શાસ્ત્રી રાત્રે પોતાનો ટેલિસ્કોપ કાઢી વિવિધ તારાઓ તથા ગ્રહોની જાણકારી આપતા. આ નાગરિક શિબિર માં અમુક વિશેષ સંપ્રદાયનાં લોકો પણ આવ્યા હતા. તેઓ રાત્રે એક ખૂણામાં બેસી તેમનાં ગુરૂનો ફોટો કાઢી તેમનાં ભજનો લલકારતા. હું પણ તેમની સાથે જોડાતો અને ભજનો ગાતો. આમ પણ ત્યાં રાત્રે ખાસ કંઈ બીજી પ્રવૃત્તી ન હોવાને કારણે અમારી આ ભજન પ્રવૃત્તી ઘણી લોકપ્રિય થઈ ગઈ હતી. જો કે મને ત્યારે ખબર નહોતી કે નાસ્તીક સભાનાં કાર્યકર હોવાને નાતે મારાથી આ રીતે ભજનો ન ગવાય.

વિજ્ઞાન શિબિર પૂર્ણ થયા બાદ સુરતમાં મળેલી અમારી નાસ્તીક સભાની એક મિટીંગમાં કેટલાંક સભ્યોએ મને નાસ્તીક સભામાંથી કાઢી મુકવાનો પ્રસ્તાવ મુક્યો. તેનાં કારણમાં વિજ્ઞાન શિબિર દરમ્યાન મેં ગાયે લા ભજનો ને સાબિતીરૂપ ગણાવવામાં આવ્યાં. એટલું જ નહિ મારા ભજનમાં આવતા શબ્દોને પણ આગળ ઘરી હું નાસ્તીક સભા માટે લાયક નથી તેવું કહેવામાં આવ્યું.

હું તો આ સમગ્ર ચર્ચાથી હેબતાઈ ગયો હતો. હું ભજન જરૂર ગાતો હતો. કારણ કે તે મારી ગમતી પ્રવૃત્તી હતી. પરંતુ તેમ છતા હું નાસ્તીક હતો. મને નાસ્તીક સભામાંથી કાઢી મુકવામાં આવે તે પ્રસ્તાવનો વિરોધ કરવા તે સમયે મારી સાથે જ તે શિબિર માં આવેલા મારા વકીલ મિત્ર જગદીશ વક્તાણા ઉભા થયા. તેઓ પણ તે શિબિર માં મારી સાથે ભજનમંડળી માં જોડાતા હતા. તેમણે દલીલ કરતા કહ્યું કે આપણે રેશનાલિસ્ટો છીએ, નાસ્તીકો છીએ પરંતુ કંઈ અૌરંગઝેબ નથી. ભજન તો સંગીતનો એક પ્રકાર છે. સંગીત કોઈ પણ માણી શકે. તેથી સંગીતનો વિરોધ આપણે ન કરી શકીએ.

નાસ્તીક સભામાં આ મામલે ભારે ઉગ્ર ચર્ચાઓ ચાલી. શેરી નાટકોમાં પણ સંગીતનો ઉપયોગ કરીએ છીએ તેવી તેમજ બીજી બધી ઘણી દલીલો કરવામાં આવી. તેમજ છેવટે મને નાસ્તીક સભામાંથી કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૌકુફ રાખવામાં આવ્યો. તેમજ નાસ્તીકોની સભામાં ગાઈ શકાય તેવા કોઈ શબ્દો ઘરાવતી પ્રાથનાની શોધ કરવામાં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો.  જો કે નાસ્તીકોથી ગાઈ શકાય તેવી કોઈ પ્રાથના કે ભજનો મળ્યાં હોય તેવું મારી જાણમાં નથી.  



Sunday, 1 July 2012

Bihar And Gujarat


બિહાર અને ગુજરાત
આમ તો સરખામણી કરવી એ કંઈ સાચી રીત નથી. પરંતુ આપણે આપણો કક્કો ખરો કરવા ઘણી વાર સરખામણી કરી નાંખીએ છીએ. તાજેતરમાં આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં હરિફ કેશુભાઈને ઉદ્દેશીને  કહ્યું કે બિહાર જાતિવાદનાં રાજકારણને કારણે પાછળ રહ્યું હતું. તો તરજ જ તેની પ્રતિક્રિયા રૂપે બિહારનાં મુખ્ય પ્રધાને કોમવાદનું રાજકારણ ખેલનારને આવું કહેવાનો અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતંુ. આમ મોદી વિરૂદ્ધ નિતિશનાં આ યુદ્ધને કારણે જ મને સાત વર્ષ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ કરવા માટે મેં વિતાવેલા ત્રણ મહિના કરતા વધુ સમયની યાદ સ્મરણ પટ્ટ પર તાજી થઈ ગઇ.


મુંબઈમાં તો દરરોજ યુપીબિહારનાં લોકો વિરૂદ્ધનાં નિવેદનો સાંભળું છું. ખાસ કોઈ અસર થતી નથી. કારણકે બધુ લોકોને ભરમાવા માટે તેમજ સત્તા મેળવવા માટે જ હોય છે. તેમ છતા લોકોમાં વિવિધ જાતનાં પૂર્વગ્રહો હોય જ છે. હું પણ એમાંથી કંઇ બાકાત નથી. હૈદરાબાદની એક ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પણ બિહારનાં લોકો વિરૂદ્ધ એક અલગ પ્રકારનાં દ્વેષની લાગણી થતી. તેનું કારણ એ પણ હતું કે અમારી એક માત્ર ગુજરાતી ચેનલને બાદ કરતા ત્યાંથી પ્રસારીત થતી લગભગ તમામ યુ,પી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઉર્દુ ચેનલમાં તમામ જગ્યાઓ પર બિહારથી આવેલા લોકોનો દબદબો હતો. અમારા ગુજરાતીઓ કરતા આ લોકો ઘણાં જ હોંશિયાર તમામ રીતે. તેઓની સાથે પરિચયમાં આવતો તો ઘણીવાર થતું કે આ લોકો આટલા બધાં હોંશિયાર છે તો પણ પ્રદેશ આટલો પછાત કેમ ?


એવામાં ત્યાં ૨૦૦૫ ની વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ. તેને કવર કરવા માટે તમામ ચેનલોમાંથી એકએક રીપોર્ટરને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું મેં પણ મારી ઉમેદવારી સામેથી જાહેર કરી હતી. મને મારા બિહારી મિત્રોએ સમજાવ્યો કે શા માટે મરવા માટે જાય છે. છતાં મારે તો જવું જ હતું. ઘણાં વખતથી ડેસ્ક પર રહી કંટાળ્યો હતો. રીપોટીંગ કરવાનો કીડો સળવળતો હતો. તેથી મારે તો ત્યાં જવું જ હતું. ઇતિહાસ વાંચતો ત્યારે મોર્ય વંશ, પાટલીપુત્ર, નાલંદા વિદ્યાપીઠનાં વર્ણનો વાંચીને ત્યાં ખરેખર કેવી પરિસ્થતી છે તે જોવી હતી. વળી પેલો સવાલનો જવાબ પણ જોઈતો હતો કે શાં માટે આ પ્રદેશ આટલો પછાત ?


ટીવી જર્નાલિઝમાં પ્રવેશ કરવા માંગતા મારા યુવા મિત્રોને એક વણમાંગી સલાહ આપી દઉં કે જો તમને અંગ્રેજીમાં રિપોર્ટ લખતા આવડતું નહિ હોય તો ટીવી ન્યુઝ ચેનલમાં ગુજરાત છોડીને બહાર જવાનું સલાહભર્યુ નથી. કારણકે હિન્દી ચેનલોમાં આ બિહારીઓ તમને ફાવવા નહિ દે અને અંગ્રેજી ચેનલમાં ભાષાની જાણકારીનાં અભાવે ખુણાંમાં  સડ્યાં કરવું પડશે.
ફરી પાછા બિહારની વાત પર આવું તો મારી બિહારનાં ચેનલ હેડ સાથે સારી ઓળખાણ હતી. વળી તેમને ત્યાં આવવા મારા જેવા કોઈકે સામેથી પ્રસ્તાવ મુક્યો હતો તેથી તેમણે તરત જ પટનાથી મારી નામની હા પાડી દિધી. મે તો તરત જ વિધાઉટ રીઝર્વેશન બિહાર જવા માટેની ટ્રેન પકડી લીધી. કારણકે જો હું મોડુ કરીશ તો અંગ્રેજીમાં રીપોર્ટ લખતા નથી આવડતો તેવા મુદ્દે મારી બિહારની ટિકિટ કપાઈ જવાનો મને ડર હતો. હિંમતે મર્દા તો મદદે ખુદા. તે જ વખતે એક રાજસ્થાનની ચેનલનો ઍન્કર પણ બિહાર જવા માટે નિકળ્યો હતો. તેનાં કેટલાંક સગાવ્હાલાઓ પણ હતા. તેથી બે દિવસ કરતા વધુ લાંબા પ્રવાસ માટેની મારી એક સીટની વ્યવસ્થા થઈ ગઈ હતી.


પણ અગાઉ કિધું હતું તેમ અંગ્રેજીમાં રીપોર્ટ લખવાનો સવાલ તો ઉભો જ હતો. પરંતુ મારા સદનસિબે તેલગું ચેનલમાંથી ત્યાં એક આધેડ વયનાં પત્રકાર આવ્યા હતા. તેમને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે સજાનાં ભાગરૂપે મોકલવામાં આવ્યા હતાં તેવી તેમનાં મનોભાવો હતા. સ્ટુડિયો છોડીને તેઓ ભાગ્યે જ બહાર નીકળતા. મે તેમની સાથે સમજૌતો કર્યો. હું વહેલી સવારથી બહાર નીકળી જતો, બપોરે પાછો આવું ત્યારે મારી પાસે ઘણી બાઇટો (નાનકડો ટીવી ઇન્ટરવ્યુ) હોય. હું તેમને મારી કેસેટ આપતો તેઓ મારી બાઇટ લઇ લેતા બદલામાં મને મારી એક સ્ટોરી અંગ્રેજીમાં લખી આપતા. આમ અંગ્રેજીમાં મારા નામથી પણ સ્ટોરી જવા માંડી હતી. તેથી કોઇને પણ એમ ન લાગતું કે હું અહિં કંઈ કામનો નથી તેથી શરૂઆતમાં માત્ર ૧૫ થી ૨૦ દિવસની મારી બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ યાત્રા સાડા ત્રણ મહિના કરતા વધુ સમય માટે લંબાઈ ગઈ

.
બિહાર વિધાનસભા ચૂંટણી દરમ્યાન મે મોટા ભાગનો સમય પટના ઍરપોર્ટ પર જ વિતાવ્યો હતો. કેટલીક વખત સી.એમ હાઉસ (મુખ્ય પ્રધાનનાં બંગલે) જતો. રાબડી દેવી ભાગ્યે જ કંઇક બોલતાં. અને બોલે તો પણ મને કંઇ ખબર નહોતી પડતી. હા ઉત્તરાણનાં દિવસે તમામ પત્રકારોને દહિંચૂંડા (પૌઆની કોઇક વાનગી) જાણે જાન જમાડતા હોય તે રીતે આગ્રહ કરીને ખવડાવેલા એ દ્રશ્ય યાદ છે.

મારા ગુજરાતી ચેનલનાં મિત્રોનાં મતે મારૂ બિહારની રિપોટીંગ ખૂબ જોરદાર હતું. પણ હું તેનો શ્રેય બિહાર ચેનલનાં ચિફ રીપોર્ટર ઓમ પ્રકાશ  તથા મારા કેમરામેન અશોકને આપું છું. મારા બિહારીમિત્રોએ મારૂ ધ્યાન રાખવા માટે ઓમપ્રકાશને હૈદરાબાદથી જણાવી દિધેલું. તેથી જેવો હું ત્યાં પહોંચ્યો કે તેણે તરત જ મને તેની ટીંમમાં સામેલ કરી દિધો હતો. જો કે સ્ટોરીની ટેપ મારે તેને ચૂપચાપ આપી દેવાની. જો કે મને એમાં કંઈ વાંધો નહોતો. કારણકે કોણ મુખ્ય નેતા છે કોણ નથી. તેની તે વખતે મને ખાસ કંઈ સમજ નહોતી. તેથી જે જગ્યાએ તેનાથી પહોંચી ન શકાય. ત્યાં મને મોકલી આપતો.


મારો બીજો સાથીદાર કેમેરામેન અશોક. ઍરપોર્ટ પર જેવું કોઇ નેતાનું હેલિકૉપ્ટરનું લેન્ડિગ થાય. તમામ ચેનલોનાં રીપોટર્રો કૅમેરામૅન તે દિશામાં દોટ મુકે. દરેકને પોતાની ચેનલનું બુમ (લોગો વાળું માઇક) દેખાવું જ જોઇએ. વળી ઍન્ગલ પણ વ્યવસ્થીત જોઇએ. ભારે અંધાધૂંધીગાળાગાળીનો માહોલ સર્જાય. હું તો માત્ર અશોકની સૂચનાને અનુસરતો. ઑફિસમાં ભાગ્યે જ ગાળ ખાધી હશે. વળી પીટુસી (કૅમેરા સામે જોઇને રીપોર્ટર સમાપન કરે તે દ્રશ્ય)  માટે પણ મને ઍરપોર્ટનાં ખુણેખુણે લઈ જઇ રોજ નવાંનવાં ગતકડા કરાવવામાં તેને બહુ મજા આવતી. જો કે તેની પાછળ રીજનલ ચેનલને બદલે કોઇ નૅશનલ ચેનલમાં કૅમેરામેન તરીકેની નોકરી મળી જાય તેવી મહત્ત્વાકાંક્ષા પણ કામ કરતી. જો કે એવી મહત્ત્વાકાંક્ષા મને પણ હતી. જો કે તેનાથી બહુ મોટી ભૂલ મારાથી થઈ ગઈ હતી. તેની વાત ફરી ક્યારેક.


બિહાર વિધાનસભા ચૂંટણી કવરેજ કરનારો એક મહત્ત્વનો રીપોર્ટર હું બની ચૂક્યો હતો. જો કે અગાઉ કિધું તેમ મારૂ કામ તો માત્ર બાઇટ લાવવા પુરતું જ મર્યાદિત હતું. તેથી મેં એક ગુજરાતી દૈનિક માટે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભૂતિયા નામે ગુજરાતીમાં અહેવાલ લખવાનું કામ સામેથી માંગીને લીધું. મારો અહેવાલ દરરોજ છપાતો એવું મારા પેપરનો સબએડિટર મને કહેતો. જો કે આ કામ માથે લીધા બાદ મને બિહારની અથવા તો પટનાની સમસ્યાનો ધીમેધીમે પરિચય આવવા માંડયો હતો.
શાંતિથી બેસીને અહેવાલ લખી શકું તેવું કોઇ સાયબર કૅફે પણ ન મળતું. મળે તો લાઇટ ન હોય. ઇન્ટરનેટ કનેકશન ધીમું. તેથી મેે ઓફિસમાં બેસીને ટાઇપ કરીને ન્યુઝપેપરમાં સીધો ફેક્સ કરવાનું શરૂ કર્યુ. તો બહાર ફેક્સ મશીનમાં પણ ભારે ગડબડ. કનેકશન ન મળે જેવી અનેક તકલીફો. તેથી અમુક દિવસો બાદ મે આ કામ માંડી વાળ્યું હતું.


પટનામાં અમને એક પ્રાઇવેટ કંપનીનો મોબાઇલ સીમકાર્ડ આપવામાં આવ્યો હતો. જે પટનાની બહાર નીકળો તો બંધ થઇ જતો. બીએસએનએલનાં કાર્ડ ઓછા હોવાથી જો કોઇ રિપોર્ટર પટનાથી ઘણો દૂર જવાનો હોય તેમને જ આપવામાં આવતાં. તે પણ ઘણી મુશ્કેલી બાદ લાગતો. આ બધી પ્રાઇવેટ કંપનીઓ પટનાની બહાર ટાવર કેમ નથી લગાવતી તેવો સવાલ હું અશોકને પૂછતો તો તે મને કહેતો કે પટનાની બહાર ટાવર મુકવા માટે રંગદારી (ખંડણી કે હપ્તો) આપવી પડે. વળી અહિં એક કરતા વધારે ગુંડાઓની ટોળકી હોવાથી કંપનીઓ કોનેકોને હપ્તાઓ આપતી રહે. તેથી જ મોબાઇલ ટાવરો પટનાની બહાર નથી ચાલતા. મારા માટે આ તમામ વાતો નવાઈભરી હતી.


હું જ્યારે પટના વિધાનસભા ચૂંટણીનું કવરેજ કરવા બિહાર પહોંચ્યો ત્યારે ૨૦૦૪ નો ડિસેમ્બર મહિનો હતો. ટ્રેનમાંથી તો ચારે બાજુ લીલોતરી જ દેખાતી. તેથી ફરી પાછુ પછાત કેમ તે પ્રશ્ન ઉકેલવાનો તો બાકી જ હતો. અમને એક સારી ગણાતી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. પરંતુ ઠંડીને કારણે મારુ મગજ જાણે બહેર મારી ગયું હોય તેવો ઘાટ હતો. હૉટેલમાં ગાદી ઓઢીને સૂઈ જતો તો પણ ઠંડી લાગતી. આખો દિવસ જાણે ઠંડી જ હોય તેવું લાગતું. તેથી મેં ઓમપ્રકાશને મારી આ સમસ્યા કહી. તેણે મને બજારમાંથી ‘ઇનર’  લાવવા કહ્યું તે પહેર્યા બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ શરીરની તમામ સિસ્ટમ કામ કરતી થઈ ગઈ. પહેલી વખત ટીવી પર આવતી પેલી જાહેરાત ‘ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ’ નો અર્થ મને સમજાયો. ઉત્તર ભારતમાં લોકો શા માટે ઇનર પર શર્ટ પહેરતા હોય તે મને સમજાયું.


હૈદરાબાદમાં પણ સાયકલ રિક્ષાઓ હતી. પરંતુ હૈદરાબાદનાં જે વિસ્તારમાં હું રહ્યો હતો. ત્યાં મે કદી આવી રિક્ષાઓ જોઈ નહોતી. તેથી પહેલી વહેલી સાયકલરિક્ષાની સવારી પણ મેં પટનામાં જ કરી. શરૂઆતનાં દિવસોમાં તો સાયકલ રિક્ષામાં બેસવું મને ઘણું વિચિત્ર લાગતું પણ ધીરેધીરે બીજો કોઈ પર્યાય પણ ન હોવાથી મારે પણ તે સ્વીકારવું પડ્યું. 
દિવસભર સાયકલ રિક્ષા ચલાવીને તેઓ માત્ર ૧૦૦ રૂપિયા કમાતા. વળી ઘણાની રિક્ષાઓ પણ ભાડાની હતી. તેઓ શા માટે ગુજરાતમાં ગમે તે કામ કરવા તૈયાર થઈ જતા તે મને ઘીમેધીમે સમજાતું હતું.


બિહાર અને ગુજરાતને સાંકળતી કોઈ સ્ટોરી મને મળી જાય તેની ફિરાકમાં હું રહેતો  પણ ભાગ્યે જો કોઈ સ્ટોરી મળી હતી. એક વખત આપણાં શંકરસિંહ વાધેલાએ સ્થાપેલી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) ની ટિકીટ પરથી ચૂંટાઈ આવેલા એક વિધાનસભ્યની માહિતી મને મળી. કંઇક ગુજરાત કનેકશન મળશે. પરંતુ એવું કંઇ જ ન્હોતું. વળી તે વિધાનસભ્યની છાપ પણ ભારે માથાભારે હતી. એટલું ઓછું હોય તેમ તે વિધાનસભ્યએ એ જ દિવસોમાં નિતિશ કુમારની પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરતા મે તેના ઇન્ટરવ્યુ લેવાનું માંડી વાળ્યું હતું


(મુસ્લીમ વોટ બેંકને આકર્ષવા લાલું એ ગુજરાતથી બોલાવેલા ધર્મગુરૂઓ, લાલુ એક અભિનેતા, નક્ષલવાદીઓનાં ગામમાં, ૮૦૦ રૂપિયામાં બંદૂક, નલ મે પાની આતા હૈ, લાલુની પાછળપાછળ બાથરૂમમાં, બિહારના રસ્તાઓ, બિહાર તથા ગુજરાતની સરખામણી કરવાની સ્ટોરીમાં મળેલી નિષ્ફળતા.. જેવી અનેક વાતો મારી બિહાર યાત્રાનાં પાર્ટ ૨ માં)  


Thursday, 21 June 2012



માઝયા મુલીલા મરાઠી નાહીં યેત

 સામાન્ય રીતે સૌ કોઇ આપણે બધાં વાલીઓ પોતોનો દિકરો કે દિકરી અંગ્રેજીમાં બોલે તો હરખ પદુડા થઇએ. હું પણ એમાં કોઇ અપવાદ તો નથી જ. પરંતુ ઈંગ્લિશ સ્પીકીંગનાં ચારપાંચ અલગઅલગ કલાસ કર્યા ઈંગ્લીશ ન્યુઝ ચેનલમાં પાંચ વર્ષ નોકરી પણ કરી તેમ છતા ન આવડયું. છેવટે હાર કબુલી લીધી. મને લાગ્યું સાલું આ આપણું કામ નથી. જો કે હજુ પણ કોઇ ઈંગ્લિશ સ્પીંકીંગનું પાટીયું જોઇ ફરી પાછુ જોડાવાનું મન થઇ જાય. પણ ઘરે બઇરી વઢશે કે શા માટે રૂપિયા વેડફો છો એ ડરે પગ પાછાં ખેંચી લઉં છું.
 હું જ્યારે ઈંગ્લિશ ન્યુઝ ચેનલમાં કામ કરતો ત્યારે મને એવી જગ્યાએ બેસાડવામાં આવ્યો હતો. કે બોસ કેબિનમાંથી બહાર આવે ને સીધો મારા ઉપર ત્રાટકે. હું કોમ્યુટરની અંદર કોઇ જગ્યાએ સંતાઇ જવાનો હોઉં તેમ કંઇક જોરદાર કામ કરતો હોય તેવો દેખાવ કરૂ. ત્યાં કામ કરનારને કેવી રીતે કહું કે આ તો સાલું મારા માટે કાલા અક્ષર ભેંસ બરાબર જેવો ઘાટ છે. પરંતુ જ્યારે મારી છોકરીને મરાઠી શિખવવાની વાત આવી તો મને એમ કે આમાં તો હું સફળ થઇ જઇશ.
 મુંબઇમાં મને સાત વર્ષ થયાં. મારી અટક વળી ‘દેશપાંડે’ એટલે બધાને એમ કે મરાઠી હશે. હું જ્યાં રહુ તે દહિંસર સમગ્ર ગુજરાતી વિસ્તાર. મારી આજુબાજુનાં ફલેટવાળા મારી અટક વાંચી મારી સાથે હિન્દીમાં જ બોલે. પણ એક વખત તો હદ થઇ ગઇ. બિલ્ડીંગમાં કોઇકે માછલી ખાઇને તેનાં છોતલાં નીચે નાંખ્યા હતાં. અમે બધાં જ્યારે રાત્રે જમવાં બેઠાં હતા. ત્યારે સોસાયટીનાં એક આગળ પડતાં આગેવાન અમારા ઘરે પધારી પેલું માછલીનાં છોતલાંની થેલી બતાવી કહેવાં લાગ્યાં ‘યે માછલીકાં છોતલાં નીચે કાંઇકું ડાલા’. મારી મમ્મીથી આ સહન ન થયું તેમણે પેલાં ભાઇને અમે મરાઠીનાં કંઇ વિશિષ્ટ જ્ઞાતિ પેટાજ્ઞાતિનાં બ્રાહ્મણ છીએ તે સમજાવતા પેલાં ભાઇ થોડા દુઃખ સાથે પાછા ફર્યા. પરંતુ જતાં પહેલાં અમારાં ભાણાંમાં માછલી તો નથી પીરસાઇને તે ડોકું ઉંચું કરીને જોતા હતા. તેમનું આવું વર્તન જોઈ મને બહુ અજબ લાગતુ હતું.
         તો પણ મને મારી છોકરીને મરાઠી શિખવવાની ચળ કેમ ઉપડી તે સમજાતું હોતું. મને એમ કે અમે ઘરમાં મમ્મીપપ્પા સાથે જે ભાંગ્યું તૂંટયું મરાઠી બોલીએ છીએ તેવું મારી દિકરી પણ બોલે. પણ અફસોસ મારી મમ્મી કોઇ પણ રીતે મારી વાત માનવા તૈયાર જ ન થાય. તેને પણ મરાઠીમાં બહુ ફાવટ નહોતી જ. આમ તો એને મુંબઇમાં જ ફાવટ ન્હોતી આવતી. મારી છોકરીને મરાઠી શિખવાડવા પાછળની મારી હઠનું કારણ એ જ હતું કે મુંબઇમાં રહેતા લોકોને ગુજરાતી,મરાઠી, હિન્દી તથા અંગ્રેજી આ ચાર ભાષા તો આવડી જ જતી. પણ જો મારી મમ્મી સપોર્ટ નહીં કરે તો મારી દિકરીને મરાઠી નહીં જ આવડે. દાદીને બદલે આજી બોલતી એટલું જ એનું મરાઠીપણું હતું. વળી મારા આ મરાઠી પ્રેમ પાછળ મારો મુંબઈનો એક મિત્ર શરદ શેટ્ટી પણ એટલો જ જવાબદાર, મરાઠી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા કાનડી તમામ ભાષો બોલી લેતો. જો કે તે ઘણું વધારે જ બોલતો. એને ચૂપ કેમ રાખવો તે પણ એક સવાલ હતો. મને ઘણી વાર થતું કે હું શા માટે ભાષા આવડે તેવા હઠાગ્રહ પર ઉતરી આવ્યો છે. દેશપાંડે હોવા છતા મારી છોકરીને નહીં આવડે તો કંઇ નહીં. કારણ કે મારા ગુજરાતી પત્રકારત્ત્વનાં વર્ષો દરમ્યાન મને મુંબઇમાં ઘણી વાર એવા લોકો ભટકાય છે. જેઓ ગર્વથી કહે છે કે મારા સન કે ડૉટરને ગુજરાતી બોલવાનું નથી ફાવતું. તેમ કદાચ હું પણ બોલીશ માઝી મુલગી લા મરાઠી નાહીં જમત.
                 સવારે ઉઠયા બાદ મને રોજનાં બે કલાંક મળતા. તેથી જ્યારેજ્યારે મારી ઉપર આ મરાઠી શિખવવાનું ભૂત ઉપડતું તેટલો સમય હું મારી છોકરી જોડે મરાઠી બોલતો. મારી દયા ખાતા હોય તેમ મારા પપ્પા પણ મને સાથ આપતા. મારી છોકરી પણ મારી ભાષા સમજતી હોય તેમ રીસ્પોન્સ આપતી પણ હાં જવાબ તો ગુજરાતીમાં જ આપતી.